કહેવાતા, ઇન્દ્રના કુળના દેવ કહેવાતા. આ બધા વિદ્યાધર મનુષ્યો હતા. રાજા મયની રાણી
હેમવતીની પુત્રી મંદોદરીનાં સર્વ અંગોપાંગ સુંદર હતાં, વિશાળ નેત્રો હતાં, રૂપ અને
લાવણ્યમય જળની સરોવરી હતી. તેને નવયૌવના થયેલી જોઈ પિતાને તેના લગ્નની
ચિંતા થઈ. તેણે પોતાની રાણી હેમવતીને પૂછયુંઃ ‘હે પ્રિયે! આપણી પુત્રી મંદોદરી તરુણ
અવસ્થા પામી છે, તેની મને ઘણી ચિંતા છે. પુત્રીઓનાં યૌવનના આરંભથી જે સંતાપરૂપ
અગ્નિ ઊપજે છે તેમાં માતા, પિતા, કુટુંબ સહિત ઇંધનરૂપ બને છે. માટે તું કહે, આ
કન્યા પરણાવીએ? ગુણમાં, કુળમાં, કાંતિમાં તેના સમાન હોય તેને દેવી જોઈએ.’ ત્યારે
રાણીએ કહ્યું ‘હે દેવ! અમારું કામ પુત્રીને જન્મ આપવાનું અને તેનું પાલન કરવાનું છે.
પરણાવવાનું કામ તમારા આશ્રયે છે. જ્યાં તમારું ચિત્ત પ્રસન્ન થાય ત્યાં આપો. જે ઉત્તમ
કુળની બાલિકા હોય છે તે પતિ અનુસાર ચાલે છે.’ જ્યારે રાણીએ આમ કહ્યું ત્યારે
રાજાએ મંત્રીઓને પૂછયું. ત્યારે કોઈએ કોઈ બતાવ્યો, કોઈએ ઈન્દ્ર બતાવ્યો કે તે સર્વ
વિદ્યાધરોનો સ્વામી છે. તેની આજ્ઞા લોપતા સર્વ વિદ્યાધરો ડરે છે. ત્યારે રાજા મયે કહ્યું કે
મારી ઇચ્છા તો એવી છે કે આ કન્યા રાવણને આપવી, કારણ કે તેને થોડા જ દિવસોમાં
સર્વ વિદ્યા સિદ્ધ થઈ છે તેથી એ કોઈ મહાપુરુષ છે, જગતને આશ્ચર્યનું કારણ છે. રાજાનાં
વચન મારીચ આદિ સર્વ મંત્રીઓએ પ્રમાણ કર્યાં. મંત્રી રાજાની સાથે પોતાના કાર્યમાં
પ્રવીણ છે. પછી સારા ગ્રહલગ્ન જોઈને અને ક્રૂર ગ્રહો ટાળીને રાજા મય મારીચને સાથે
લઈ કન્યા રાવણ સાથે પરણાવવા લઈને રાવણને ત્યાં ગયા. રાવણ તે વખતે ભીમ
નામના વનમાં ચંદ્રહાસ ખડ્ગ સાધવા આવ્યો હતો અને ચન્દ્રહાસને સિદ્ધ કરી સુમેરુ
પર્વતનાં ચૈત્યાલયોની વંદના કરવા ગયો હતો. રાજા મય સંદેશવાહકોના કહેવાથી ભીમ
નામના વનમાં આવ્યા. કેવું છે તે વન? જાણે કે કાળી ઘટાઓનો સમૂહ જ છે. ત્યાં
અતિસઘન અને ઊંચાં વૃક્ષો છે. વનની મધ્યમાં તેમણે એક ઊંચો મહેલ જોયો, જાણે
પોતાનાં શિખરોથી સ્વર્ગને સ્પર્શી રહ્યો છે. રાવણે જે સ્વયંપ્રભ નામનું નવું નગર વસાવ્યું
હતું તેની સમીપમાં જ આ મહેલ હતો. રાજા મયે વિમાનમાંથી ઊતરીને મહેલની પાસે જ
ઉતારો કર્યો અને વાજિંત્રો વગેરેનો આડંબર છોડીને, કેટલાંક નજીકનાં સગાઓ સાથે
મંદોદરીને લઈને મહેલમાં આવ્યા. સાતમા માળે પહોંચ્યાં. ત્યાં રાવણની બહેન ચંદ્રનખા
બેઠી હતી, જાણે કે સાક્ષાત્ વનદેવી જ હતી. આ ચંદ્રનખાએ રાજા મય અને તેમની પુત્રી
મદોદરીને જોઈને તેમનો ખૂબ આદર કર્યો, કારણ કે મોટા કુળનાં બાળકોનું એ લક્ષણ જ
છે. પછી વિનયસંયુક્ત તેમની પાસે બેઠી. ત્યારે રાજા મયે ચંદ્રનખાને પૂછયુંઃ હે પુત્રી! તું
કોણ છે? શા માટે આ વનમાં એકલી રહે છે? ચંદ્રનખાએ બહુજ વિનયથી જવાબ