આશિષ આપી. જેમણે પવિત્ર સંસ્કાર પ્રાપ્ત ર્ક્યા છે, જેમનું ચિત્ત સ્થિર છે, એવા તે
ઘરમાંથી નીકળી આનંદરૂપ થઈ ભીમ નામના મહાવનમાં પ્રવેશ્યા. તે વનમાં સિંહાદિ ક્રૂર
પ્રાણીઓ ગર્જી રહ્યાં છે, વિકરાળ દાઢ અને વદનવાળા સૂતેલા અજગરોના નિશ્વાસથી
કંપાયમાન છે મોટાં મોટાં વૃક્ષો જ્યાં અને નીચે વ્યંતરોના સમૂહ રહે છે તેમનાં પગલાંથી
પૃથ્વીતળ કાંપી રહ્યું છે અને અત્યંત ઊંડી ગુફાઓમાં અંધકારનો સમૂહ ફેલાઈ રહ્યો છે.
મનુષ્યોની તો શી વાત, જ્યાં દેવ પણ જઈ શકે નહિ, જેની ભયંકરતા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે,
જ્યાં પર્વત છે, ગુફા અંધકારમય છે, વૃક્ષો કંટકરૂપ છે, મનુષ્યોનો સંચાર નથી, ત્યાં આ
ત્રણે ભાઈ ઉજ્જવળ ધોતીદુપટ્ટા ધારણ કરી, શાંતભાવરૂપ થઈને, બધી તૃષ્ણાનો ત્યાગ
કરી, વિદ્યાને અર્થે તપ કરવાને ઉદ્યમી થયા. તેમનાં ચિત્ત નિઃશંક છે, પૂર્ણ ચંદ્રમા સમાન
વદન છે, વિદ્યાધરોના શિરોમણિ જુદાં જુદાં વનમાં વિરાજે છે. તેમણે દોઢ દિવસમાં
અષ્ટાક્ષર મંત્રના લાખ જાપ ર્ક્યા તેથી ત્રણે ભાઈઓને સર્વકામપ્રદા વિદ્યા સિદ્ધ થઈ.
વિદ્યા એમને મનવાંછિત અન્ન પહોંચાડતી તેથી તેમને ક્ષુધાની વાંછા થતી નહિ. પછી એ
સ્થિરચિત્ત થઈને સહસ્ત્રકોટિ ષોડશાક્ષર મંત્ર જપવા લાગ્યા. તે વખતે જંબૂદ્વીપનો
અધિપતિ અનાવૃત્તિ નામનો યક્ષ પોતાની સ્ત્રી સાથે ક્રીડા કરવા આવ્યો. તેની દેવાંગના
આ ત્રણે ભાઈઓને મહારૂપવાન અને નવયુવાન જોઈને તથા તપમાં જેમનું મન
સાવધાન છે એમ જોઈને જિજ્ઞાસાથી તેમની સમીપે આવી. જેમનાં મુખ કમળ સમાન છે
અને શ્યામસુંદર કેશ ભ્રમર સમાન છે એવી એ આપસમાં બોલીઃ “અહો! આ કોમળ
શરીર અને વસ્ત્રાભરણરહિત રાજકુમારો શા માટે તપ કરે છે? એમના આવાં શરીરની
કાંતિ ભોગ વિના શોભતી નથી. ક્યાં એમની યુવાન ઉંમર અને ક્યાં આ ભયાનક
વનમાં એમનું તપ?” પછી એમને તપમાંથી ડગાવવા માટે કહેવા લાગીઃ “હે મન્દબુદ્ધિ!
તમારું આ રૂપાળું શરીર ભોગનું સાધન છે, યોગનું સાધન નથી. માટે શા કારણે તપનો
ખેદ કરો છો? ઊઠો, ઘરે જાવ, હજી પણ કાંઇ બગડયું નથી.” ઇત્યાદિ અનેક વચનો
કહ્યાં, પણ તેમનાં મનમાં એકપણ આવ્યું નહિ, જેમ કમળપત્ર ઉપર જળનું બિંદુ ઠરતું
નથી તેમ. ત્યારે તેઓ આપસમાં બોલવા લાગીઃ હે સખી! એ તો કાષ્ઠમય છે. એમનાં
બધાં અંગ નિશ્ચલ દેખાય છે. આમ કહી ક્રોધાયમાન થઈ તત્કાળ સમીપમાં આવી એમની
વિશાળ છાતી ઉપર મુઠ્ઠીઓ મારી તો પણ તે ચલાયમાન ન થયા. તેમનું ચિત્ત સ્થિર હતું.
કાયર પુરુષ હોય તે પ્રતિજ્ઞાથી ડગે. દેવીઓના કહેવાથી અનાવૃત યક્ષે હસીને કહ્યુંઃ હે
સત્પુરુષો! શા માટે દુર્ધર તપ કરો છો અને ક્યા દેવની આરાધના કરો છો? આમ કહ્યું
તો પણ તેઓ બોલ્યા નહિ, ચિત્ર સમાન બની રહ્યા. ત્યારે અનાવૃત યક્ષે ક્રોધ કર્યો કે
જંબૂદ્વીપનો દેવ તો હું છું, મને છોડીને કોનું ધ્યાન કરો છો? એ મંદબુદ્ધિ છે. એમના ઉપર
ઉપદ્રવ કરવા માટે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી. નોકરો સ્વભાવથી જ ક્રૂર હતા અને
સ્વામીના કહેવાથી તેમણે અતિ અધિક ઉપદ્રવ ર્ક્યા. કેટલાક તો પર્વત ઉપાડીને લાવ્યા
અને તેમની સમીપે પછાડયા તેના ભયંકર અવાજ