છો, બ્રાહ્મણનાં કુળમાં જન્મ્યો છો માટે પારધીઓનાં કાર્યથી નિવૃત્ત થા; અને જો
જીવહિંસાથી મનુષ્ય સ્વર્ગ પામતો હોય તો હિંસાના અનુમોદનથી રાજા વસુ નરકમાં કેમ
ગયા? જો કોઈ લોટના પશુ બનાવીને પણ તેનો ઘાત કરે તો પણ નરકનો અધિકારી
થાય છે, તો સાક્ષાત્ પશુહિંસાની તો શી વાત કરવી? આજે પણ યજ્ઞના કરાવનારા એવા
શબ્દો બોલે છે કે ‘હે વસુ! ઊઠ, સ્વર્ગમાં જા’. આમ કહીને અગ્નિમાં આહુતિ નાખે છે
તેથી સિદ્ધ થયું કે વસુ નરકમાં ગયો છે અને સ્વર્ગમાં ગયો નથી. તેથી હે સંવર્ત! આ
યજ્ઞ કલ્યાણનું કારણ નથી અને જો તું યજ્ઞ જ કરવા માગતો હો તો જેમ હું કહું તેમ કર.
આ ચિદાનંદ આત્મા તે યજમાન એટલે યજ્ઞ કરાવનાર છે, આ શરીર છે તે વિનયકુંડ
એટલે હોમકુંડ છે, સંતોષ છે તે યજ્ઞની સામગ્રી છે અને જે સર્વ પરિગ્રહ છે તે હવિ
એટલે હોમવા યોગ્ય વસ્તુ છે, કેશ તે દર્ભ છે, તેને ઉખાડવા (કેશલુંચન) અને સર્વ
જીવની દયા તે દક્ષિણા છે, જેનું ફળ સિદ્ધપદ છે એવું શુક્લધ્યાન તે પ્રાણાયામ છે.
સત્યમહાવ્રત તે યૂપ એટલે યજ્ઞમાં પશુને બાંધવાનો ખીલો છે, આ ચંચળ મન તે પશુ છે,
તપરૂપી અગ્નિ છે, પાંચ ઇન્દ્રિય તે સમિધ એટલે ઈંધન છે. આ યજ્ઞ ધર્મયજ્ઞ છે. વળી તું
કહે છે કે યજ્ઞથી દેવોની તૃપ્તિ કરીએ છીએ; તો દેવોને તો મનસા આહાર છે, તેમનું શરીર
સુગંધમય છે, અન્નાદિકનો પણ આહાર નથી તો માંસાદિકની તો શી વાત? માંસ તો
દુર્ગંધયુક્ત, દેખી પણ ન શકાય તેવું હોય છે. પિતાના વીર્ય અને માતાના લોહીથી
ઊપજેલું, જેમાં કૃમિની ઉત્પત્તિ નિરંતર થયા કરે તે મહાઅભક્ષ્ય માંસ દેવ કેવી રીતે
ખાય? વળી, આ શરીરમાં ત્રણ અગ્નિ છે; એક જ્ઞાનાગ્નિ, બીજો દર્શનાગ્નિ અને ત્રીજો
ઉદરાગ્નિ. અને તેમને જ આચાર્યો દક્ષિણાગ્નિ ગાર્હપત્ય આહ્વનીય કહે છે. સ્વર્ગલોકના દેવ
જો હાડ, માંસનું ભક્ષણ કરે તો દેવ શાના? જેવા શિયાળ, કૂતરા અને કાગડા તેવા તે
પણ થયા. નારદે આવાં વચન કહ્યાં.
પરાજ્ય પામેલો તે નિર્દય, ક્રોધના ભારથી કંપતો, ઝેરી સાપ જેવાં લાલ નેત્રોવાળો,
કકળાટ કરવા લાગ્યો. અનેક વિપ્રો ભેગા થઈને લડવા માટે હાથપગ વગેરે ઉછાળતા
નારદને મારવા તૈયાર થયા. જેમ દિવસે કાગડો ઘુવડ પર તૂટી પડે તેમ નારદ પણ
કેટલાકને મુક્કાથી, કેટલાકને મુદ્ગરથી, કેટલાકને કોણીથી મારતા ફરવા લાગ્યા. પોતાના
શરીરરૂપી શસ્ત્રથી ઘણાને માર્યા, મોટી લડાઈ થઈ ગઈ. અલબત, એ ઝાઝા હતા અને
નારદ એકલા, તેથી આખા શરીરમાં પીડા થઈ. પક્ષીની જેમ બાંધનારાઓએ ઘેરી લીધા,
આકાશમાં ઊડી શકવાને અસમર્થ થયા, પ્રાણ બચવાની પણ શંકા થવા લાગી. તે જ
વખતે રાવણનો દૂત રાજા મરુત પાસે આવ્યો હતો. તેણે નારદને ઘેરાયેલા જોઈને પાછા
જઈને રાવણને કહ્યું કે મહારાજ! આપે મને જેની પાસે મોકલ્યો હતો તે મહાદુર્જન છે.
તેના દેખતાં જ બ્રાહ્મણોએ એકલા નારદને ઘેરી લીધા છે અને તેમને મારે છે, જેમ કીડીઓનો