Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 187 of 660
PDF/HTML Page 208 of 681

 

background image
પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૮૭
એ બન્ને બહાર ઊભી રહી અને અંદર દ્રષ્ટિ કરીને જોયું તો ત્યાં એક પવિત્ર શિલા પર
વિરાજતા ચારણમુનિને જોયા. તેમણે પલ્યંકાસન ધર્યું હતું, તેમના શ્વાસોચ્છવાસ નિશ્ચળ
હતા, નાકની અણી પર તેમની દ્રષ્ટિ હતી, શરીર થાંભલાની જેમ સ્થિર હતું, ખોળામાં
ડાબા હાથ જમણા હાથ પર મૂકેલો હતો, સમુદ્ર સમાન ગંભીર, અનેક ઋદ્ધિસંયુક્ત,
આત્મસ્વરૂપ, જેવું જિનશાસનમાં બતાવ્યું છે તેવું ધ્યાનમાં લેતા, પવન જેવા અસંગ,
આકાશ જેના નિર્મળ, જાણે કે પહાડનું શિખર જ હોય તેવા તેમને બન્નેએ જોયા. એ
બન્ને મુનિની સમીપમાં આવી. તેમનું બધું દુઃખ ભુલાઈ ગયું. ત્રણ પ્રદક્ષિણા દઈ હાથ
જોડી નમસ્કાર કર્યા. મુનિ પરમ બાંધવ મળ્‌યા. જે સમયે જેની પ્રાપ્તિ થવાની હોય તે
થાય. મુનિનાં ચરણારવિંદ તરફ પોતાનાં અશ્રુપાતરહિત સ્થિર નેત્ર કરી, એ બન્ને હાથ
જોડી વિનંતી કરવા લાગીઃ હે ભગવાન! હે કલ્યાણરૂપ! હે ઉત્તમ ચેષ્ટાના ધારક! આપનું
શરીર કુશળ છે? આપનો દેહ તો સર્વ વ્રતતપ સાધવાનું મૂળ કારણ છે. હે ગુણસાગર!
જેમને ઉપરાઉપરી તપની વૃદ્ધિ થઈ રહી છે, હે ક્ષમાવાન! શાંતભાવના ધારક! મન-
ઇન્દ્રિયના વિજેતા! આપનો વિહાર જીવોના કલ્યાણના નિમિત્તે જ છે, આપના જેવા પુરુષ
તો સર્વ જીવોના કુશળનું કારણ છે તેથી આપની કુશળતા શું પૂછવી? પરંતુ પૂછવાનો
શિષ્ટાચાર છે એટલે પૂછી છે. આમ કહીને વિનયથી નમ્રીભૂત થયેલ શરીરવાળી ચૂપ થઈ
ગઈ અને મુનિના દર્શનથી તેમનો સર્વ ભય ચાલ્યો ગયો.
પછી મુનિ અમૃતતુલ્ય પરમ શાંતિનાં વચન કહેવા લાગ્યા, કે કલ્યાણરૂપિણી! હે
પુત્રી! અમારાં કર્માનુસાર અમે કુશળ છીએ. આ બધાં જ જીવો પોતપોતાનાં કર્મોનું ફળ
ભોગવે છે. જુઓ કર્મની વિચિત્રતા, આ રાજા મહેન્દ્રની પુત્રીને વિના અપરાધે કુટુંબના
લોકોએ કાઢી મૂકી છે. મુનિ મહાજ્ઞાની છે, કહ્યા વિના જ બધી વાતો જાણનારા છે. તેમને
નમસ્કાર કરીને વસંતમાલા પૂછવા લાગી-હે નાથ! કયા કારણથી આના પતિ એનાથી
ઘણા દિવસ સુધી ઉદાસ રહ્યા? એ કયા કારણે અનુરાગી થયા તથા મહાસુખયોગ્ય આ
અંજના વનમાં કયા કારણથી આટલું દુઃખ પામી? એના ગર્ભમાં ક્યો મંદભાગી જીવ
આવ્યો છે કે જેનાથી આને જીવવાની પણ શંકા પડી? ત્યારે ત્રણ જ્ઞાનના ધારક
અમિતગતિ સ્વામી સર્વ વૃત્તાંત યથાર્થપણે કહેવા લાગ્યા. મહાપુરુષોની એ જ વૃત્તિ હોય
છે કે જે બીજાઓને ઉપકાર કરે છે. મુનિ વસંતમાલાને કહે છેઃ હે પુત્રી! આના ગર્ભમાં
ઉત્તમ બાળક આવ્યો છે. પ્રથમ તો તેના ભવ સાંભળ. પછી તેણે પૂર્વ ભવમાં જે પાપનું
આચરણ કર્યું હતું અને જેના કારણે આ અંજના આવું દુઃખ પામી તે સાંભળ.
હનુમાન અને અંજનાના પૂર્વભવ
જંબૂદ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. ત્યાં મંદર નામનું નગર છે, ત્યાં પ્રિયનંદી નામનો
ગૃહસ્થ જાયા નામની સ્ત્રી અને દમયંત નામના પુત્ર સાથે રહેતો હતો. તે સૌભાગ્યશાળી
કલ્યાણરૂપ જે દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ ગુણોનો ધારક હતો. એક દિવસ વસંતઋતુમાં