Padmapuran (Gujarati). Parva 17 - Anjnana garbhnu pragat thavu ane sasu dvara gharmathi khadi mukvee.

< Previous Page   Next Page >


Page 182 of 660
PDF/HTML Page 203 of 681

 

background image
૧૮૨ સત્તરમું પર્વ પદ્મપુરાણ
આવશે? માટે હવે આપ શીઘ્ર રાવણ પાસે પધારો. પ્રિયાજીની વિદાય માગો. તમારે પિતાની
અને રાવણની આજ્ઞા અવશ્ય પાળવાની છે. કુશળતાપૂર્વક કાર્ય કરીને પાછા આવીશું ત્યારે
પ્રાણપ્રિયાને અધિક પ્રેમ કરજો. ત્યારે પવનંજયે કહ્યુંઃ હે મિત્ર! એમ જ કરીએ. આમ કહીને
મિત્રને બહાર મોકલ્યો અને પોતે પ્રાણવલ્લભાને અતિસ્નેહથી છાતીએ લગાડીને કહેવા
લાગ્યોઃ હે પ્રિયે! હવે હું જાઉં છું. તેમ ઉદ્વેગ ન કરશો. થોડા જ દિવસોમાં સ્વામીનું કામ
કરીને હું આવીશ. તમે આનંદમાં રહેજો. ત્યારે અંજનાસુંદરી હાથ જોડીને કહેવા લાગી, હે
મહારાજકુમાર! મારો ઋતુનો સમય છે તેથી મને અવશ્ય ગર્ભ રહેશે અને અત્યારે સુધી
આપની કૃપા નહોતી એ સર્વ જાણે છે તેથી માતાપિતાને મારા કલ્યાણના હેતુથી ગર્ભનો
વૃત્તાંત કહીને જાવ. તમે દીર્ધદર્શી સર્વમાં પ્રસિદ્ધ છો. જ્યારે પ્રિયાએ આમ કહ્યું ત્યારે તેણે
પ્રાણવલ્લભાને કહ્યું, હે પ્યારી! હું માતાપિતાની વિદાય લઈને નીકળ્‌યો હતો એટલે હવે
તેમની પાસે જવાય નહિ, મને લજ્જા આવે છે. લોકો મારી વાત જાણીને હસશે, માટે જ્યાં
સુધી તારો ગર્ભ પ્રગટ ન થાય તે પહેલાં જ હું આવી જઈશ. તમે પ્રસન્ન ચિત્ત રાખો;
અને કોઈ કહે તો આ મારા નામની મુદ્રિકા રાખો, હાથનાં કડાં રાખો. તમને સંપૂર્ણ શાંતિ
રહેશે આમ કહીને મુદ્રિકા આપીને, વસંતમાલાને આજ્ઞા આપી કે આમની સેવા ખૂબ
સાંભળથી કરજે. પોતે શય્યામાંથી ઊભા થયા. શય્યા પર સંયોગના યોગથી હારનાં મોતી
વિખરાઈને પડયાં હતાં, પુષ્પોની સુગંધથી ભમરા જ્યાં ગુંજારવ કરતા હતા, ક્ષીરસાગરના
તરંગ સમાન અતિ ઉજ્જવળ પટ જ્યાં પાથર્યા હતા, પોતે ઊઠીને મિત્રસહિત વિમાન પર
બેસી આકાશમાર્ગે ચાલ્યા ગયા. અંજનાસુંદરીએ અમંગળ થવાના ભયથી આંસુ ન પાડયાં.
હે શ્રેણિક! કોઈ વાર આ લોકમાં ઉત્તમ વસ્તુના સંયોગથી કિંચિત સુખ થાય છે તે
ક્ષણભંગુર છે અને દેહધારીઓને પાપના ઉદયથી દુઃખ થાય છે. સુખદુઃખ બન્ને વિનશ્વર છે
માટે હર્ષવિષાદ કરવાં નહિ. હે પ્રાણીઓ! જીવોને નિરંતર સુખ આપનાર અને દુઃખરૂપ
અંધકાર દૂર કરનાર જિનવર ભાષિત ધર્મરૂપ સૂર્યના પ્રતાપથી મોહ-તિમિરને દૂર કરો.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં પવનંજય અને અંજનાનો સંયોગ
વર્ણવનાર સોળમું પર્વ પૂર્ણ થયું.
* * *
સત્તરમું પર્વ
(અંજનાના ગર્ભનું પ્રગટ થવું અને સાસુ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવી)
કેટલાક દિવસો પછી મહેન્દ્રની પુત્રી અંજનાને ગર્ભનાં ચિહ્ન પ્રગટ થયાં. મોઢું
કંઈક પીળું પડી ગયું, જાણે કે હનુમાન ગર્ભમાં આવ્યા તેનો યશ જ પ્રગટ થયો. મંદ ચાલે
તે ચાલતી હતી, જાણે કે મદોન્મત્ત દિગ્ગજ વિચરતા હોય. સ્તનયુગલ ખૂબ ઉન્નત થયાં,
તેના અગ્રભાગ શ્યામ બન્યા, આળસથી વચન મંદ મંદ નીકળતાં, આંખોની ભ્રમર કંપતી
રહેતી. આ લક્ષણો જોઈને તેની સાસુ તેને ગર્ભિણી જાણીને પૂછવા લાગી કે આ કર્મ
કોનાથી થયું? ત્યારે તેણે