આકાશનાં આભૂષણ સૂર્યચંદ્ર છે તેમ હે પુત્ર રાવણ! હવે આપણા કુળનું તું આભૂષણ છો.
આશ્ચર્ય પમાડનારી તારી ચેષ્ટા સર્વ મિત્રોને આનંદ ઉત્પન્ન કરે છે. તું પ્રગટ થયો તે
પછી અમારે શી ચિંતા? અગાઉ આપણા વંશમાં રાજા મેઘવાહન આદિ મહાન રાજાઓ
થયા છે, તેઓ લંકાપુરીનું રાજ્ય કરી, પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈને મોક્ષમાં ગયા છે.
હવે અમારા પુણ્યથી તું થયો. સર્વ રાક્ષસોના કષ્ટ દૂર કરનાર, શત્રુઓને જીતનાર,
મહાસાહસી એવા તારી પ્રશંસા અમે એક મુખથી કેટલીક કરીએ? તારાં ગુણો દેવ પણ
વર્ણવી ન શકે. આ રાક્ષસવંશી વિદ્યાધરો જીવનની અમે આશા છોડીને બેઠા હતા, હવે
બધાને આશા બંધાઈ છે, કારણ કે તું મહાધીર પ્રગટ થયો છે. એક દિવસ અમે કૈલાસ
પર્વત પર ગયા હતા. ત્યાં એક અવધિજ્ઞાની મુનિને અમે પૂછયું હતું કે હે પ્રભો! લંકામાં
અમારો પ્રવેશ થશે કે નહિ? ત્યારે મુનિએ કહ્યું હતું કે તમારા પુત્રને પુત્ર થશે તેના
પ્રભાવથી તમારો લંકામાં પ્રવેશ થશે. તે પુરુષોમાં ઉત્તમ થશે. તારો પુત્ર રત્નશ્રવા રાજા
વ્યોમબિંદુની પુત્રી કેકસીને પરણશે, તેની કુક્ષિમાં તે પુરુષોત્તમ પ્રગટ થશે. તે ભરતક્ષેત્રના
ત્રણ ખંડનો ભોક્તા થશે, તેની કીર્તિ દશે દિશામાં ફેલાશે. તે શત્રુઓ પાસેથી પોતાનું
નિવાસસ્થાન છોડાવશે અને વેરીઓના સ્થાનને દબાવશે એમાં આશ્ચર્ય નથી. તું
મહાઉત્સવરૂપ કુળની શોભા પ્રગટયો છે, તારા જેવું રૂપ જગતમાં બીજા કોઈનું નથી, તું
તારા અનુપમ રૂપથી સર્વના નેત્ર અને મનનું હરણ કરે છે, ઇત્યાદિ વચનોથી સુમાલીએ
રાવણનાં વખાણ કર્યાં. ત્યારે રાવણે હાથ જોડી, નમસ્કાર કરી સુમાલીને કહ્યું કે હે પ્રભો!
આપના પ્રસાદથી એમ જ થાવ. આમ કહી નમસ્કાર મંત્રનો જાપ અને પંચપરમેષ્ઠીને
નમસ્કાર ર્ક્યા, સિદ્ધોનું સ્મરણ ર્ક્યું, જેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
વેરીઓની બીક ન રાખી. આ પ્રમાણે પૂર્વભવના પુણ્યથી પુરુષ લક્ષ્મી પામે છે. જેણે
પોતાની કીર્તિ દશે દિશામાં ફેલાવી છે એવો તે બાળક હતો. આ પૃથ્વી ઉપર મોટી ઉંમર
તે કાંઈ તેજસ્વીતાનું કારણ નથી, જેમ અગ્નિનો નાનો તણખો પણ વનને ભસ્મ કરે છે
અને સિંહનો બાળ નાનો હોય તો પણ મત્ત હાથીઓના ગંડસ્થલને વિદારી નાખે છે,
ચંદ્રનો ઉદય થતાં જ કુમુદો પ્રફુલ્લિત થાય છે અને તે જગતનો સંતાપ દૂર કરે છે, સૂર્ય
ઊગતાં જ અંધકારની કાળી ઘટાઓ દૂર થાય છે.
વિધાસાધનનું કથન કરનાર સપ્તમું પર્વ પૂર્ણ થયું.