સહન કરી શકતો નથી. અહો મોટા કુળની પુત્રી કુળવંતી! તેનામાં આવું ઠીઠપણું છે કે
મના કરવા છતાં પણ તે નિર્લજ્જ થઈને ઊભી રહે છે. પતિનાં આવા ક્રૂર વચનો સાંભળ્યાં
તો પણ એને અતિ પ્રિય લાગે છે, જેમ ઘણા દિવસના તરસ્યા પપીહાને (ચાતકને) મેઘનાં
બૂંદ પ્યારા લાગે. તે પતિનાં વચન મનથી અમૃત સમાન ગણી પી ગઈ અને હાથ જોડી,
ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરી, ગદગદ વાણીથી ધ્રૂજતાં ધ્રૂજતાં વચન ધીમેથી કહેવા લાગી-હે
નાથ! જ્યારે તમે અહીં બિરાજતા હતા ત્યારે પણ હું વિયોગિની જ હતી, પરંતુ આમ
નિકટ છો એ આશાએ પ્રાણ કષ્ટથી ટકી રહ્યા હતા, હવે આપ દૂર પધારો છો તો હું કેવી
રીતે જીવીશ? હું તમારા વચનરૂપ અમૃતનો આસ્વાદ લેવા અતિઆતુર છું. તમે
પરદેશગમન કરતી વખતે સ્નેહથી દયા ચિત્તમાં લાવીને વસતિનાં પશુપક્ષીઓને પણ
આશ્વાસન આપ્યું છે, મનુષ્યોની તો શી વાત? બધાંને અમૃત સમાન વચન કહ્યાં, મારું
ચિત્ત તમારા ચરણારવિંદમાં છે, હું તમારી અપ્રાપ્તિથી અતિદુઃખી છું, બીજાઓને તમારા
શ્રીમુખે આટલો દિલાસો આપ્યો, મારા તરફ ફરી તમારા મુખે દિલાસો આપ્યો હોત તો?
જ્યારે તમે મને છોડી છે, તો જગતમાં મને કોઈ શરણ નથી, મરણ જ છે. ત્યારે કુમારે
મુખ સંકોચીને ક્રોધથી કહ્યું કે મર. તે વખતે સતી ખેદખિન્ન થઈને ધરતી પર પડી ગઈ.
પવનકુમાર તેના પ્રત્યે અણગમો બતાવીને જ ચાલ્યા. હાથી પર બેસીને સામંતો સહિત
તેમણે પ્રયાણ કર્યું. પહેલા જ દિવસે માનસરોવર જઈને પડાવ નાખ્યો. જેમનાં વાહનો પુષ્ટ
છે એવી વિદ્યાધરની સેના દેવોની સેના સમાન આકાશમાંથી ઊતરતી અતિશય શોભતી
હતી. ત્યાં પોતપોતાનાં વાહનોને યથાયોગ્ય સ્નાન, ખાનપાનાદિ કરવામાં આવ્યા.
તટ પરનાં વૃક્ષો જોવા લાગ્યા. શીતળ, મંદ, સુગંધી પવનથી વૃક્ષ મંદ મંદ ડોલતાં હતાં,
સરોવરમાં લહેરો ઊઠતી હતી, સરોવરમાં કાચબા, માછલા, મગર, અનેક પ્રકારનાં જળચરો
ગર્વથી કિલ્લોલ કરી રહ્યાં છે. ઉજ્જવળ સ્ફટિકમણિ સમાન જળમાં નાના પ્રકારનાં કમળ
ખીલી રહ્યાં છે, હંસ, કારંડ, ક્રૌંચ, સારસ ઇત્યાદિ પક્ષીઓ સુંદર અવાજ કરી રહ્યાં છે, જેને
સાંભળતાં કાનમાં હર્ષ ઉપજે છે, ભમરા ગુંજારવ કરી રહ્યા છે. ત્યાં એક ચકવી, ચકવા
વિના એકલી વિયોગરૂપ અગ્નિથી તપ્તાયમાન, અતિ આકુળ, નાના પ્રકારની ચેષ્ટા કરતી,
અસ્તાચળ તરફ સૂર્ય ગયો છે તેની તરફ નેત્ર લગાવીને, કમલિનીના પત્રનાં છિદ્રો તરફ
વારંવાર જુએ છે, પાંખો ફફડાવતી ઉડે છે અને નીચે પડે છે. તેને કમળની નાલનો સ્વાદ
વિષ સમાન લાગે છે, પોતાનું પ્રતિબિંબ જળમાં જોઈને જાણે છે કે આ મારો પ્રીતમ છે
તેથી તેને બોલાવે છે. પણ પ્રતિબિંબ કેવી રીતે આવે? ત્યારે અપ્રાપ્તિંથી અત્યંત શોક પામી
રહી છે. સેના આવીને ઊતરી છે તેથી જુદા જુદા દેશના મનુષ્યોના શબ્દ અને હાથી, ઘોડા
આદિ જાતજાતનાં પશુઓના શબ્દ સાંભળીને પોતાના વલ્લભ ચકવાની આશાથી તેનું ચિત્ત
ભમે છે, તેનાં લોચનમાથી આંસુ ખરી રહ્યાં છે, તે તટના વૃક્ષ