નંદનવનતુલ્ય વનમાં નગરના લોકો ક્રીડા કરવા લાગ્યા. દમયંતે પણ પોતાના મિત્રો સાથે
ખૂબ ક્રીડા કરી. અબીલાદિ સુગંધી શરીરવાળા અને કુંડળાદિ આભૂષણ પહેરેલા તેણે તે
સમયે એક મહામુનિ જોયા. મુનિએ આકાશરૂપી વસ્ત્ર ધારણ કર્યું હતું, તપ જ તેમનું ધન
હતું. ધ્યાન, સ્વાધ્યાય આદિ ક્રિયાઓમાં તે ઉદ્યમી હતા. દમયંત પોતાના મિત્રોને ક્રીડા
કરતા છોડીને મુનિઓની મંડળીમાં આવ્યો, વંદના કરીને ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યું,
સમ્યગ્દર્શન પામ્યો, શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં, અનેક પ્રકારના નિયમ લીધા. એક દિવસ
તેણે દાતાના સાત ગુણ અને નવધા ભક્તિપૂર્વક સાધુને આહારદાન આપ્યું. કેટલાક
દિવસો પછી સમાધિમરણ કરીને સ્વર્ગલોકમાં જન્મ્યો. નિયમ અને દાનના પ્રભાવથી તે
અદ્ભુત યોગ પામ્યો. સેંકડો દેવાંગનાઓનાં નેત્રોની કાંતિરૂપ નીલકમળની માળાથી
અર્ચિત ચિરકાળ સુધી તેણે સ્વર્ગનાં સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને જંબુદ્વીપમાં
મૃગાંક નામના નગરમાં હરિચંદ નામના રાજાની પ્રિયંગુલક્ષ્મી નામની રાણીને પેટે સિંહચંદ
નામનો પુત્ર થયો. અનેક કલા અને ગુણોમાં પ્રવીણ તે અનેક વિવેકીઓનાં હૃદયમાં
વસ્યો. ત્યાં પણ દેવો જેવા ભોગ ભોગવ્યા, સાધુઓની સેવા કરી. પછી સમાધિમરણ
કરીને દેવલોકમાં ગયો. ત્યાં મનવાંછિત અતિઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કર્યાં. દેવીઓનાં વદનરૂપી
કમળના જ્યાં વનને પ્રફુલ્લિત કરવાને તે સૂર્ય સમાન હતો. ત્યાંથી ચ્યવીને આ
ભરતક્ષેત્રમાં વિજ્યાર્ધ પર્વત પર અરુણપુર નગરમાં રાજા સુકંઠની રાણી કનકોદરીની કૂખે
સિંહવાહન નામનો પુત્ર થયો. પોતાના ગુણોથી સમસ્ત પ્રાણીઓનાં મન હરનાર તેણે ત્યાં
દેવ જેવા ભોગ ભોગવ્યા, અપ્સરા સમાન સ્ત્રીઓનાં મનનો તે ચોર હતો. તેણે ઘણો
સમય રાજ્ય કર્યું. શ્રી વિમળનાથજીના સમોસરણમાં તેને આત્મજ્ઞાન અને સંસારથી
વૈરાગ્ય થયો તેથી લક્ષ્મીવાહન નામના પુત્રને રાજ્ય આપી, સંસારને અસાર જાણી,
લક્ષ્મીતિલક મુનિના શિષ્ય થયા. શ્રી વીતરાગદેવના કહેલા મહાવ્રતરૂપ યતિનો ધર્મ
અંગીકાર કર્યો. અનિત્યાદિ બાર ભાવનાનું ચિતંન કરી જ્ઞાનચેતનારૂપ થયા. જે તપ
કોઈથી ન બને તેવું તપ કર્યું. રત્નત્રયરૂપ પોતાના નિજભાવોમાં સ્થિર થયા. પરમ
તત્ત્વજ્ઞાનરૂપ આત્માના અનુભવમાં મગ્ન થયા. તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ ઉપજી. સર્વ
વાતે સમર્થ હતા. તેમના શરીરને સ્પર્શીને આવતા પવનથી પ્રાણીઓનાં અનેક દુઃખ-રોગ
દૂર થતાં, પરંતુ પોતે કર્મની નિર્જરા અર્થે બાવીસ પરીસહ સહન કરતા. પછી આયુષ્ય
પૂર્ણ કરીને ધર્મ-ધ્યાનના પ્રસાદથી જ્યોતિષચક્રને ઓળંગી સાતમા લાંતવ નામના સ્વર્ગમાં
મોટા ઋદ્ધિધારી દેવ થયા. ચાહે તેવું રૂપ કરતા, ચાહે ત્યાં જતા, જે વચનથી વર્ણવી શકાય
નહિ. આવાં અદ્ભુત સુખ ભોગવ્યાં, પરંતુ સ્વર્ગનાં સુખમાં મગ્ન ન થયા. જેને
પરમધામની ઇચ્છા છે એવા તે ત્યાંથી ચ્યવીને અંજનાની કુક્ષિમાં આવ્યા છે. તે પરમ
સુખના ભાજન છે. હવે તે દેહ ધારણ કરશે નહિ, અવિનાશી સુખ પામશે, તે ચરમશરીરી
છે. આ તો પુત્રનો ગર્ભમાં આવવાનો વૃત્તાંત કહ્યો. હવે હે કલ્યાણ ચેષ્ટાવાળી! એને જે
કારણથી પતિનો વિરહ અને કુટુંબનો નિરાદર થયો તે વૃત્તાંત સાંભળ. આ
અંજનાસુંદરીએ પૂર્વભવમાં દેવાધિદેવ