બહાર કાઢી નાખી, તે જ સમયે એક સંયમશ્રી નામની અર્જિકા તેને ઘેર આહાર માટે
આવ્યા હતા, તે તપથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ હતા, તેમણે અંજના દ્વારા શ્રીજીની મૂર્તિનો
અવિનય થયો જોઈ પારણું ન કર્યું. પાછા ચાલ્યા ગયા અને આને અજ્ઞાની જાણી,
દયાભાવથી ઉપદેશ દેતા ગયા. જે સાધુ પુરુષ છે તે તો સૌનું ભલું જ ઈચ્છે છે. જીવોને
સમજાવવા માટે ન પૂછવા છતાં પણ સાધુજન શ્રી ગુરુની આજ્ઞાથી ધર્મોપદેશ આપે છે.
આમ જાણીને શીલ, સંયમરૂપ આભૂષણ ધારણ કરનાર તે સંયમશ્રીએ પટરાણીને
મહામધુર અનુપમ વચનો કહ્યાં કે હે ભોળી! સાંભળ, તું રાજાની પટરાણી છે, અત્યંત
રૂપવતી છે, રાજા તને ખૂબ સન્માન આપે છે, તું ભોગોનું સ્થાન છે, તારું આ શરીર
પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે. આ જીવ ચાર ગતિમાં ભટકે છે, મહાદુઃખ પામે છે, અનંત
કાળમાં કોઈક જ વાર પુણ્યના યોગથી મનુષ્યદેહ પામે છે. હે શોભને! તું કોઈ પુણ્યના
યોગે મનુષ્યદેહ પામી છો માટે આવું નિંદ્ય આચરણ તું ન કર, યોગ્ય ક્રિયા કરવી ઉચિત
છે. આ મનુષ્યદેહ પામીને જે સુકૃત કરતો નથી તે હાથમાં આવેલું રત્ન ગુમાવી દે છે.
મન, વચન, કાયાના યોગથી શુભ ક્રિયાનું સાધન કરવું તે શ્રેષ્ઠ છે, અશુભ ક્રિયાનું સાધન
છે તે દુઃખનું મૂળ છે. જે પોતાના હિત માટે સુકૃતમાં પ્રવર્તે છે તે જ ઉત્તમ છે, લોક
મહાનિંદ્ય અનાચારથી ભરેલો છે. જે સંત સંસારસાગરથી પોતે તરે છે, બીજાઓને તારે
છે, ભવ્ય જીવોને ધર્મનો ઉપદેશ આપે છે તેના સમાન બીજું કોઈ નથી, તે કૃતાર્થ છે, તે
મુનિઓના નાથ, સર્વ જગતના નાથ, ધર્મચક્રી શ્રી અરિહંતદેવના પ્રતિબિંબનો જે અવિનય
કરે છે તે અનેક ભવમાં કુગતિનાં મહાદુઃખ પામે છે. તે દુઃખોનું કોણ વર્ણન કરી શકે?
જોકે શ્રી વીતરાગદેવ રાગદ્વેષરહિત છે, જે સેવા કરે તેમના પ્રત્યે રાગ નથી અને જે નિંદા
કરે તેમના પ્રત્યે દ્વેષ નથી, મધ્યસ્થભાવ ધારે છે. પરંતુ જે જીવ સેવા કરે તે સ્વર્ગ-મોક્ષ
પામે અને જે નિંદા કરે તે નરક-નિગોદ પામે. કયા કારણે? જીવોને પોતાનાં શુભ-
અશુભ પરિણામોથી સુખ-દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ અગ્નિના સેવનથી શીતનું
નિવારણ થાય છે અને ખાનપાનથી ક્ષુધાતૃષાની પીડા મટે છે તેમ જિનરાજની પૂજાથી
સ્વયંમેવ સુખ થાય છે અને અવિનયથી પરમદુઃખ થાય છે. હે શોભને! સંસારમાં જે દુઃખ
દેખાય તે સર્વ પાપનાં ફળ છે અને જે સુખ છે તે ધર્મનાં ફળ છે. તું પૂર્વ પુણ્યના ઉદયથી
મહારાજની પટરાણી થઈ છો, ખૂબ સંપત્તિ મેળવી છે, તારો પુત્ર અદ્ભુત કાર્ય કરનાર
છે, હવે તું એવું કર કે જેથી સુખ પામે. મારાં વચનથી તારું કલ્યાણ કર. હે ભવ્યે! સૂર્ય
અને નેત્ર હોવા છતાં તું કૂવામાં ન પડ. જો આવાં કાર્ય કરીશ તો ઘોર નરકમાં પડીશ.
દેવગુરુશાસ્ત્રનો અવિનય કરવો એ અનંત દુઃખનું કારણ છે અને આવા દોષ જોઈને જો હું
તને ન સંબોધું તો મને પ્રમાદનો દોષ લાગે છે તેથી તારા કલ્યાણના નિમિત્તે મેં ધર્મોપદેશ
આપ્યો છે. જ્યારે શ્રી અર્જિકાજીએ આમ કહ્યું ત્યારે તેણે નરકથી ડરી, સમ્યગ્દર્શન ધારણ કર્યું,
શ્રાવિકાનાં વ્રત આદર્યાં, શ્રીજીની પ્રતિમા મંદિરમાં પધરાવી અને અનેક વિધાનથી અષ્ટપ્રકારી