અગોચર છે તે આવી મળે છે. કર્મોની ગતિ વિચિત્ર છે તેથી હે દેવી! તમે ગર્ભના ખેદથી
પિડાવ છો, વૃથા કલેશ ન કરો, તમે તમારું મન દ્રઢ કરો. તમે જે પૂર્વજન્મમાં કર્મ
ઉપાર્જ્યા છે તેનાં ફળ ટાળવાથી ટળતાં નથી અને તમે તો મહાન બુદ્ધિશાળી છો. તમને
હું શી શિખામણ આપું? જો તમે ન જાણતા હો તો હું કહું, એમ કહીને તેના નેત્રમાં આંસુ
પોતાના વસ્ત્રથી લૂછયાં, વળી કહેવા લાગી કે હે દેવી! આ સ્થળ આશ્રયરહિત છે, માટે
ઊઠો આગળ ચાલીએ અથવા પહાડની નજીક કોઈ ગુફા હોય, જ્યાં દુષ્ટોનો પ્રવેશ ન
થાય ત્યાં જઈએ. તમારી પ્રસૂતિનો સમય નજીક આવ્યો છે તેથી કેટલાક દિવસ
સાવચેતીથી રહેવું જોઈએ. ત્યારે તે ગર્ભના ભારથી આકાશમાર્ગે પણ ચાલવાને અશક્ત
હતી તો પણ ભૂમિ પર સખીની સાથે ગમન કરવા લાગી, મહાકષ્ટથી તે પગલાં ભરતી.
વન અનેક અજગરોથી ભરેલું છે, દુષ્ટ જીવોના નાદથી અત્યંત ભયાનક છે, અતિ ગીચ
છે, જાતજાતનાં વૃક્ષોથી સૂર્યનાં કિરણોનો પણ ત્યાં સંચાર થતો નથી, સોયની અણી જેવી
ડાભની અણી અતિતીક્ષ્ણ છે, ખૂબ કાંકરા છે, મત્ત હાથીઓ અને ભીલો પણ ઘણા છે,
વનનું નામ માતંગમાલિની છે. જ્યાં મનની પણ ગતિ નથી ત્યાં તનની ગતિ ક્યાંથી
થાય? સખી આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, પણ આ ગર્ભના ભારથી ચાલવા સમર્થ
નથી તેથી સખી તેના પ્રેમના બંધનથી બંધાયેલી શરીરની છાયાની જેમ તેની સાથે સાથે
ચાલે છે. અંજના વનને અતિભયાનક જોઈને કંપે છે, દિશા પણ ભૂલી જાય છે ત્યારે
વસંતમાલા એને અતિવ્યાકુળ જાણી તેનો હાથ પકડી કહેવા લાગી, હે સ્વામિની! તમે ડરો
નહિ, મારી પાછળ પાછળ ચાલ્યા આવો.
વેગથી વહેતા પાણીના ઝરણાને કષ્ટપૂર્વક પાર કરતી, પોતાના અતિનિર્દય સર્વ સ્વજનોને
યાદ કરી અશુભ કર્મને વારંવાર નિંદતી, ભયભીત હરણીની જેમ વેલોને પકડતી, શરીરે
પરસેવાના રેલા વહાવતી, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાય ત્યારે માંડ છોડાવતી, જેના પગ
લોહીથી લાલ થઈ ગયા છે એવી, શોકરૂપ અગ્નિના દાહથી કાળી પડી ગયેલી, પાંદડાં હલે
તો પણ ફફડતી, વારંવાર વિશ્રામ લેતી, ધીરેધીરે અંજના પહાડની તળેટી આવી ત્યાં
આંસુભરેલી બેસી ગઈ. સખી તેને પ્રિય વચનોથી ધૈર્ય આપવા લાગી. તે સખીને કહેવા
લાગી કે હવે મારામાં એક ડગલું ભરવાની પણ શક્તિ નથી, હું અહીં જ રહીશ, મરણ
થાય તો ભલે થાય. સખી તેને અત્યંત પ્રેમથી, મનોહર વચનોથી શાંતિ પમાડતી નમસ્કાર
કરીને કહેવા લાગીઃ હે દેવી! આ ગુફા નજીક જ છે, કૃપા કરીને અહીંથી ઊઠીને ત્યાં
સૂખપૂર્વક બેસો. અહીં ક્રૂર જીવો વિચરે છે, તમારે ગર્ભની રક્ષા કરવાની છે, માટે હઠ ન
કરો. ત્યારે તે આતાપની ભરેલી સખીના વચનથી અને ગાઢ વનના ભયથી ચાલવા માટે
ઊભી થઈ અને સખી તેને હાથનો ટેકો આપીને, વિષમ ભૂમિમાંથી બહાર લાવી ગુફાના
દ્વાર પર લઈ ગઈ. વગર વિચાર્યે ગુફામા બેસવામાં ભય છે એમ સમજી