ખરતાં રહ્યાં અને ચાલતી વખતે તે દ્વારે ઊભી હતી, તેનું મુખકમળ વિરહના દાહથી
કરમાઈ ગયું હતું, મેં તેને સંપૂર્ણ લાવણ્યસંપદા રહિત જોઈ. હવે તેનાં નીલકમળ સમાન
દીર્ધ નેત્ર મારા હૃદયને બાણની પેઠે ભેદી નાખે છે માટે એવો ઉપાય કર કે જેથી મારો
તેની સાથે મેળાપ થાય. હે સજ્જન! જો મેળાપ નહિ થાય તો અમારા બન્નેનું મરણ
થશે. ત્યારે પ્રહસ્તે ક્ષણવારમાં વિચાર કરીને કહ્યું કે તમે માતાપિતાની આજ્ઞા લઈને
શત્રુને જીતવા નીકળ્યા છો માટે પાછા જવું યોગ્ય નથી અને અત્યાર સુધી તમે કદી પણ
અંજનાસુંદરીને યાદ કરી નથી અને હવે અહીં બોલાવીએ તો શરમ લાગે માટે છાનામાના
જવું અને છાનામાના જ પાછા આવતા રહેવું, ત્યાં રહેવું નહિ. તેને જોઈને, તેની સાથે
આનંદની વાતો કરીને, આનંદપૂર્વક તરત જ પાછા આવી જવું. તો જ તમારું ચિત્ત
નિશ્ચળ થશે. ખૂબ ઉત્સાહથી નીકળવું, શત્રુને જીતવાનો નિશ્ચય કર્યો છે તો આ જ ઉપાય
છે. પછી મુદ્ગર નામના સેનાપતિને સૈન્યની રક્ષા કરવાનું સોંપીને મેરુની વંદનાના બહાને
મિત્ર પ્રહસ્ત સહિત સુગંધાદિ સામગ્રી લઈ ગુપ્તપણે આકાશમાર્ગે ચાલ્યા. સૂર્યાસ્ત પણ
થઈ ગયો હતો અને સંધ્યાનો પ્રકાશ પણ અદ્રશ્ય થયો હતો. રાત્રિ પ્રગટ થઈ. તે બન્ને
અંજનાસુંદરીના મહેલમાં પહોંચી ગયા. પવનકુમાર તો બહાર ઊભા રહ્યા અને પ્રહસ્ત
ખબર આપવા અંદર ગયો. દીપકનો પ્રકાશ મંદ હતો. અંજના બોલીઃ કોણ છે?
વસંતમાલા પાસે જ સૂતી હતી તેને જગાડી. સર્વ બાબતોમાં નિપુણ તેણે ઊઠીને
અંજનાનો ભય દૂર કર્યો. પ્રહસ્તે નમસ્કાર કરી જ્યારે પવનંજયના આગમનની વાત કરી
ત્યારે તે સુંદરીને પ્રાણનાથનો સમાગમ સ્વપ્ન સમાન લાગ્યો. તે પ્રહસ્તને ગદગદ વાણીથી
કહેવા લાગીઃ હે પ્રહસ્ત! હું પુણ્યહીન, પતિની કૃપાથી વંચિત છું. મારા એવા જ
પાપકર્મનો ઉદય આવ્યો છે. તું શા માટે મારી મશ્કરી કરે છે? પતિનો નિરાદર પામનારની
કોણ અવજ્ઞા ન કરે? હું અભાગિની દુઃખી અવસ્થા પામી છું, મને સુખ ક્યાંથી મળે?
ત્યારે પ્રહસ્તે હાથ જોડી, નમસ્કાર કરી વિનંતી કરીઃ હે કલ્યાણરૂપિણી! હે પતિવ્રતે!
અમારો અપરાધ માફ કરો. હવે બધાં અશુભ કર્મ ટળી ગયાં છે. તમારા પ્રેમરૂપ ગુણથી
પ્રેરાઈને તમારા પ્રાણનાથ આવ્યા છે. તમારા પ્રત્યે અત્યંત પ્રસન્ન થયા છે. તેની
પ્રસન્નતાથી ક્યો આનંદ નહિ મળે? જેમ ચંદ્રમાના યોગથી રાત્રિની અતિશય શોભા વધે
છે તેમ. ત્યારે અંજનાસુંદરી ક્ષણેક નીચી નજર ઢાળી રહી. ત્યારે વસંતમાલાએ પ્રહસ્તને
કહ્યું-હે ભદ્ર! જ્યારે મેઘ વરસે ત્યારે સારું જ છે. માટે પ્રાણનાથ એના મહેલમાં પધાર્યા તે
એનું મહાન ભાગ્ય અને અમારું પુણ્યરૂપ વૃક્ષ ફળ્યું. આ વાત ચાલતી હતી તે જ સમયે
આનંદનાં આંસુઓથી જેનાં નેત્ર ભરાઈ ગયાં હતાં તે કુમાર પધાર્યા, જાણે કે કરુણારૂપ
સખી જ પ્રીતમને પ્રિયાની પાસે લઈ આવી. ત્યારે ભયભીત હરિણીનાં જેવાં સુંદર
નેત્રવાળી પ્રિયા પતિને જોઈને સન્મુખ જઈ, હાથ જોડી, મસ્તક નમાવી પગમાં પડી.
પ્રાણનાથે પોતાના હાથથી તેનું મસ્તક ઊંચું કરી ઊભી કરી, અમૃત સમાન વચન કહ્યાં કે
હે દેવી! કલેશનો બધો ખેદ છોડો. સુંદરી હાથ જોડીને પતિની પાસે ઊભી હતી. પતિએ
પોતાના હાથથી તેનો હાથ