થઈ નિષ્ઠુર વચનોથી તેને પીડા ઉપજાવતી કહેવા લાગીઃ હે પાપિણી! મારો પુત્ર તારાથી
અત્યંત વિરક્ત છે, તારો પડછાયો જોવા પણ ઇચ્છતો નથી, તારાં વચન કાન પર લેતો નથી,
તે તો માતાપિતાની વિદાય લઈને રણસંગ્રામ માટે બહાર ગયો છે, તે ધીર તારા મહેલમાં કેવી
રીતે આવે? હે નિર્લજ્જ! તાર પાપને ધિક્કાર! ચંદ્રમાના કિરણ સમાન ઉજ્જવળ વંશને દોષ
લગાડનારી, બન્ને લોકોમાં નિંદ્ય અશુભ ક્રિયા તેં આચરી છે; અને આ તારી સખી
વસંતમાલાએ તને આવી બુદ્ધિ આપી છે, કુલટાની પાસે વેશ્યા રહે પછી કયું ભલું થાય?
અંજનાએ મુદ્રિકા અને કડાં દેખાડયાં તો પણ તેણે ન માન્યું. ગુસ્સે થઈને એક ક્રૂર નામના
નોકરને બોલાવ્યો તે આવીને નમસ્કાર કરીને ઊભો રહ્યો. પછી ક્રોધ કરીને કેતુમતીએ લાલ
આંખોથી કહ્યું, હે ક્રૂર! આને સખી સહિત ગાડીમાં બેસાડી મહેન્દ્રનગરની પાસે છોડી આવ.
કેતુમતીની આજ્ઞાથી ક્રૂર સખીસહિત અંજનાને ગાડીમાં બેસાડી મહેન્દ્રનગર તરફ ચાલ્યો.
અંજનાસુંદરીનું શરીર ખૂબ કંપે છે, પવનથી ઊખડી ગયેલ વેલી સમાન તે નિરાશ્રય છે,
દુઃખરૂપ અગ્નિથી તેનું શરીર બળી રહ્યું છે, સાસુને તેણે કાંઈ ઉત્તર ન આપ્યો, તેની આંખો
સખી તરફ લંબાયેલી છે, મનમાં પોતાના અશુભ કર્મને તે વારંવાર નિંદી રહી છે, આંખમાંથી
આંસુની ધારા ચાલી જાય છે, તેનું ચિત્ત અસ્થિર છે. દિવસના અંતે મહેન્દ્રનગર સમીપ
પહોંચાડીને ક્રૂર મધુર વચન કહેવા લાગ્યો. કે દેવી! મેં મારી સ્વામિનીની આજ્ઞાથી આપને
માટે દુઃખરૂપ કાર્ય કર્યું છે, તો ક્ષમા કરશો, આમ કહી સખી સહિત સુંદરીને ગાડીમાંથી ઉતારી,
ગાડી લઈને પોતાની સ્વામિની પાસે ચાલ્યો. ત્યાં પહોંચીને વિનંતી કરી કે આપની આજ્ઞા
પ્રમાણે તેમને ત્યાં પહોંચાડી આવ્યો છું.
આંખો લાલ થઈ ગઈ છે એવી અંજનાનાં નેત્રોની લાલાશથી પશ્ચિમ દિશા લાલ થઈ ગઈ,
અંધકાર ફેલાઈ ગયો, રાત્રિ થઈ. અંજનાના દુઃખથી નીકળેલાં આંસુની ધારારૂપ મેઘથી દશે
દિશા શ્યામ થઈ ગઈ, પક્ષીઓ કોલાહલ કરવા લાગ્યા, જાણે કે અંજનાના દુઃખથી દુઃખી
થઈને કકળાટ કરતા હોય. અંજના અપવાદરૂપ દુઃખના સાગરમાં ડૂબેલી ક્ષુધાદિક દુઃખ ભૂલી
ગઈ. તે આંસુ સારતી અને રૂદન કરતી. વસંતમાલા તેને ધૈર્ય રાખવાનું સમજાવતી. રાત્રે
પાંદડાની પથારી પાથરી દીધી, પણ એને જરાય ઊંઘ આવી નહિ. નિરંતર અશ્રુપાત કરતી,
જાણે કે દાહના ભયથી નિદ્રા પણ ભાગી ગઈ. વસંતમાલા પગ દાબતી, ખેદ દૂર કરતી,
દિલાસો આપતી. આમ દુઃખના કારણે એક રાત્રિ એક વર્ષ બરાબર લાગી. સવારમાં પથારી
છોડીને જાતજાતના સંકલ્પ-વિકલ્પ કરતી, શંકા સહિત વિહ્વળ થઈને પિતાના ઘર તરફ
ચાલી. સખી છાયાની જેમ સાથે જ ચાલી. પિતાના મહેલના દ્વારે પહોંચી. તેને અંદર દાખલ
થતાં દ્વારપાળે રોકી, કારણ કે દુઃખના યોગથી તેનું રૂપ બદલાઈ ગયું હતું તેથી ઓળખાણ ન
પડી. ત્યો સખીએ બધી હકીકત કહી તે જાણીને