પ્રહલાદને આજ્ઞા કરે છે. કેવા છે પ્રહલાદ? કલ્યાણરૂપ છે, ન્યાયને જાણનાર છે, દેશ
કાળનું વિધાન જાણે છે, અમને અત્યંત પ્રિય છે. પ્રથમ તો તેમની શારીરિક કુશળતા પૂછે
છે અને જણાવે છે કે અમને સર્વ ખેચર, ભૂચર પ્રણામ કરે છે, પણ એક દુર્બુદ્ધિ વરુણ
પાતાળનગરમાં રહે છે તે આજ્ઞાથી પરાઙમુખ થઈને લડવાને તૈયાર થયો છે, હૃદયને
વ્યથા પહોંચાડે તેવા વિદ્યાધરોથી યુક્ત છે, સમુદ્રની મધ્યમાં દ્વીપ હોવાથી તે દુષ્ટ
અભિમાની બન્યો છે તેથી અમે તેના ઉપર ચડાઈ કરી છે. મહાન યુદ્ધ થયું તેમાં વરુણના
પુત્રોએ ખરદૂષણને જીવતો પકડયો છે. મંત્રીઓએ વિચારણા કરીને ખરદૂષણના મરણની
શંકાથી યુદ્ધ રોકી દીધું છે, હવે ખરદૂષણને છોડાવવાનો છે અને વરુણને જીતવાનો છે માટે
તમે શીઘ્ર આવો, ઢીલ ન કરશો. તમારા જેવા પુરુષો કર્તવ્યમાં ચૂકે નહિ. હવે બધી વાત
તમારા આવવા ઉપર છે. જોકે સૂર્ય તેજનો પુંજ છે તો પણ તેને અરુણ જેવો સારથિ
જોઈએ. રાજા પ્રહલાદ પત્રના સમાચાર જાણી, મંત્રીઓ સાથે વિચારણા કરી રાવણ પાસે
જવા તૈયાર થયા. રાજા પ્રહલાદને જતા સાંભળીને પવનંજયકુમારે હાથ જોડી, તેમના
ચરણસ્પર્શ કરી વિનંતી કરી હે નાથ! મારા જેવો પુત્ર હોય અને આપ જાવ તે યોગ્ય
નથી. પિતા પુત્રનું પાલન કરે છે અને પુત્રનો એ જ ધર્મ છે કે તે પિતાની સેવા કરે. જો
સેવા ન કરે તો જાણવું કે પુત્ર થયો જ નથી. માટે આપ કૂચ ન કરશો, મને આજ્ઞા
આપો. ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્ર! તમે કુમાર છો, હજી સુધી તમે કોઈ યુદ્ધ જોયું
નથી, માટે તમે અહીં રહો, હું જઈશ. પવનંજયકુમારે કનકાચલના તટ સમાન છાતી
ફૂલાવીને તેજસ્વી વચન કહ્યું, હે તાત! મારી શક્તિનું લક્ષણ તમે જોયું નથી. જગતને
બાળવામાં અગ્નિના તણખાના વીર્યની શી પરીક્ષા કરવાની હોય? આપની આજ્ઞારૂપ
આશિષથી જેનું મસ્તક પવિત્ર બન્યું છે એવો હું ઇન્દ્રને પણ જીતવાને સમર્થ છું એમાં
શંકા નથી. આમ કહીને પિતાને નમસ્કાર કરી અત્યંત હર્ષથી ઊભા થઈ સ્નાન,
ભોજનાદિ શરીરની ક્રિયા કરી અને કુળના વૃદ્ધોની આદરપૂર્વક આશિષ લીધી. ભાવ
સહિત અરહંત, સિદ્ધને નમસ્કાર કરી, પરમ કાંતિ ધારણ કરતા, મહામંગળરૂપ પિતા પાસે
વિદાય લેવાને આવ્યા. પિતાએ અને માતાએ અમંગળના ભયથી આંસુ ન આવવા દીધા,
આશીર્વાદ આપ્યા. હે પુત્ર! તારો વિજય થાવ. છાતીએ લગાડીને તેનું મસ્તક ચૂમ્યું.
પવનંજયકુમાર શ્રી ભગવાનનું ધ્યાન કરી, માતાપિતાને પ્રણામ કરી, પરિવારનાં લોકોને
પગે લાગી તથા તેમને ધૈર્ય બંધાવી, વિદાય થયા. પહેલાં પોતાનો જમણો પગ આગળ
મૂકીને ચાલ્યા. તેમનો જમણો હાથ ફરકયો, તેમની દ્રષ્ટિ જેના મુખ પર લાલ પલ્લવ છે
તે પૂર્ણ કળશ ઉપર પ્રથમ જ પડી તથા થાંભલાને અડીને દ્વાર પર ઊભેલી અંજનાસુંદરી,
જેનાં નેત્ર આંસુઓથી ભીંજાઈ ગયાં છે, જેના અધર તાંબૂલાદિરહિત મલિન બની ગયા
છે, જાણે કે થાંભલા પર કોતરેલી પૂતળી જ છે, તેના પર કુમારની દ્રષ્ટિ પડી અને
ક્ષણમાત્રમાં દ્રષ્ટિ સંકોચીને ગુસ્સાથી કહ્યુંઃ હે દુરીક્ષણે! આ સ્થાનથી ચાલી જા, તારી દ્રષ્ટિ
ઉલ્કાપાત સમાન છે, તે હું