જગાએ સ્થિર રહેતી નહિ. ક્ષણમાં તે અંજનાસુંદરી પાસે આવતી અને ક્ષણમાં બહાર જતી.
સિંહ અને અષ્ટપદના યુદ્ધનું ચરિત્ર જોઈને વસંતમાલા ગુફામાં અંજનાસુંદરી પાસે આવી,
પલ્લવથી પણ કોમળ હાથથી વિશ્વાસ આપતી રહી, જાણે નવો જન્મ મળ્યો, હિતકારી
વાતચીત કરવા લાગી. જેને એક રાત્રિ એક વર્ષ જેવડી લાગતી હતી એવી એ બન્ને
કોઈવાર કુટુંબના નિર્દયપણાની વાત કરતી તો કોઈ વાર ધર્મકથા કરતી. અષ્ટાપદે સિંહને
એવો ભગાડી મૂકયો, જેમ હાથીને સિંહ અને સર્પને ગરુડ ભગાડી મૂકે. પછી તે ગંધર્વદેવ
ખૂબ આનંદમાં આવીને ગાવા લાગ્યો. તેનું ગાન દેવોનું પણ મન મોહી લે તો મનુષ્યોની
તો શી વાત? અર્ધરાત્રિ થઈ અને બધા શાંત થઈ ગયા ત્યારે તે ગાવા લાગ્યો, વીણા
વગાડવા લાગ્યો. બીજાં પણ તંબૂર, મંજીરાં, મૃદંગ, બંસરી આદિ વાજિંત્રો વગાડવા લાગ્યો,
ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ આ સાત સ્વરોમાં તેણે ગાયું.
આ સાત સ્વરોના ત્રણ ગ્રામ શીઘ્ર, મધ્ય અને વિલંબિત તથા એકવીસ મૂર્છના છે તે
ગંધર્વોમાં જે મોટા દેવની પેઠે તેણે ગાન કર્યું. ગાનવિદ્યામાં ગંધર્વદેવ પ્રસિદ્ધ છે. રાગને
ઓગણપચાસ સ્થાનક છે તે બધા ગંધર્વદેવ જાણે છે. તેણે ભગવાન શ્રી જિનેન્દ્રદેવના
ગુણ સુંદર અક્ષરોમાં ગાયા. હું શ્રી અરિહંતદેવને ભક્તિથી વંદું છે. ભગવાન દેવ અને
દૈત્યોથી પૂજનીય છે. દેવ એટલે સ્વર્ગવાસી, દૈત્ય એટલે જ્યોતિષી, વ્યંતર અને
ભવનવાસી; આ ચતુર્નિકાયના દેવ છે અને ભગવાન બધા દેવોના દેવ છે, જેમને સુર,
નર-વિદ્યાધર અષ્ટદ્રવ્યથી પૂજે છે. તે ત્રણ ભુવનમાં અતિપ્રવીણ અને પવિત્ર છે. શ્રી
મુનિસુવ્રતનાથ ભગવાનના ચરણયુગલમાં હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, જેમના
ચરણારવિંદના નખની કાંતિ ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતનો પ્રકાશ કરે છે, આવાં ગીત
ગંધર્વદેવે ગાયાં. તેથી વસંતમાલા ખૂબ પ્રસન્ન થઈ. તેણે આવા રાગ કદી સાંભળ્યા
નહોતા, વિસ્મયથી જેનું મન ભરાઈ ગયું છે એવી તે ગીતની અત્યંત પ્રશંસા કરવા
લાગી. વસંતમાલા અંજનાને કહેવા લાગી કે ધન્ય છે આ ગીત! આ મનોહર ગીતથી
મારું હૃદય અમૃતથી જાણે ભીંજાઈ ગયું છે. આ કોઈ દયાળું દેવ છે, જેણે અષ્ટાપદનું રૂપ
ધારણ કરી સિંહને ભગાડ્યો અને આપણી રક્ષા કરી અને એણે જ આપણા આનંદ માટે
આ મનોહર ગીત ગાયાં છે. હે દેવી! હે શોભને! હે શીલવંતી! તારા ઉપર બધા જ દયા
રાખે છે. જે ભવ્ય જીવ છે તેમને મહાભયંકર વનમાં દેવ મિત્ર થાય છે. આ ઉપસર્ગના
વિનાશથી ચોક્ક્સ તારા પતિનો મેળાપ થશે અને તને અદ્ભુત પરાક્રમી પુત્ર થશે.
મુનિનાં વચન અન્યથા થતાં નથી. પછી મુનિના ધ્યાનથી જે ગુફા પવિત્ર બની હતી તેમાં
શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમા પધરાવી બન્નેએ સુગંધી દ્રવ્યોથી પૂજા કરી. બન્નેનાં
મનમાં એક જ વિચાર હતો કે પ્રસૂતિ સુખપૂર્વક થાય. વસંતમાલા જુદી જુદી રીતે
અંજનાના ચિત્તને પ્રસન્ન કરે છે અને તે કહેવા લાગી કે હે દેવી! આ વન અને ગિરિ
તમારા અહીં પધારવાથી પરમ