Padmapuran (Gujarati). Parva 2 - Havey loksthiti mahadhikaar.

< Previous Page   Next Page >


Page 11 of 660
PDF/HTML Page 32 of 681

 

background image
પદ્મપુરાણ બીજું પર્વ ૧૧
સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું સોપાન છે, સર્વ પ્રકારનાં સુખ આપનાર છે. શ્રી રામચંદ્રાદિ
મહામુનિઓનું જે મનુષ્ય ચિંતવન કરે છે. અતિશય ભાવોથી નમ્ર થઇને પ્રમોદ ધારે છે, તેમના
અનેક જન્મોનાં સંચિત પાપનો નાશ થાય છે. સંપૂર્ણ પુરાણનું જે શ્રવણ કરે તેમનાં પાપ દૂર
થાય જ થાય. એમાં સંદેહ શેનો? કેવું છે પુરાણ? ચંદ્રમા સમાન ઉજ્જવળ છે. તેથી જે વિવેકી
ચતુર પુરુષ છે તેમણે આ ચરિત્રનું સેવન કરવું. કેવું છે ચરિત્ર? મહાન પુરુષોએ સેવવાયોગ્ય
છે. જેમ સૂર્ય વડે પ્રકાશિત માર્ગમાં સુનેત્રધારક પુરુષ શાનો ડગે?
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત પદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં પીઠબંધ વિધાન નામનું પ્રથમ પર્વ
પૂર્ણ થયું. ૧
* * *
(બીજું પર્વ)
હવે લોકસ્થિતિ મહાધિકાર
(વિપુલગિરિ ઉપર ભગવાન મહાવીરનું સમવસરણ - રાજા શ્રેણિક દ્વારા રામકથાનો પ્રશ્ન)
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધદેશ અતિ સુંદર છે. ત્યાં પુણ્યવાન લોકો વસે છે
અને ઇન્દ્રલોક સમાન સદા ભોગોપભોગ કરે છે. યોગ્ય વ્યવહારથી લોક પૂર્ણ મર્યાદારૂપ
પ્રવર્તે છે. ત્યાં સરોવરોમાં કમળો ખીલી રહ્યાં છે, ખેતરોમાં અમૃત સમાન મધુર શેરડી
શોભે છે, જાતજાતના અનાજના પર્વત જેવડા ઢગલા થઇ રહ્યા છે, રેંટના જળથી
સીંચવામાં આવતા ધાણા અને જીરૂના ખેતરો લીલાંછમ બની રહ્યા છે. ભૂમિ અત્યંત
ઉત્તમ છે, સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે. ચોખાના ક્યારા શોભી રહ્યા છે. મગ, મઠ
ઠેકઠેકાણે લહેરાઇ રહ્યા છે. ઘઉં વગેરે સર્વ પ્રકારનાં અનાજને કોઇ પ્રકારનું વિધ્ન નથી.
ત્યાં ભેંસની પીઠ ઉપર બેસીને ગોવાળિયા ગીત ગાઇ રહ્યા છે. અનેક રંગવાળી ગાયોના
ગળામાં બાંધેલી ઘંટડીઓ રણઝણી રહી છે. દૂધઝરતી તે અત્યંત શોભે છે. ત્યાં ધરતી
દૂધમય બની ગઇ છે. અત્યંત સ્વાદિષ્ટ ઘાસ ચરીને ગાયો, ભેંસો પુષ્ટ બની છે. શ્યામસુંદર
હજારો હરણો ફરી રહ્યા છે. જાણે કે ઇન્દ્રનાં હજારો નેત્રો ન ફરતાં હોય? ત્યાં પ્રાણીઓને
કોઇ બાધા નથી. જૈન ધર્મવાળા રાજ્ય કરે છે, વનપ્રદેશ કેતકીની ધૂળથી રગદોળાઈ રહ્યા
છે. ગંગાના કિનારા સમાન ઉજ્જવળ શોભે છે, ત્યાં કેસરની ક્યારીઓ અતિ મનોહર છે,
ઠેકઠેકાણે નાળિયેરનાં વૃક્ષો છે, અનેક પ્રકારનાં શાકભાજીઓથી ખેતરો લીલાંછમ બની
ગયાં છે. વનપાળ નારિયેળ વગેરે મેવાનો આસ્વાદ લઇ રહ્યા છે, દાડમના અનેક વૃક્ષો છે,
ત્યાં પોપટ, મેના વગેરે પક્ષીઓ જાતજાતનાં ફળોનું ભક્ષણ કરે છે, વાંદરાઓ આનંદથી
કિલ્લોલ કરે છે. બીજોરાનાં વૃક્ષ ફાલેફૂલે છે. અનેક જાતનાં વૃક્ષોનાં સ્વાદિષ્ટ ફળોનો રસ
પીને પક્ષીઓ સુખી સૂવે છે. દ્રાક્ષના માંડવા છાઇ રહ્યા છે. વનમાં દેવ વિહાર કરે છે,
પ્રવાસીઓ ખજૂરનું ભક્ષણ કરે છે. કેળાના વન ફાલ્યા છે, ઊચાં ઊંચા અર્જુન વૃક્ષોનાં વન શોભે
છે અને નદીના તટ ગોકુળના શબ્દથી રમણીય લાગે છે. નદીઓમાં માછલીઓ કલ્લોલ