Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 660
PDF/HTML Page 116 of 681

 

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૯પ
ભાઈઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવો યોગ્ય નથી. આ જીવ પ્રાણીઓની હિંસા કરાવી
મહાભયંકર નરકમાં જાય છે, તે મહાદુઃખથી ભરેલું છે. જગતના જીવો વિષયોની
અભિલાષામાં ફસાયેલા છે. જીવન આંખોની પલકમાફક ક્ષણિક છે એ શું તું નથી
જાણતો? ભોગોને ખાતર પાપકર્મ શા માટે કરે છે?’ રાવણે ઉત્તર આપ્યો, ‘હે વૈશ્રવણ!
આ ધર્મશ્રવણનો સમય નથી. જે મત્ત હાથી ઉપર ચડે અને હાથમાં ખડ્ગ લે તે શત્રુઓને
મારે અથવા પોતે મરે. ઘણું બોલવાથી શું ફાયદો? કાં તો તું તલવારના માર્ગમાં ખડો થા
અથવા મારા પગમાં પડ. જો તું ધનપાલ હો તો અમારો ભંડારી થા, પોતાનું કામ
કરવામાં માણસને લજ્જા ન થવી જોઈએ.’ ત્યારે વૈશ્રવણે કહ્યું, ‘હે રાવણ! તારું આયુષ્ય
અલ્પ છે તેથી તેં આવાં ક્રૂર વચન કહ્યાં. તારી શક્તિ પ્રમાણે તું અમારા ઉપર શસ્ત્રનો
પ્રહાર કર.’ ત્યારે રાવણે કહ્યું કે તમે મોટા છો તેથી પ્રથમ પ્રહાર તમે કરો. પછી રાવણ
અને વૈશ્રવણે બાણ ચલાવ્યાં, જાણે કે પર્વત ઉપર સૂર્યનાં કિરણો ફેંક્યાં. વૈશ્રવણનાં બાણ
રાવણે પોતાનાં બાણથી કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી શરમંડપ બનાવી દીધો. પછી
વૈશ્રવણે અર્ધચંદ્ર બાણ વડે રાવણનું ધનુષ્ય છેદી નાખ્યું અને રથરહિત કર્યો. રાવણે
મેઘનાદ નામના રથ ઉપર ચડીને વૈશ્રવણ સાથે યુદ્ધ કર્યું, ઉલ્કાપાત સમાન વજ્રદંડોથી
વૈશ્રવણનું બખ્તર તોડી નાખ્યું અને વૈશ્રવણના કોમળ હૃદયમાં ભિંડમાલ મારી તેથી તે
મૂર્છિત બની ગયો. તેની સેનામાં અત્યંત શોક ફેલાઈ ગયો અને રાક્ષસોની સેનામાં હર્ષ.
વૈશ્રવણના સેવકો વૈશ્રવણને રણક્ષેત્રમાંથી ઉપાડીને યક્ષપુર લઈ ગયા અને રાવણ
શત્રુઓને જીતીને યુદ્ધમાંથી પાછો આવ્યો. સુભટોને શત્રુને જીતવાનું જ પ્રયોજન હોય છે,
ધનાદિકનું નહિ.
પછી વૈશ્રવણના વૈદ્યોએ પ્રયત્ન કર્યો તેથી તે સાજો થયો અને પોતાના મનમાં
વિચારવા લાગ્યો કે જેમ પુષ્પરહિત વૃક્ષ, શિંગડા તૂટેલો બળદ કે કમળ વિનાનું સરોવર
શોભતું નથી તેમ હું શૂરવીરતા વિના શોભું નહિ. જે સામંત છે અને ક્ષત્રિયપણાનું બિરુદ
ધરાવે છે તે સુભટપણાથી શોભે છે, તેને સંસારમાં પરાક્રમી જ સુખ છે; તે હવે મારામાં
રહ્યું નહિ માટે હવે સંસારનો ત્યાગ કરીને મુક્તિ માટે પ્રયત્ન કરું. આ સંસાર અસાર છે,
ક્ષણભંગુર છે, માટે જ સત્પુરુષો વિષયસુખ ઈચ્છતા નથી. એ અંતરાય સહિત છે અને
અલ્પ છે, દુઃખરૂપ છે. આ પ્રાણી પૂર્વભવમાં જે અપરાધ કરે છે તેનું ફળ આ ભવમાં
પરાભવ પામે તે છે. સુખદુઃખનું મૂળ કારણ કર્મ જ છે અને પ્રાણી નિમિત્તમાત્ર છે, તેથી
જ્ઞાનીએ તેના ઉપર કોપ ન કરવો જોઈએ. જ્ઞાની સંસારનું સ્વરૂપ સારી રીતે જાણે છે.
આ કેકસીનો પુત્ર રાવણ મારા કલ્યાણનું નિમિત્ત બન્યો છે, જેણે મને ગૃહવાસરૂપ મોટી
ફાંસીમાંથી છોડાવ્યો, અને કુંભકર્ણ મારો પરમ બાંધવ થયો, જેણે આ સંગ્રામના કારણને
મારા જ્ઞાનનું નિમિત્ત બનાવ્યું. આમ વિચાર કરીને વૈશ્રવણે દિગંબરી દીક્ષા ધારણ કરી.
તેણે પરમતપ આરાધીને સંસારભ્રમણનો અંત કર્યો.
રાવણ પોતાના કુળના અપમાનરૂપ કલંક ધોઈને સુખી થયો. બધા ભાઈઓએ તેને
રાક્ષસોનો અગ્રણી માન્યો. વૈશ્રવણની સવારીનું પુષ્પક નામનું વિમાન મહામનોજ્ઞ છે, રત્નોની