નહિ એ રીતે એને બારણેથી કાઢી મૂકી. દુઃખપીડિત અંજના સખી સહિત રાજાનાં પોતાનાં
સગાઓને ત્યાં જ્યાં જ્યાં આશ્રય માટે ગઈ ત્યાં આવવા ન દીધી, બારણાં, બંધ કર્યાં.
જ્યાં બાપ જ ગુસ્સે થઈને કાઢી મૂકે ત્યાં કુટુંબની શી આશા હોય? તે બધા તો રાજાને
આધીન છે. આમ નિશ્ચય કરીને બધાથી ઉદાસ થઈને સખીને તે કહેવા લાગીઃ હે પ્રિયે!
અહીં બધાનાં ચિત્ત પાષાણનાં છે, અહીં વાસ કેવો? માટે વનમાં ચાલો, અપમાનથી તો
મરવું ભલું છે. આમ બોલીને તે સખી સહિત વનમાં ગઈ. તેનું શરીર આંસુઓથી
ભીંજાઈ ગયું હતું, જાણે કે તે સિંહથી બીધેલી હરણી હોય! શીત, ઉષ્ણ અને પવનના
ખેદથી પીડાતી તે વનમાં બેસી ઘોર રુદન કરવા લાગી. હાય હાય! હું કમભાગી
પૂર્વોપાર્જિત કર્મથી અત્યંત કષ્ટ પામી. હવે કોને શરણે જાઉં? કોણ મારું રક્ષણ કરશે?
દુર્ભાગ્યના આ સાગરમાં હું કયા કર્મથી આવી પડી? નાથ! મારા અશુભ કર્મના પ્રેર્યા તમે
ક્યાંથી આવ્યા? શા માટે ગર્ભ રહ્યો? બન્ને ઠેકાણે મારો અનાદર થયો. માતાએ પણ
મારું રક્ષણ ન કર્યું. તે શું કરે? પોતાના પતિની આજ્ઞાકારી પતિવ્રતાનો એ જ ધર્મ છે
અને મારા પતિ મને એમ કહીને ગયા હતા કે તારા ગર્ભની વૃદ્ધિ પહેલાં જ હું આવીશ.
હે નાથ! દયાવાન થઈને આ વચન કેમ ભૂલી ગયા? સાસુએ પરીક્ષા કર્યા વિના મારો
ત્યાગ કેમ કર્યો? જેના શીલમાં શંકા હોય તેની પરીક્ષા કરવાના અનેક ઉપાય છે. હું
પિતાને બચપણથી જ અત્યંત લાકડી હતી, હમેશાં ગોદમાં બેસાડી ખવડાવતા હતા તેમણે
પણ પરીક્ષા કર્યા વિના મારો અનાદર કર્યો. એમને એવી બુદ્ધિ કેમ ઉત્પન્ન થઈ?
માતાએ મને ગર્ભમાં રાખી પ્રતિપાલન કર્યું હતું, અત્યારે એમણે મોઢામાંથી એક શબ્દ પણ
ન કાઢયો કે એના ગુણદોષનો નિશ્ચય કરીએ. એક માતાના ઉદરથી ઉત્પન્ન થયેલ ભાઈ
પણ મને દુઃખિનીને ન રાખી શક્યો, બધાં જ કઠોર ચિત્તવાળાં થઈ ગયાં. જ્યાં માતા,
પિતા અને ભાઈની જ આ દશા હોય ત્યાં કાકા, દાદાના પિતરાઈ ભાઈ તથા પ્રધાન
સામંત શું કરે? અથવા એ બધાનો શો દોષ ગણવો? મારું જે કર્મરૂપ વૃક્ષ ફળ્યું છે તે
અવશ્ય ભોગવવું. આ પ્રમાણે અંજના વિલાપ કરે છે અને સખી પણ તેની સાથે વિલાપ
કરે છે. તેના મનમાંથી ધીરજ ખૂટી ગઈ. અત્યંત દીન બનીને તે ઊંચા સ્વરે રુદન કરવા
લાગી, હરણી પણ તેની દશા જોઈને આંસુ સારવા લાગી. ઘણો વખત રોવાથી તેની
આંખો લાલ થઈ ગઈ. ત્યારે તેની મહાવિચિક્ષણ સખી તેને છાતી સાથે દાબીને કહેવા
લાગીઃ હે સ્વામીની! ઘણું રૂદન કરવાથી શો લાભ થવાનો? તમે જે કર્મ બાંધ્યાં છે તે
અવશ્ય ભોગવવાનાં છે. બધાં જ જીવોને કર્મ આગળપાછળ લાગેલાં જ છે તે કર્મના
ઉદયનો શોક શો? હે દેવી! સ્વર્ગના જે દેવો સેંકડો અપ્સરાઓનાં નેત્રોથી દર્શનાપાત્ર બને
છે તે જ પુણ્યનો અંત આવતાં પરમદુઃખ પામે છે. મનમાં વિચારીએ છીએ કાંઈક અને
થઈ જાય છે કાંઈક બીજુ. જગતના લોકો ઉદ્યમમાં પ્રવર્તે છે તેમને પૂર્વોપાર્જિત કર્મનો
ઉદય જ કારણ છે. જે હિતકારી વસ્તુ આવીને પ્રાપ્ત થઈ હોય તે અશુભ કર્મના ઉદયથી
ચાલી જાય છે અને જે વસ્તુ મનથી