પ્રાપ્તિનું કારણ છે અને બ્રહ્મ નામનો યોગ છે, મુહૂર્ત શુભ છે તેથી અવિનાશી સુખનો
સમાગમ એને થશે. આ પ્રમાણે બધા જ ગ્રહો અતિબળવાન બેઠા છે તેથી તે સર્વ
દોષરહિત થશે. પછી પ્રતિસૂર્યે જ્યોતિષીને ખૂબ દાન આપ્યું અને ભાણેજને ખૂબ આનંદ
આપ્યો. તેને કહ્યું કે વત્સે! હવે આપણે હનૂરુહ દ્વીપ જઈએ ત્યાં બાળકનો જન્મોત્સવ
સારી રીતે થશે. પછી અંજના ભગવાનને વંદન કરી, પુત્રને ગોદમાં લઈ ગુફાના
અધિપતિ ગંધર્વ દેવને વારંવાર ક્ષમા કરાવીને પ્રતિસૂર્યના પરિવાર સાથે ગુફામાંથી બહાર
નીકળી વિમાનની પાસે આવીને ઊભી રહી. જાણે સાક્ષાત્ વનલક્ષ્મી જ હોય. વિમાનમાં
મોતીના હાર લટકે છે, પવનથી પ્રેરાયેલી ઘંટીઓ વાગી રહી છે, સરસરાટ કરતી રત્નોની
ઝાલરથી વિમાન શોભી રહ્યું છે, સૂર્યના કિરણના સ્પર્શથી પ્રકાશિત થઈ રહ્યું છે, નાના
પ્રકારના રત્નની પ્રભાથી પ્રકાશનું મંડળ બની ગયું છે, જાણે કે ઇન્દ્રધનુષ જ થઈ ગયું છે,
રંગબેરંગી સેંકડો ધજા ફરકી રહી છે, વિમાન કલ્પવૃક્ષ સમાન મનોહર, જાતજાતનાં
રત્નોથી બનેલું, જાતજાતના આકાર ધારણ કરતું, જાણે સ્વર્ગમાંથી આવ્યું છે. તે વિમાનમાં
પુત્ર સાથે અંજના વસંતમાલા અને રાજા પ્રતિસૂર્યનો સકળ પરિવાર બેસીને આકાશમાર્ગે
ચાલ્યા. ત્યાં બાળક કૌતુક કરીને મલકતું માતાની ગોદમાંથી ઊછળીને પર્વત પર જઈ
પડયું. માતા હાહાકાર કરવા લાગી અને રાજા પ્રતિસૂર્યના બધા માણસો પણ અરે અરે
કરવા લાગ્યા. રાજા પ્રતિસૂર્ય બાળકને ગોતવા આકાશમાંથી ઉતરીને પૃથ્વી પર આવ્યા.
અંજના અત્યંત દીન બનીને વિલાપ કરવા લાગી. તેનો વિલાપ સાંભળીને તિર્યંચોનું મન
પણ કરુણાથી કોમળ થઈ ગયું. અરે પુત્ર! શું થયું, દૈવે આ શું કર્યું? મને રત્નનો ખજાનો
બતાવીને ખૂંચવી લીધો, પતિના વિયોગના દુઃખથી વ્યાકુળ એવી મને જીવનનું અવલંબન
જે બાળક થયું હતું તે પણ કર્મે છીનવી લીધું. માતા આમ વિલાપ કરે છે અને પુત્ર જે
પર્વત પર પડયો હતો તે પર્વતના હજારો ટુકડા થઈ ગયા અને મોટો અવાજ થયો.
પ્રતિસૂર્ય જુએ છે તો બાળક એક શિલા ઉપર સુખપૂર્વક બિરાજે છે, પોતે જ પોતાનો
અંગૂઠો ચૂસે છે, ક્રીડા કરે છે અને મલકે છે, અતિ શોભાયમાન સીધો પડયો છે, તેના
પગ સરસરાટ કરે છે. જેનું શરીર સુંદર છે, તે કામદેવપદના ધારક છે તેમને કોની ઉપમા
આપીએ? મંદ મંદ પવનથી લહેરાતાં રક્તકમલોના વન સમાન તેની પ્રભા છે અને
પોતાના તેજથી જેણે પહાડના ખંડ ખંડ કરી નાખ્યા છે. આવા બાળકને દૂરથી જોઈને
રાજા પ્રતિસૂર્ય અત્યંત આશ્ચર્ય પામ્યા. બાળકનું શરીર નિષ્પાપ છે, ધર્મસ્વરૂપ, તેજપુંજ
એવા પુત્રને જોઈ માતા બહુ વિસ્મય પામી, તેને ઊંચકીને તેનું મસ્તક ચૂમ્યું અને તેને
છાતી સાથે ભીડી દીધો. ત્યારે અંજનાને પ્રતિસૂર્યે કહ્યું, હે બાલિકે! તારો આ પુત્ર
સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજ્રવૃષભનારાચસંહનનનો ધારક વજ્રસ્વરૂપ છે. જેના પડવાથી
પહાડ પણ ચૂર્ણ ચૂર્ણ થઈ ગયો. જ્યારે આની બાલ્યાવસ્થામાં જ દેવ કરતાં અધિક શક્તિ
છે તો યૌવન અવસ્થાની તેની શક્તિની તો શી વાત કરવી? આ નિશ્ચયથી ચરમશરીરી છે,
તદ્ભવ મોક્ષગામી છે, હવે પછી એ દેહ ધારણ નહિ કરે. એની આ જ પર્યાય સિદ્ધપદનું