વિદ્યાધરો યક્ષ કહેવાય છે તેથી સમસ્ત યક્ષોનો સાથ લઈ રાક્ષસો ઉપર ચડાઈ કરી. અતિ
ઝગમગતાં ખડ્ગ, કુહાડી, ચક્ર, બાણાદિ અને આયુધો ધારણ કર્યાં છે, અંજનગિરિ સમાન
મદગળતા હાથીઓના મદ ઝરી રહ્યા છે, જાણે કે ઝરણાં વહી રહ્યાં છે, મોટા રથો અનેક
રત્નો જડેલા સંધ્યાના વાદળના રંગ સમાન મનોહર, મહાતેજસ્વી પોતાના વેગથી પવનને
જીતે છે, એવી જ રીતે અશ્વો અને પ્યાદાઓના સમૂહ સમુદ્ર સમાન ગર્જના કરતા યુદ્ધને
અર્થે ચાલ્યા દેવોનાં વિમાન સમાન સુંદર વિમાનોમાં બેસીને વિદ્યાધર રાજાઓ રાજા
વૈશ્રવણની સાથે ચાલ્યા અને રાવણ એમના પહેલાં જ કુંભકરણાદિ ભાઈઓ સહિત બહાર
નીકળ્યો હતો. યુદ્ધની અભિલાષા રાખતી બન્ને સેનાઓનો સંગ્રામ ગુંજ નામના પર્વત
ઉપર થયો. શસ્ત્રોના સંપાતથી અગ્નિ દેખાવા લાગ્યો. ખડ્ગના ઘાતથી, ઘોડાના
હણહણાટથી, પગે ચાલીને લડનારાઓની ગર્જનાથી, હાથીની ગર્જનાથી, રથના પરસ્પર
શબ્દોથી, વાજિંત્રોના અવાજથી, બાણના ઉગ્ર શબ્દોથી રણભૂમિ ગાજી રહી, ધરતી અને
આકાશ શબ્દમય બની ગયા, વીરરસનો રાગ ફેલાઈ થયો, યોદ્ધાઓને મદ ચઢતો ગયો,
યમના વદન સમાન તીક્ષ્ણ ધારવાળાં ગોળ ચક્ર, યમરાજની જીભ સમાન રુધિરની ધાર
વરસાવતી ખડ્ગધારા, યમના રોમ સમાન કુહાડા, યમની આંગળી સમાન બાણ અને
યમની ભુજા સમાન ફરસી, યમની મુષ્ટિ સમાન મુદ્ગર ઇત્યાદિ અનેક શસ્ત્રોથી પરસ્પર
મહાયુદ્ધ થયું. કાયરોને ત્રાસ અને યોદ્ધાઓને હર્ષ ઊપજ્યો. સામંતો શિરને બદલે યશરૂપ
ફળ મેળવતા હતા. અનેક રાક્ષસ અને વાનર જાતિના વિદ્યાધરો તથા યક્ષ જાતિના
વિદ્યાધરો પરસ્પર યુદ્ધ કરીને પરલોકમાં સિધાવ્યા. કેટલાક યક્ષોની આગળ રાક્ષસો પાછા
હઠયા ત્યારે રાવણે પોતાની સેનાને દબાતી જોઈને પોતે લડાઈની લગામ હાથમાં લીધી.
મહામનોજ્ઞ સફેદ છત્ર જેના શિર ઉપર ફરે છે, એવો કાળમેઘ સમાન રાવણ ધનુષ્યબાણ
ધારણ કરીને, ઇન્દ્રધનુષ્ય સમાન અનેક રંગોનું બખ્તર પહેરીને, શિર પર મુગટ પહેરી
પોતાની દીપ્તિથી આકાશમાં ઉદ્યોત કરતા આવ્યો. રાવણને જોઈને યક્ષ જાતિના વિદ્યાધરો
ક્ષણમાત્ર સંકોચાયા, તેમનું તેજ ઝાંખું પડી ગયું, રણની અભિલાષા છોડીને પરાઙમુખ
થયા, ભયથી આકુળિત થઈને ભમરાની જેમ ફરવા લાગ્યા. તે વખતે યક્ષોનો અધિપતિ
મોટા મોટા યોદ્ધા એકઠા કરીને રાવણની સામે આવ્યો. રાવણ સૌને છેદવા લાગ્યો. જેમ
સિંહ ઊછળીને મદમસ્ત હાથીઓના ગંડસ્થળને વિદારે તેમ રાવણ કોપરૂપી વચનથી
પ્રેરાઈને અગ્નિસ્વરૂપ થઈને શત્રુની સેનારૂપ વનને બાળવા લાગ્યો. રાવણના બાણથી ન
વીંધાયો હોય એવો એકે પુરુષ નહોતો, રથ નહોતો, અશ્વ નહોતો કે વિમાન નહોતું.
રાવણને રણમાં જોઈને વૈશ્રવણ ભાઈ તરીકેનો સ્નેહ બતાવવા લાગ્યો, પોતાના મનમાં
પસ્તાયો, જેમ બાહુબલિ ભરત સાથે લડાઈ કરીને પછતાયા હતા તેમ વૈશ્રવણ રાવણ
સાથે વિરોધ કરીને પસ્તાયો. હાય! હું મૂર્ખ ઐશ્વર્યથી ગર્વિત થઈને ભાઈનો નાશ
કરવામાં પ્રવર્ત્યો. આવો વિચાર કરીને વૈશ્રવણ રાવણને કહેવા લાગ્યો, ‘હે દશાનન! આ
રાજ્યલક્ષ્મી ક્ષણભંગુર છે એના નિમિત્તે તું શા માટે પાપ કરે છે? હું તારી મોટી માસીનો
પુત્ર છું તેથી