Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 122 of 660
PDF/HTML Page 143 of 681

 

background image
૧૨૨ અગિયારમું પર્વ પદ્મપુરાણ
સર્વ શાસ્ત્રમાં પ્રવીણ હતો. તે શિષ્યોને સિદ્ધાંત અને આચરણરૂપ ગ્રંથ, મંત્રશાસ્ત્ર, કાવ્ય
વ્યાકરણાદિ અનેક ગ્રંથોનો અભ્યાસ કરાવતો. એક દિવસ નારદ, વસુ અને પર્વત એ ત્રણે
સહિત ક્ષીરકદંબ વનમાં ગયો. ત્યાં એક ચારણમુનિ શિષ્યો સહિત વિરાજતા હતા. તેમના
એક શિષ્યમુનિએ કહ્યું કે આ એક ગુરુ અને ત્રણ શિષ્ય એમ ચાર જીવોમાંથી એક ગુરુ
અને એક શિષ્ય એ બે તો સુબુદ્ધિ છે અને બીજા બે શિષ્યો કુબુદ્ધિ છે. આવા શબ્દ
સાંભળીને ક્ષીરકદંબ સંસારથી અત્યંત ભયભીત થયા, શિષ્યોને શિખામણ આપીને
પોતપોતાને ઘેર મોકલ્યા, જાણે કે ગાયનાં વાછડાં બંધનમાંથી છૂટયાં, અને પોતે મુનિ
પાસે દીક્ષા લીધી. જ્યારે શિષ્ય ઘેર આવ્યા ત્યારે સ્વસ્તિમતિએ પર્વતને પૂછયું કે તારા
પિતાજી ક્યાં છે? તું એકલો જ ઘેર કેમ આવ્યો? પર્વતે જવાબ આપ્યો કે અમને તો
પિતાજીએ શિખામણ આપી અને કહ્યું કે હું પાછળથી આવું છું. આ વચન સાંભળીને
સ્વસ્તિમતિને વિકલ્પ ઊપજ્યો. પતિના આગમનની પ્રતીક્ષા કરતી તે દિવસ આથમ્યો
તોય પતિ ઘેર ન આવતાં ખૂબ શોક કરવા લાગી, પૃથ્વી ઉપર પડી અને રાત્રે ચકવીની
પેઠે દુઃખથી પીડિત વિલાપ કરવા લાગી કે હાય હાય! હું મંદભાગિણી પ્રાણનાથ વિના
હણાઈ ગઈ. કોઈ પાપીએ એમને માર્યા હશે, કોઈ કારણે એ દેશાંતરમાં ચાલ્યા ગયા હશે
કે સર્વશાસ્ત્રમાં નિપુણ હોવાથી સર્વ પરિગ્રહ ત્યાગીને, વૈરાગ્ય પામીને મુનિ થઈ ગયા
હશે? આમ વિલાપ કરતાં રાત્રિ પૂર્ણ થઈ. સવાર થતાં પર્વત પિતાને શોધવા નીકળ્‌યો.
ઉદ્યાનમાં નદીના કિનારે મુનિઓના સંઘ સહિત શ્રી ગુરુ બિરાજતા હતા તેમની સમિપે
વિનય સહિત પિતાને બેઠેલા જોયા ત્યારે પાછા આવી માતાને કહ્યું કે હે માતા! મારા
પિતાને તો મુનિઓએ મોહી લીધા છે તે નગ્ન થઈ ગયા છે. ત્યારે સ્વસ્તિમતિ સત્ય
જાણીને પતિના વિયોગથી અત્યંત દુઃખી થઈ. તે હાથથી છાતી કૂટવા લાગી અને પોકારી
પોકારીને રોવા લાગી, માથું કૂટવા લાગી. ત્યારે ધર્માત્મા નારદ આ વૃત્તાંત જાણીને
સ્વસ્તિમતિ પાસે આવ્યો. તેને જોઈને તે અત્યંત શોક કરવા લાગી ત્યારે નારદે કહ્યું કે હે
માતા! શા માટે વૃથા શોક કરો છો? તે ધર્માત્મા, પુણ્યના અધિકારી, સુંદર પ્રવૃત્તિવાળા,
જીવનને અસ્થિર જાણી તપ કરવાને ઉદ્યમી થયા છે. તે શોક કરવાથી પણ પાછા ઘેર
આવશે નહિ. તેમની બુદ્ધિ નિર્મળ છે. આ પ્રમાણે નારદે સંબોધન કર્યું ત્યારે તેનો શોક
થોડો ઘટયો, ઘરમાં ગઈ અને દુઃખથી પતિની સ્તુતિ અને નિંદા પણ કરવા લાગી. આ
ક્ષીરકદંબના વૈરાગ્યનું વૃત્તાંત સાંભળીને તત્ત્વના વેત્તા રાજા યયાતિ પોતાના પુત્ર વસુને
રાજ્ય આપીને મહામુનિ થયા. વસુનું રાજ્ય પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેણે આકાશતુલ્ય
નિર્મળ સ્ફટિકમણિના પોતાના સિંહાસનના પાયા બનાવ્યા. તે સિંહાસન ઉપર રાજા
બેસતો ત્યારે લોકો માનતા કે રાજા સત્યના પ્રતાપે આકાશમાં નિરાધાર રહે છે.
હે શ્રેણિક! એક દિવસ નારદ અને પર્વત વચ્ચે શાસ્ત્ર-ચર્ચા થઈ. નારદે કહ્યું કે
ભગવાન વીતરાગદેવે ધર્મ બે પ્રકારથી પ્રરૂપ્યો છે. એક મુનિનો અને બીજો ગૃહસ્થનો.
મુનિનો ધર્મ મહાવ્રતરૂપ છે અને ગૃહસ્થનો અણુવ્રતરૂપ. જીવહિંસા, અસત્ય, ચોરી, કુશીલ,
પરિગ્રહ આનો