બધાં કામ છોડીને તેને જોવા દોડતી, કેટલીક ઝરૂખામાં બેસી ઉપરથી આશિષ દેતી ફૂલ
વરસાવતી, રાવણ મેઘ સમાન શ્યામસુંદર છે, પાકા બિંબફળો જેવા તેના લાલ અધર છે,
મુગટના જાતજાતના મણિઓથી તેનું શિર શોભે છે, મુક્તાફળની જ્યોતિરૂપ જળથી તેનું
મુખચંદ્ર ધોયું હોય તેવું લાગે છે, ઈન્દ્રનીલમણિ જેવા શ્યામસઘન તેના કેશ છે અને
સહસ્ત્રપત્ર કમળ સમાન તેનાં નેત્ર છે, વક્ર, શ્યામ, ચીકણી બે ભ્રમરોથી તે શોભે છે.
શંખ સમાન તેની ગ્રીવા છે અને વૃષભ સમાન સ્કંધ, તેનું વક્ષસ્થળ પુષ્ટ અને વિસ્તીર્ણ
છે. દગ્ગજની સૂંઢ સમાન તેની ભુજા છે, સિંહ જેવી પાતળી કેડ છે, કદલી વૃક્ષ જેવી સુંદર
જાંધ છે, કમળ સમાન ચરણ છે, સમચતુરસ્ત્ર સંસ્થાનનું ધારક મનોહર શરીર છે, અધિક
ઊંચો નથી, અધિક ટૂંકો નથી, બહુ કૃશ કે સ્થૂળ નથી, શ્રીવત્સ આદિ બત્રીસ લક્ષણોથી
યુક્ત છે. રત્નોનાં કિરણોથી દેદીપ્યમાન મુગટ, મનોહર કુંડળ, જેના હાથ પર બાજુબંધ
અને મોતીનો હાર છાતી પર શોભી રહ્યો છે, અર્ધચક્રવર્તીની વિભૂતિના ભોક્તા રાવણને
જોઈ લોકો ખૂબ પ્રસન્ન થતા. તેઓ અંદરોઅંદર વાત કરતા કે આ દશમુખે માસીના
દીકરા વૈશ્રવણને જીત્યો, રાજા યમને જીત્યો, કૈલાશ ઊંચકવાનો પ્રયત્ન કર્યો, રાજા
સહસ્ત્રરશ્મિને વૈરાગ્ય ઉત્પન્ન કરાવ્યો, મરુતના યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. આપણા પુણ્યના
ઉદયથી આ દિશામાં આવ્યો છે. કેકસી માતાના આ પુત્રનાં રૂપગુણનું વર્ણન કોણ કરી
શકે? એનું દર્શન લોકોને પરમ ઉત્સવનું કારણ છે. જેની કૂખે એ જન્મ્યો તે સ્ત્રી
પુણ્યવાન છે, જેને ઘેર જન્મ્યો તે પિતા ધન્ય છે અને જેના કુળમાં એ જન્મ્યો તે
સગાંસંબંધીઓને પણ ધન્ય છે અને જે સ્ત્રી તેની રાણીઓ બની તેના ભાગ્યની તો વાત
જ શી? આ પ્રમાણે સ્ત્રીઓ ઝરૂખામાં બેઠી બેઠી વાતો કરે છે અને રાવણની સવારી
ચાલી જાય છે. જ્યારે રાવણ આવે છે ત્યારે એક મુહૂર્ત માટે તો ગામની સ્ત્રીઓ ચિત્ર
જેવી બની જાય છે. તેના રૂપ અને સૌભાગ્યથી જેમનું ચિત્ત આકર્ષાય છે એવાં સ્ત્રી-
પુરુષોને માટે રાવણ સિવાય બીજી કોઈ વાત રહેતી નથી. દેશ, નગર, ગામ અને ગામના
સમૂહોમાંથી જે મુખ્ય પુરુષ હોય છે તે નાના પ્રકારની ભેટ લઈને રાવણને મળતા અને
હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરતા કે હે દેવ! આપ મહાવૈભવના પાત્ર છો, આપના
ઘરમાં સર્વ વસ્તુઓ વિદ્યમાન છે, હે રાજાધિરાજ! નંદનાદિ વનમાં જે મનોજ્ઞ વસ્તુ પ્રાપ્ત
થાય છે તે સકળ વસ્તુઓ પણ ચિંતવન માત્રથી જ આપને સુલભ છે. એવી કઈ અપૂર્વ
વસ્તુઓ છે કે જે આપને ભેટ ધરીએ તો પણ આ ન્યાય છે કે ખાલી હાથે રાજાને મળાય
નહિ તેથી અમારા જેવી કાંઈક વસ્તુ અમે ભેટ આપીએ છીએ. જેમ દેવો ભગવાન
જિનેન્દ્રદેવની સુવર્ણકમળોથી પૂજા કરે છે તેમને શું મનુષ્ય પોતાને યોગ્ય સામગ્રીથી નથી
પૂજતા? આ પ્રમાણે જુદા જુદા દેશના સામંતો મહાન ઋદ્ધિધારક રાવણને પૂજતા હતા.
રાવણ તેમનું મધુર વચનોથી ખૂબ સન્માન કરતો. રાવણ પૃથ્વીને ખૂબ સુખી જોઈને
પ્રસન્ન થયો, જેમ કોઈ પોતાની સ્ત્રીને જાતજાતનાં રત્નાભૂષણોથી મંડિત જોઈ