નગરમાં આવ્યા. નગરનાં સમસ્ત નરનારી તેમને જોઈ મોહિત થયાં. તેમણે ક્ષણમાત્રમાં
હાથીનો મદ ઉતારી નાખ્યો. તે પોતાના રૂપ વડે બધાંનું મન હરણ કરતાં નગરમાં આવ્યા.
રાજાની સો કન્યા તેમને પરણી. બધા લોકોમાં હરિષેણની કથા જાણીતી થઈ ગઈ. તે
રાજાના અધિકાર, સન્માન પામીને સર્વ પ્રકારે સુખી થયા. તો પણ તાપસના વનમાં જે
સ્ત્રીને જોઈ હતી તેના વિના તેમની એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી. તે મનમાં
વિચારતા કે મારા વિના તે મૃગનયની તે વિષમ વનમાં હરણી સમાન પરમ આકુળતા
પામતી હશે. તેથી મારે તેની પાસે જલ્દી પહોંચવું જોઈએ. આમ વિચારતાં તેમને રાત્રે
નિદ્રા આવતી નહિ. જો કદાચ અલ્પ ઊંઘ આવતી તો પણ સ્વપ્નમાં તે જ દેખાતી.
કમળસરખાં નેત્રવાળી તે જાણે એમના મનમાં જ વસી ગઈ છે.
ગુસ્સાથી તેણે વેગવતીને કહ્યું, ‘હે પાપિણી, તું મને ક્યાં લઈ જાય છે?’ જોકે તે
વિદ્યાબળથી પૂર્ણ હતી તો પણ એને કુપિત થઈ મૂઠ્ઠી ભીડતો અને હોઠ કરડતો જોઈને
ડરી ગઈ અને એને કહેવા લાગી કે હે પ્રભો! જેમ કોઈ મનુષ્ય પોતે જે વૃક્ષની ડાળ
ઉપર બેઠો હોય તેને જ તે કાપે તો શું એ ડહાપણ કહેવાય! તેવી જ રીતે હું તમારું હિત
કરનારી છું અને તમે મને જ હણો તે ઉચિત નથી. હું તમને તેની પાસે લઈ જાઉં છું, જે
નિરંતર તમારા મિલનની અભિલાષા રાખે છે. ત્યારે તે મનમાં વિચારવા લાગ્યા કે આ
મધુર બોલનારી બાજાને પીડા પહોંચાડે તેમ નથી, એની આકૃતિ મધુર જણાય છે અને
આજે મારી જમણી આંખ પણ ફરકે છે તેથી આ મને મારી પ્રિયાનો મેળાપ કરાવશે.
તેથી તેમણે તેને પૂછયું કે હે ભદ્રે! તું તારા આગમનનું કારણ કહે. તે કહેવા લાગી કે
સૂર્યોદયનગરમાં રાજા શક્રધનુની રાણી ધારાની પુત્રી જયચંદ્રા રૂપ અને ગુણથી મહાઉન્મત્ત
છે. કોઈ પુરુષ તેની દ્રષ્ટિમાં આવતો નથી. પિતા જ્યાં પરણાવવા ઇચ્છે છે તેને તે ગમતું
નથી. મેં તેને જે જે રાજપુત્રનાં ચિત્રપટ દેખાડયાં તેમાંથી કોઈ પણ તેને ગમતું નથી.
ત્યારપછી મેં તમારું ચિત્રપટ દેખાડયું ત્યારે તે મોહિત થઈ અને મને એમ કહેવા લાગી કે
જો મને આ પુરુષનો સંયોગ નહિ મળે તો હું મરી જઈશ, પણ બીજા અધમ પુરુષ સાથે
સંબંધ નહિ બાંધું. પછી મેં એને ધીરજ આપી અને એની સામે એવી પ્રતિજ્ઞા કરી. જ્યાં
તારી રુચિ છે તેને હું ન લાવું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. તેને અત્યંત શોકાતુર જોઈને મેં
આવી પ્રતિજ્ઞા કરી. તેનાં ગુણથી મારું મન ખેંચાયું હતું અને પુણ્યના પ્રભાવથી આપ
મળ્યા તેથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે. આમ કહીને તેમને તે સૂર્યોદયનગરમાં લઈ ગઈ.
તેણે રાજા શક્રધનુને બધી વાત કરી તેથી રાજાએ પોતાની પુત્રીનાં તેની સાથે લગ્ન
કરાવ્યાં. એમનાં લગ્નથી સગાઓ અને નગરજનો હર્ષ પામ્યાં. તેં વરકન્યા અદ્ભુત રૂપનાં
નિધાન છે. એમનાં લગ્નની વાત સાંભળીને કન્યાના મામાનો પુત્ર રાજા ગંગાધર ક્રોધે
ભરાયો કે આ કન્યા વિદ્યાધરને