રાક્ષસોની સેનાને ખૂબ ધૈર્ય આપ્યું. પ્રસન્નકીર્તીનો પ્રભાવ દૂર કરવા અનેક દેવ તેના
ઉપર ધસી આવ્યા પણ પ્રસન્નકીર્તીએ પોતાનાં બાણોથી તેમનાં શસ્ત્રો વિદારી નાખ્યાં,
જેમ જૂઠા તપસ્વીઓનું મન કામ (મન્મથ) વિદારી નાખે છે તેમ. પછી બીજા મોટા મોટા
દેવો આવ્યા. કપિ, રાક્ષસ અને દેવોના ખડ્ગ, ગદા, શક્તિ, અ ધનુષ, મુદ્ગર વગેરેથી
યુદ્ધ થયું. તે વખતે માલ્યવાનનો પુત્ર શ્રીમાલી, રાવણના કાકા મહાપ્રસિદ્ધ પુરુષ પોતાની
સેનાને મદદ કરવા દેવો ઉપર ધસી ગયા. તેનાં બાણોની વર્ષાથી દેવોની સેના પાછી ખસી
ગઈ. જેમ મોટો મગરમચ્છ સમદ્રને ડહોળે તેમ શ્રીમાલીએ દેવોની સેના ખળભળાવી મૂકી
ત્યારે ઈંન્દ્રના યોદ્ધા પોતાની સેનાના રક્ષણ માટે અત્યંત કુપિત થઈ, અનેક આયુધ
ધારીને, શિખી, કેશર, દંડાગ્ર, કનક, પ્રવર ઇત્યાદિ ઇન્દ્રના ભાણેજો બાણવર્ષાથી આકાશને
ઢાંકતા શ્રીમાલી ઉપર ધસી આવ્યા ત્યારે શ્રીમાલીએ અર્ધચન્દ્ર બાણથી તેમનાં શિર ઉડાવી
દીધાં. ઇન્દ્રે વિચાર્યું કે આ શ્રીમાલી મનુષ્યોમાં મહાન યોદ્ધો છે, રાક્ષસવંશીઓના અધિપતિ
માલ્યવાનનો પુત્ર છે, એણે મોટા મોટા દેવ અને અને આ મારા ભાણેજોને પણ મારી
નાખ્યા. હવે આ રાક્ષસની સામે મારા દેવોમાંથી કોણ આવશે? એ અતિવીર્યવાન અને
મહાતેજસ્વી છે તેથી હું જ યુદ્ધ કરીને એને મારું, નહિતર તે મારા અનેક દેવોને મારી
નાખશે. આમ વિચારી પોતાના જે દેવજાતિના વિદ્યાધરો શ્રીમાલીથી ધ્રૂજ્યા હતા તેમને
ધૈર્ય બંધાવી પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત પિતાને પગે પડીને
વિનંતી કરવા લાગ્યો કે હે દેવ! મારા હોવા છતાં આપ યુદ્ધ કરો તો અમારો જન્મ
નિરર્થક છે, આપે અમને બાલ્યાવસ્થામાં ખૂબ લાડ લડાવ્યા છે, હવે આપની પાસેથી
શત્રુઓને યુદ્ધ કરીને દૂર કરું એ પુત્રનો ધર્મ છે. આપ નિરાકુળ બનો. જે અંકુર નખથી
છેદાતો હોય તેના ઉપર ફરસી ઊંચકવાનો શો અર્થ? આમ કહીને પિતાની આજ્ઞા લઈને
પોતાના શરીરથી જાણે આકાશને ગળી જવાનો હોય તેમ ક્રોધાયમાન થઈ યુદ્ધ માટે
શ્રીમાલી સામે આવ્યો. શ્રીમાલી એને યુદ્ધયોગ્ય જાણીને ખુશ થયો. એ બન્ને કુમારો
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ધનુષ્ય ખેંચી બાણ ફેંકવા લાગ્યા. બન્ને સેનાના લોકો એમનું
યુદ્ધ જોવા લાગ્યા, એમનું યુદ્ધ જોઈને આશ્ચર્ય પામ્યા. શ્રીમાલીએ કનક નામના હથિયારથી
જયંતનો રથ તોડી નાખ્યો અને તેને ધાયલ કર્યો. તે મૂર્ચ્છા ખાઈને પડયો, પાછો સચેત
થઈને લડવા લાગ્યો. તેણે શ્રીમાલી ઉપર ભીંડામાલ નામનું હથિયાર છોડયું, તેનો રથ
તોડયો અને તેને મૂર્છિત કર્યો. આથી દેવોની સેનામાં ખૂબ આનંદ અને રાક્ષસોને શોક
થયો. થોડી વારે શ્રીમાલી સચેત થઈને જયંતની સન્મુખ ગયો. બન્ને સુભટ રાજકુમાર
યુદ્ધ કરતા જાણે કે સિંહના બાળક હોય તેવા શોભતા હતા. થોડી વારમાં ઇન્દ્રના પુત્ર
જયંતે શ્રીમાલીને છાતીમાં ગદા મારી, તે પૃથ્વી પર પડી ગયો, મુખમાંથી લોહી વહેવા
લાગ્યું, તત્કાળ સૂર્યાસ્ત થઈ જાય તેમ તેના પ્રાણ ચાલ્યા ગયા. શ્રીમાલીને મારી જયંતે
શંખનાદ કર્યો. આથી રાક્ષસોની સેના ભયભીત થઈને પાછી હઠી. માલ્યવાનના પુત્ર
શ્રીમાલીને મરેલો જોઈને રાવણના