Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 660
PDF/HTML Page 33 of 681

 

background image
૧૨ બીજું પર્વ પદ્મપુરાણ
કરે છે. તરંગો ઊઠી રહ્યા છે. જાણે કે નદી નૃત્ય કરી રહી હોય. હંસોના મધુર શબ્દથી
જાણે નદી ગીત ગાઇ રહી હોય એવું લાગે છે. ત્યાં સરોવરના કિનારે સારસ પક્ષી ક્રીડા
કરે છે. વસ્ત્ર, આભૂષણ, સુગંધાદિ સહિત મનુષ્યો શોભી રહ્યા છે, કમળો ખીલી રહ્યાં છે,
અનેક પ્રાણીઓ ક્રીડા કરે છે, હંસોનાં ટોળાં ઉત્તમ મનુષ્યોના ગુણો સમાન ઉજ્જવળ રંગ,
સુંદર શબ્દ અને સુંદર ચાલથી વનને ધવલ બનાવી રહ્યા છે. જ્યાં કોયલના મધુર ટહુકાર
અને ભમરાઓના ગુંજનથી, મોરના મધુર શબ્દસંગીતથી, વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોના
અવાજથી દશે દિશાઓ રમણીય બની ગઇ છે, તે દેશ ગુણવાન પુરુષોથી ભરેલો છે. તેમાં
દયાળુ ક્ષમાશીલ, શીલવાન, ઉદારચિત્ત, તપસ્વી, ત્યાગી, વિવેકી, સદાચારી લોકો વસે છે.
મુનિઓ અને આર્યિકાઓ વિહાર કરે છે. ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ વસે છે, જે પૂર્ણિમાના
ચંદ્ર સમાન નિર્મળ ચિત્તવૃત્તિવાળાં છે. મોતીસમાન ઉજ્જવળ છે, આનંદદાયક છે. તે દેશમાં
મોટા મોટા ગૃહસ્થો વસે છે, જે કલ્પવૃક્ષસમાન છે, અનેક પથિકોને તેમણે તૃપ્ત કર્યા છે,
ત્યાં અનેક શુભ ગ્રામ છે, તેમાં કુશળ કૃષિકારો વસે છે. તે દેશમાં કસ્તૂરી, કપૂરાદિ અનેક
સુગંધી દ્રવ્યો મળે છે અને ભાતભાતનાં વસ્ત્રાભૂષણોથી શોભિત નરનારીઓ ઘૂમી રહ્યાં
છે, જો કે દેવદેવીઓ જ ન હોય! ત્યાં જિનવચનરૂપી આંજણથી મિથ્યાત્વરૂપી દ્રષ્ટિવિકાર
દૂર થાય છે અને મહામુનિઓના તપરૂપી અગ્નિથી પાપરૂપીવન ભસ્મ થાય છે. એવો
ધર્મરૂપ મહામનોહર મગધ નામનો દેશ આવેલો છે.
મગધદેશમાં રાજગૃહ નામનું મહામનોહર, પુષ્પોની સુવાસથી મહેકતું, અનેક
સંપદાઓથી ભરેલું, જાણે કે ત્રણ લોકનું યૌવન જ હોય તેવું, ઇન્દ્રના નગર સમાન
મનમોહક છે. ઇન્દ્રના નગરમાં ઇન્દ્રાણી શરીરે કુમકુમનો લેપ કરે છે અને આ નગરમાં
રાજાની રાણી સુગંધી પદાર્થોનો શરીર પર લેપ કરે છે. તે રાણીનું નામ મહિષી છે.
ભેંસને પણ મહિષી કહેવાય છે. અહીં ભેંસો પણ કેસરની ક્યારીઓમાં આળોટીને કેસરથી
ખરડાયેલી વિચરે છે. અહીં સુંદર, ઉજ્જવળ ઘરોની પંક્તિઓ છે, મકાનો ટાંકણાથી ઘડેલા
સફેદ પાષાણની શિલાઓથી બનાવેલાં છે. જાણે કે ચંદ્રકાન્તમણિથી નગર બન્યું છે.
મુનિઓને આ નગર તપોવન ભાસે છે, વેશ્યાઓને કામમંદિર, નૃત્ય કરનારીઓને
નૃત્યમંદિર અને વેરીઓને યમપુર લાગે છે. આ નગર સુભટોને માટે વીરોનું સ્થાન,
યાચકોનો ચિંતામણિ, વિદ્યાર્થીઓને માટે ગુરુગૃહ, ગીતકળાના પાઠકોનું ગંધર્વનગર,
ચતુરજનોને સર્વ પ્રકારની કળા શીખવાનું સ્થળ અને ઠગોને ધૂર્તોનું ઘર લાગે છે. સંતોને
સાધુઓનો સંગમ અહીં થાય છે, વેપારીઓને લાભભૂમિ, શરણાગતોને વજ્રપિંજર,
નીતિવેત્તાઓને નીતિનું મંદિર, જિજ્ઞાસુઓને જિજ્ઞાસા તૃપ્ત કરવાનું સ્થાન, કામિનીઓને
અપ્સરાનું નગર, સુખી લોકોને આનંદનું નિવાસ જણાય છે. ત્યાં ગજગામિની, શીલવંતી,
વ્રતધારિણી, રૂપવાન અનેક સ્ત્રીઓ વસે છે. તેમના શરીરની પ્રભા પદ્મરાગમણિ જેવી છે,
તેમનાં મુખ ચંદ્રકાન્તમણિ જેવાં છે, અંગ સુકુમાર છે, પતિવ્રતા છે, વ્યભિચારીઓને
અગમ્ય છે, મહાસુંદર છે, મિષ્ટભાષી છે.