Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 88 of 660
PDF/HTML Page 109 of 681

 

background image
૮૮ આઠમું પર્વ પદ્મપુરાણ
આપ્યો કે મારા મોટા ભાઈ રાવણ બે ઉપવાસનો નિયમ કરી, ચંદ્રહાસ ખડ્ગને સિદ્ધ કરી,
મને તે ખડ્ગનું રક્ષણ કરવાનું સોંપીને સુમેરુ પર્વતના ચૈત્યાલયોની વંદના કરવા ગયા છે.
હું ભગવાન શ્રી ચન્દ્રપ્રભુના ચૈત્યાલયમાં રહું છું. આપ અમારા મહાન હિતસ્વી સંબંધી
છો અને રાવણને મળવા આવ્યા છો, તો થોડીવાર અહીં બિરાજો. આ પ્રમાણે એમની
સાથે વાત થતી હતી ત્યાં જ રાવણ આકાશમાર્ગે થઈને આવ્યો તે તેજનો સમૂહ નજરે
પડયો એટલે ચંદ્રનખાએ કહ્યું કે પોતાના તેજથી સૂર્યના તેજને ઝાંખુ પાડતો આ રાવણ
આવ્યો. રાજા મય મેઘના સમૂહ સમાન શ્યામસુંદર અને વીજળી સમાન ચમકતાં
આભૂષણો પહેરેલા રાવણને જોઈને બહુ જ આદરથી ઊઠીને ઊભા થયા, રાવણને મળ્‌યા
અને સિંહાસન ઉપર બેઠા. રાજા મયનાં મંત્રી મારીચ, વજ્રમધ્ય, વજ્રનેત્ર, નભસ્તડિત,
ઉગ્ર, નક્ર, મરુધ્વજ, મેઘાવી, સારણ, શુક્ર એ બધા જ રાવણને જોઈને રાજી થયા અને
રાજા મયને કહેવા લાગ્યા કે હે દેવ! આપની બુદ્ધિ અતિપ્રવીણ છે, મનુષ્યોમાં જે મહાન
હતો તે આપના મનમાં વસ્યો. રાજા મયને આમ કહ્યા પછી તે મંત્રીઓ રાવણને કહેવા
લાગ્યાઃ હે રાવણ! હે મહાભાગ્ય! આપનું રૂપ અને પરાક્રમ અદ્ભુત છે અને આપ અતિ
વિનયવાન છો, અતિશયના ધારક અનુપમ વસ્તુ છો. આ રાજા મય દૈત્યોના અધિપતિ,
દક્ષિણ શ્રેણીમાં અસુરસંગીત નામના નગરના રાજા છે, પૃથ્વીમાં પ્રસિદ્ધ છે, હે કુમાર!
આપના ગુણો પ્રત્યે અનુરાગી થઈને આવ્યા છે. રાવણે એમનો બહુ જ આદર કર્યો,
પરોણાગતિ કરી અને મિષ્ટ વચનો કહ્યાં. મોટા પુરુષના ઘરની એ રીત જ હોય છે કે
પોતાને દ્વાર આવેલાનો આદર કરે જ કરે. રાવણે મયના મંત્રીઓને કહ્યું કે આ દૈત્યનાથ
મહાન છે, મને પોતાનો જાણીને તેમણે મારા ઉપર અનુગ્રહ કર્યો છે. ત્યારે રાજા મયે કહ્યું
કે હે કુમાર તમારા માટે આ યોગ્ય જ છે, તમારા જેવા સાધુ પુરુષને માટે સજ્જનતા જ
મુખ્ય છે. પછી રાવણ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવા માટે જિનમંદિરમાં ગયો. રાજા મય
અને તેમના મંત્રીઓને પણ લઈ ગયો. રાવણે બહુ ભાવથી પૂજા કરી, ભગવાનની સ્તુતિ
કરી, વારંવાર હાથ જોડી નમસ્કાર કર્યા, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં. અષ્ટાંગ દંડવત્
કરીને તે જિનમંદિરમાંથી બહાર આવ્યો. કેવો છે રાવણ? જેનો ઉદય અધિક છે, જેની
ચેષ્ટા મહાસુંદર છે, જેના મસ્તક પર ચૂડામણિ શોભે છે, તે ચૈત્યાલયમાંથી બહાર આવીને
રાજા મય સહિત સિંહાસન પર બિરાજ્યા. તેણે રાજાને વૈતાડ પર્વતના વિદ્યાધરોની વાત
પૂછી અને મંદોદરી તરફ દ્રષ્ટિ ગઈ તો તેને જોઈને મન મોહિત થઈ ગયું. કેવી છે
મંદોદરી? સૌભાગ્યરૂપ રત્નની ભૂમિકા, જેના નખ સુંદર છે, જેનાં ચરણ કમળ સમાન છે,
જેનું શરીર સ્નિગ્ધ છે, જેની જંઘા કેળના સ્થંભ સમાન મનોહર છે, લાવણ્યરૂપ જળનો
પ્રવાહ જ છે, લજ્જાના ભારથી જેની દ્રષ્ટિ નીચી નમેલી છે, સુવર્ણના કુંભ સમાન જેના
સ્તન છે, પુષ્પોથી અધિક તેની સુગંધ અને અને સુકુમારતા છે, બન્ને ભુજલતા કોમળ છે,
શંખના કંઠ સમાન તેની ગ્રીવા છે, પૂર્ણિમાના ચંદ્ર સમાન તેનું મુખ છે, પોપટથીયે સુંદર તેનું
નાક છે, જાણે કે બેઉ નેત્રોની કાંતિરૂપી નદીનો એ સેતુબંધ જ છે. મૂંગા અને પલ્લવથી