Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 212 of 660
PDF/HTML Page 233 of 681

 

background image
૨૧૨ વીસમું પર્વ પદ્મપુરાણ
છે અને ચોથો દુખમા સુખમા કાળ એક ક્રોડાક્રોડ સાગર ઓછા બેંતાળીસ હજાર વર્ષનો
છે, પાંચમો દુખમા કાળ એકવીસ હજાર વર્ષનો છે અને છઠ્ઠો દુખમા દુખમા કાળ પણ
એકવીસ હજાર વર્ષનો છે. આ અવસર્પિણી કાળની રીતિ કહી. પ્રથમ કાળથી માંડીને છઠ્ઠા
કાળ સુધી આયુષ્ય આદિ બધું ઘટતું જાય છે અને એનાથી ઊલટું જે ઉત્સર્પિણી કાળ તેમાં
છઠ્ઠાથી માંડીને પહેલા સુધી આયુષ્ય, કાય, બળ, પરાક્રમ વધતાં જાય છે. આ પ્રમાણે
કાળચક્રની રચના જાણવી.
હવે જ્યારે ત્રીજા કાળમાં પલ્યના આઠમા ભાગ જેટલો સમય બાકી રહ્યો હતો
ત્યારે ચૌદ કુલકર થયા હતા તેમનું કથન અગાઉ કરી ચૂક્યા છીએ. ચૌદમા કુલકર
નાભિરાજા હતા. તેમને પ્રથમ તીર્થંકર ઋષભદેવ પુત્રરૂપે થયા. તેમના મોક્ષગમન બાદ
પચાસ લાખ કરોડ સાગર વીત્યા ત્યારે બીજા તીર્થંકર શ્રી અજિતનાથ થયા. તેમના પછી
ત્રીસ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સંભવનાથ થયા. તેના પછી દસ લાખ કરોડ સાગર
ગયે શ્રી અભિનંદન થયા. તેમના પછી નવ લાખ કરોડ સાગર વીત્યે શ્રી સુમતિનાથ
થયા. ત્યારપછી નવ્વાણુ હજાર કરોડ સાગર વીત્યે શ્રી પદ્મપ્રભ થયા. તેમના પછી નવ
હજાર કરોડ સાગર થયા ત્યારે શ્રી સુપાર્શ્વનાથ થયા. તેમના પછી નવસો કરોડ સાગર
ગયે શ્રી ચંદ્રપ્રભ થયા. તેમના પછી નેવું કરોડ સાગર વીત્યે શ્રી પુષ્પદંત થયા, તેમના
પછી નવ કરોડ સાગર વીત્યા ત્યારે શ્રી શીતળનાથ થયા. ત્યાર પછી કરોડ સાગર ઓછા
એકસો વર્ષે શ્રી શ્રેયાંસનાથ થયા. તેમના પછી ચોપ્પન સાગર વીત્યે શ્રી વાસુપૂજ્ય થયા.
ત્યારપછી ત્રીસ સાગર બાદ શ્રી વિમળનાથ થયા. પછી નવ સાગર વીત્યે શ્રી અનંતનાથ
થયા. તેમના પછી ચાર સાગર વીત્યા અને શ્રી ધર્મનાથ થયા. ત્યારબાદ ત્રણ સાગર
ઓછા પોણો પલ્ય કાળ વીતતાં શ્રી શાંતિનાથ થયા. તેમના પછી અર્ધો પલ્ય ગયે શ્રી
કુંથુનાથ થયા. તે પછી પા પલ્ય ઓછા હજાર કરોડ વર્ષે શ્રી અરનાથ થયા. તેમના પછી
એક હજાર કરોડ ઓછા પાંસઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ વીત્યાં ત્યારે શ્રી મલ્લિનાથ
થયા તેમના પછી ચોપ્પન લાખ વર્ષ વીત્યાં ત્યારે શ્રી મુનિ સુવ્રતનાથ થયા. તેમના પછી
છ લાખ વર્ષ વીતતાં શ્રી નમિનાથ થયા. તેમના પછી પાંચ લાખ વર્ષ વીતતા શ્રી
નેમિનાથ થયા. તેમના પછી ચોર્યાસી હજાર વર્ષ વીત્યે શ્રી પાર્શ્વનાથ થયા. તેમના પછી
અઢીસો વર્ષે શ્રી વર્ધમાન થયા. જ્યારે વર્ધમાન સ્વામી મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે ચોથા
કાળમાં ત્રણ વર્ષ, સાડા આઠ મહિના બાકી રહેશે અને જ્યારે શ્રી ઋષભદેવ મુક્તિ પામ્યા
હતા ત્યારે પણ એટલો જ સમય ત્રીજા કાળનો બાકી રહ્યો હતો. હે શ્રેણિક! ધર્મચક્રના
અધિપતિ, ઇન્દ્રના મુગટનાં રત્નોની જ્યોતિરૂપી જળથી જેમનાં ચરણકમળ ધોયાં છે તે શ્રી
વર્ધમાન મોક્ષ પધારશે પછી પાંચમો કાળ શરૂ થશે; જેમાં દેવોનું આગમન નહિ થાય અને
અતિશયધારક મુનિઓ નહિ થાય. કેવળજ્ઞાનની ઉત્પત્તિ નહિ થાય, ચક્રવર્તી, બળભદ્ર
અને નારાયણની ઉત્પત્તિ નહિ થાય; તમારા જેવા ન્યાયી રાજા નહિ રહે, અનીતિમાન
રાજા થશે, પ્રજાના માણસો, દુષ્ટ, મહા ધીઠ, પારકું ધન હરવામાં પ્રયત્નશીલ રહેશે,
શીલરહિત, વ્રતરહિત, અત્યંત કલેશ અને વ્યાધિથી ભરેલા મિથ્યાદ્રષ્ટિ, ઘોરકર્મી જીવો થશે,