Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 179 of 660
PDF/HTML Page 200 of 681

 

background image
પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૯
પર ચડી ચડીને દશે દિશાઓમાં જુએ છે, પણ પ્રીતમને ન જોતાં અતિ શીઘ્ર ભૂમિ પર
આવીને પડે છે, પાંખ હલાવીને કમલિનીની જે રજ શરીર પર ચોંટી છે તેને દૂર કરે છે.
પવનકુમારે ઘણા લાંબા સમય સુધી દ્રષ્ટિ માંડીને ચકવીની દશા જોઈ. જેનું ચિત્ત દયાથી
ભીંજાઈ ગયું છે એવા તે વિચારે છે કે પ્રીતમના વિયોગથી આ શોકરૂપ અગ્નિમાં જલે છે.
આ મનોજ્ઞ માનસરોવર અને ચંદ્રમાની ચંદન સમાન શીતળ ચાંદની આ વિયોગિની
ચકવીને દાવાનળ સમાન છે, પતિ વિના આને કોમળ પલ્લવ પણ ખડ્ગ સમાન ભાસે
છે, ચંદ્રમાનાં કિરણ પણ વજ્ર સમાન ભાસે છે, સ્વર્ગ પણ નરકરૂપ થઈને આચરે છે.
આમ વિચાર કરતાં એનું મન પ્રિયા તરફ ગયું. આ માનસરોવર પર જ લગ્ન થયાં હતાં
તે સ્થળ નજરે પડયાં અને તેને તે અતિ શોકનાં કારણ થયાં, મર્મને ભેદનારી તીક્ષ્ણ
કરવત જેવા લાગ્યાં. ચિત્તમાં તે વિચારવા લાગ્યા; હાય! હાય! હું ક્રૂર, પાપી તે સાવ
નિર્દોષ, તેનો નકામો ત્યાગ કર્યો, ચકવી એક રાત્રિનો વિયોગ સહન કરી શકતી નથી તો
તે મહાસુંદરી બાવીસ વર્ષનો વિયોગ કેવી રીતે સહન કરે? તેની સખીએ કડવાં વચન
કહ્યાં હતાં, તેણે તો નહોતા કહ્યાંને? બીજાના દોષથી મેં તેનો કેમ પરિત્યાગ કર્યો?
ધિક્કાર છે મારા જેવા મૂર્ખને, જે વિના વિચાર્યે કામ કરે છે આવા નિષ્કપટ જીવને મેં
વિના કારણે દુઃખી કર્યો, મારું ચિત્ત પાપી છે. મારું હૃદય વજ્ર સમાન છે કે મેં આટલાં
વર્ષ આવી પ્રાણવલ્લભાને વિયોગ આપ્યો. હવે હું શું કરું? પિતા પાસેથી વિદાય લઈને
ઘરમાંથી નીકળ્‌યો છું, હવે પાછો કેવી રીતે જાઉં? મોટી આફત આવી. જો હું એને મળ્‌યા
વિના યુદ્ધમાં જઈશ તો તે જીવશે નહિ અને તેના અભાવમાં મારો પણ નાશ થશે.
જગતમાં જીવન જેવો બીજો કોઈ પદાર્થ નથી તેથી સર્વ સંદેહને દૂર કરનાર મારો પરમ
મિત્ર પ્રહસ્ત વિદ્યમાન છે તેને જ બધો ભેદ કહું. તે પ્રીતિની બધી રીતમાં પ્રવીણ છે. જે
પ્રાણી વિચારપૂર્વક કાર્ય કરે છે તે સુખ પામે છે. પવનકુમાર આમ વિચાર કરી રહ્યો છે
ત્યારે તેના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો તેનો મિત્ર પ્રહસ્ત તેને ચિંતાતુર
જોઈને પૂછવા લાગ્યો કે હે મિત્ર! તું રાવણને મદદ કરવા વરુણ જેવા યોદ્ધા સાથે લડવા
જાય છે તો તને અત્યંત પ્રસન્નતા હોવી જોઈએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. આજે તારું
મુખકમળ કરમાઈ ગયેલું કેમ દેખાય છે? શરમ છોડીને મને કહે. તને ચિંતાતુર જોઈને
મને પણ વ્યાકુળતા થાય છે. ત્યારે પવનંજયે કહ્યુંઃ હે મિત્ર! આ વાત કોઈને કહેતો નહિ.
તું મારું બધું રહસ્ય જાણે છે તેથી તારાથી જુદાઈ નથી. આ વાત કરતાં મને અત્યંત
શરમ થાય છે. ત્યારે પ્રહસ્તે કહ્યું કે જે તારા ચિત્તમાં હોય તે કહે. તું જે આજ્ઞા કરીશ તે
બીજું કોઈ જાણશે નહિ. જેમ ગરમ લોઢા પર પડેલ પાણીનું ટીપું શોષાઈ જાય તેમ મને
કરેલી વાત પ્રગટ નહિ થાય. ત્યારે પવનકુમારે કહ્યુંઃ હે મિત્ર! સાંભળ, મેં કદી પણ
અંજનાસુંદરી પ્રત્યે પ્રેમ બતાવ્યો નથી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થયું છે, મારી
ક્રૂરતા જો. અમને પરણ્યાં આટલાં વર્ષ થયાં, પણ હજી સુધી અમારો વિયોગ રહ્યો છે.
વિના કારણે મેં તેના તરફ અપ્રીતિ કરી છે. તે સદાય શોકમાં રહી, તેની આંખમાંથી આંસુ