તે નાગમતીની પુત્રી હરિષેણ ચક્રવતીનું રૂપ જોઈને કામના બાણથી વીંધાઈ ગઈ. તેને
આવી સ્થિતિમાં જોઈને નાગમતી કહેવા લાગી કે હે પુત્રી! તું વિનયથી આ વાત સાંભળ.
એક વાર અગાઉ કોઈ મુનિએ કહેલું કે આ કન્યા ચક્રવર્તીની સ્ત્રીરત્ન થશે. તો આ
ચક્રવર્તી તારા વર છે. આ સાંભળીને તે અતિઆસક્ત થઈ. ત્યારે તાપસે હરિષેણને કાઢી
મૂક્યો, કેમ કે તેણે વિચાર્યું કે કદાચ તેમનો સંસર્ગ થાય તો એ વાતથી અમારી અપકીર્તિ
થાય. તેથી ચક્રવર્તી તેમના આશ્રમમાંથી બીજે ઠેકાણે ગયા, પણ તાપસને દીન જાણીને
તેની સાથે યુદ્ધ ન કર્યું; છતાં તેમના ચિત્તમાં તે કન્યા વસી ગઈ; તેથી હવે તેમના
ભોજનમાં, શયનમાં કોઈ પ્રકારની સ્થિરતા, નહોતી રહેતી. જેમ ભ્રામરી વિદ્યાથી કોઈ
ભટક્યા કરે તેમ એ પૃથ્વી પર ભટકવા લાગ્યા. ગ્રામ, નગર, વન, ઉપવન, લતાઓના
મંડપ, ક્યાંય એમને ચેન પડતું નહિ. કમળોનાં વન તેમને દાવાનળ સમાન લાગતાં અને
ચંદ્રમાનાં કિરણો વજ્રની સોય જેવા લાગતાં, કેતકી બરછીની અણી સમાન લાગતી.
પુષ્પોની સુગંધથી મન પ્રસન્ન થતું નહિ, મનમાં એમ વિચારતા રહેતા કે હું આ
સ્ત્રીરત્નને પરણું તો હું જઈને માતાનો પણ શોક-સંતાપ દૂર કરું. તે ઉપરાંત નદીઓના
કિનારે, વનમાં, ગ્રામમાં, નગરમાં, પર્વત પર ભગવાનનાં ચૈત્યાલયો બનાવરાવું. આમ
વિચારતાં અને અનેક દેશોમાં ભટકતાં તે સિંધુનંદન નામના નગરની પાસે આવ્યા.
હરિષેણ મહાબળવાન અને અતિતેજસ્વી છે. ત્યાં નગરની બહાર અનેક સ્ત્રીઓ ક્રીડા
કરવા આવી હતી. ત્યાં એક અંજનગિરિ સમાન હાથી મદ ટપકાવતો સ્ત્રીઓની નજીક
આવ્યો. મહાવતે પોકાર કરીને સ્ત્રીઓને કહ્યું કે આ હાથી મારા વશમાં નથી માટે તમે
શીઘ્ર ભાગો. ત્યારે તે સ્ત્રીઓ હરિષેણના શરણે થઈ. હરિષેણ પરમદયાળુ છે, મહાન યોદ્ધા
છે. તે સ્ત્રીઓને પાછળ રાખીને પોતે હાથીની સન્મુખ આવ્યા. તેમણે મનમાં વિચાર્યું કે
ત્યાં તો પેલો તાપસ દીન હતો તેથી તેની સાથે મેં યુદ્ધ ન કર્યું, તે તો મૃગલા જેવો હતો,
પરંતુ અહીં આ દુષ્ટ હાથી મારા દેખતાં સ્ત્રી, બાળાઓને હણે અને હું મદદ ન કરું એ તો
ક્ષત્રિયપણું ન કહેવાય. આ હાથી આ બાળાઓને પીડા પહોંચાડી શકે તેમ છે. જેમ બળદ
શિંગડાથી રાફડા ખોદી શકે, પણ પર્વતને ખોદવાને શક્તિમાન નથી હોતો તથા કોઈ
બાણથી કેળાનું વૃક્ષ છેદી શકે પરંતુ શિલાને ન છેદી શકે તેવી જ રીતે આ હાથી
યોદ્ધાઓને હરાવવાને સમર્થ નથી. એટલે તેણે મહાવતને કઠોર વચનોથી કહ્યું કે હાથીને
અહીંથી દૂર લઈ જા. ત્યારે મહાવતે કહ્યું કે તું પણ ઘણો હઠીલો છે, હાથીને માણસ
ઓળખે છે. હાથી પોતે જ મસ્તીમાં આવી રહ્યો છે, તારું મોત આવ્યું છે અથવા દુષ્ટ ગ્રહ
તારી પાછળ લાગ્યા છે; માટે તું અહીંથી જલ્દી ભાગ. ત્યારે તેઓ હસ્યા. તેમણે સ્ત્રીઓને
પાછળ રાખીને પોતે ઊંચા ઊછળીને હાથીના દાંત ઉપર પગ મૂકીને કુંભસ્થળ પર ચડયા
અને હાથી સાથે ખૂબ ક્રીડા કરી. કેવા છે હરિષેણ? કમળ સમાન જેમનાં નેત્ર છે, વિશાળ
જેમની છાતી છે, જેમના ખભા દિગ્ગજોનાં કુંભસ્થળ જેવા છે, સ્તંભ સમાન જેમની જાંઘ
છે. આ વૃત્તાંત સાંભળીને નગરનાં સર્વ જનો જોવા આવ્યા. રાજા મહેલ ઉપર ચડીને
જોતો હતો તે પણ આશ્ચર્ય પામ્યો.