Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 193 of 660
PDF/HTML Page 214 of 681

 

background image
પદ્મપુરાણ સત્તરમું પર્વ ૧૯૩
હર્ષ પામ્યાં છે તેથી ઝરણાના પ્રવાહથી આ પર્વત જાણે કે હસે જ છે અને આ વનનાં
વૃક્ષો ફળોના ભારથી નીચે ઝૂકી રહ્યાં છે, કોમળ પાંદડાં અને વિખરાયેલાં ફૂલો દ્વારા જાણે
હર્ષ પામ્યાં છે. આ મોર, પોપટ, મેના કોયલ આદિ મધુર અવાજ કરી રહ્યાં છે તે જાણે કે
વન-પહાડ સાથે વાર્તાલાપ કરે છે. આ પર્વત નાના પ્રકારની ધાતુની ખાણ છે. આ ગીચ
વૃક્ષોના સમૂહ આ પર્વતરૂપ રાજાના સુંદર વસ્ત્ર છે, અહીં જાતજાતનાં રત્ન છે તે આ
પર્વતનાં આભૂષણો છે, આ પર્વતમાં સારી સારી ગુફાઓ છે, અનેક જાતનાં સુગંધી પુષ્પો
છે, મોટાં મોટાં સરોવરો છે, તેમાં સુગંધી કમળો ખીલી રહ્યાં છે. હે કલ્યાણરૂપિણી! ચિંતા
ન કર, ધૈર્ય ધારણ કર, આ વનમાં બધું સારું થશે. દેવ સેવા કરશે. તું પુણ્યાધિકારિણી છે,
તારું શરીર નિષ્પાપ છે. હર્ષથી પક્ષી અવાજ કરે છે, જાણે તારી પ્રસંશા જ કરે છે. આ
વૃક્ષ શીતળ, મંદ, સુગંધી પવનના પ્રેરવાથી પત્રોના સરસરાટથી જાણે તારા આવવાથી
આનંદ પામીને નૃત્ય જ કરે છે. હવે સવારનો સમય થયો છે, પહેલાં તો લાલ સંધ્યા થઈ
તે જાણે કે સૂર્યે તારી સેવા કરવા સખી મોકલી છે. હવે સૂર્ય પણ તારાં દર્શન કરવા માટે
ઊગવા તૈયાર થયો છે. પોતાને પ્રસન્ન રાખવા માટે વસંતમાલાએ જ્યારે આ વાત કહી
ત્યારે અંજનાસુંદરી કહેવા લાગીઃ હે સખી! તારા હોતાં મારી પાસે આખું કુટુંબ છે અને
આ વન પણ તારા પ્રસાદથી નગર છે. જે આ પ્રાણીને આપત્તિમાં સહાય કરે છે તે જ
પરમ બાંધવ છે અને જે બાંધવ દુઃખ આપે છે તે જ પરમશત્રુ છે. આ પ્રમાણે પરસ્પર
મિષ્ટ વાતચીત કરતી આ બન્ને ગુફામાં રહેલી શ્રી મુનિ સુવ્રતનાથની પ્રતિમાનું પૂજન
કરતી. વિદ્યાના પ્રભાવથી વસંતમાલા ખાનપાનાદિ બધી વસ્તુઓ તૈયાર કરતી. તે ગંધર્વ
દેવ દુષ્ટ જીવોથી એમની સર્વ પ્રકારે રક્ષા કરતા અને નિરંતર ભક્તિથી ભગવાનના અનેક
ગુણ જાતજાતના રાગની રચના કરીને ગાતા.
(હનુમાનનો જન્મ)
પછી અંજનાની પ્રસૂતિનો સમય આવ્યો. ત્યારે તે વસંતમાલાને કહેવા લાગી કે હે
સખી! આજ મને કાંઈક વ્યાકુળતા છે. વસંતમાલાએ કહ્યું કે હે શોભને! તારી પ્રસૂતિનો
સમય છે, તું આનંદ પામ. પછી એના માટે કોમળ પલ્લવોની શય્યા બનાવી. તેના ઉપર
એણે પુત્રને જન્મ આપ્યો. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ આણે હનુમાનને પ્રગટ
કર્યો. પુત્રના જન્મથી ગુફાનો અંધકાર જતો રહ્યો, ગુફા પ્રકાશમય થઈ ગઈ, જાણે
સુવર્ણમય જ થઈ ગઈ. પછી અંજના પુત્રને છાતીએ વળગાડીને દીનતાપૂર્વક કહેવા લાગી
કે હે પુત્ર! તું ગહન વનમાં જન્મ્યો. તારા જન્મનો ઉત્સવ કેવી રીતે કરું? જો તારા દાદા
કે નાનાને ઘેર જન્મ થયો હોત તો જન્મનો મોટો ઉત્સવ ઉજવાયો હોત. તારા મુખરૂપ
ચંદ્રને જોતાં કોને આનંદ ન થાય? હું શું કરું? હું મંદભાગિની સર્વ વસ્તુરહિત છું.
પૂર્વોપાર્જિત કર્મે મને દુઃખદશામાં મૂકી છે. હું કાંઈ કરવાને સમર્થ નથી, પરંતુ પ્રાણીઓને
બધા કરતાં દીર્ઘાયું થવું દુર્લભ છે. હે પુત્ર! તું ચિરંજીવી થા. તું છે તો મારે સર્વ છે. આ
પ્રાણને હરી લે તેવું ગહન વન છે એમાં હું જીવું છું તે તારા