Padmapuran (Gujarati). Parva 36 - Laxmanney Vanmalani prapti.

< Previous Page   Next Page >


Page 319 of 660
PDF/HTML Page 340 of 681

 

background image
પદ્મપુરાણછત્રીસમું પર્વ ૩૧૯
હજાર ગાય અને રત્નોથી પૂર્ણ ઘર અને ઘરના બાળકને સ્ત્રીને સોંપી પોતે સર્વ આરંભનો
ત્યાગ કરી દિગંબર મુનિ થયા, સ્વામી આનંદમતિના શિષ્ય થયા. આનંદમતિ જગતમાં
પ્રસિદ્ધ, તપોનિધિ, ગુણ અને શીલના સાગર છે. આ કપિલ મુનિ ગુરુની આજ્ઞા પ્રમાણે
ઉગ્ર તપ કરવા લાગ્યા. સુંદર ચારિત્રનો ભાર ધારણ કરી, જેનું મન પરમાર્થમાં લીન છે
અને વૈરાગ્યની વિભૂતિથી જેનું શરીર સાધુપદ શોભાવે છે. જે વિવેકી આ કપિલની કથા
વાંચે, સાંભળે છે તેને અનેક ઉપવાસનું ફળ મળે છે, સૂર્ય સમાન તેની પ્રભા ફેલાય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં દેવો વડે નગર વસાવવું અને
કપિલ બ્રાહ્મણના વૈરાગ્યનું વર્ણન કરનાર પાંત્રીસમું પર્વ પૂર્ણ થયું.
* * *
છત્રીસમું પર્વ
(લક્ષ્મણને વનમાલાની પ્રાપ્તિ)
વર્ષાઋતુ હવે પૂર્ણ થઈ. મહાઅંધકારરૂપ શ્યામ ઘટાથી જ્યાં અનરાધાર જળ
વરસતું હતું અને વીજળીના ચમકારા થતા હતા તે ભયંકર વર્ષાઋતુ પૂર્ણ થઈ. શરદઋતુ
પ્રગટ થઈ. દશે દિશા ઉજ્જવળ થઈ. અહીંથી ચાલવાનું જેમને મન છે એવા શ્રી રામને તે
યક્ષાધિપતિએ કહ્યું કે હે દેવ! અમારી સેવામાં કાંઈ ખામી રહી હોય તો ક્ષમા કરજો.
તમારા જેવા પુરુષની સેવા કરવાને કોણ સમર્થ છે? રામે કહ્યું કે હે યક્ષાધિપતે! તમે સર્વ
બાબતોમાં યોગ્ય છો અને તમે પરાધીન થઈને અમારી સેવા કરી તો અમને ક્ષમા કરજો.
યક્ષ શ્રી રામના ઉત્તમ ભાવ જોઈને અત્યંત હર્ષ પામ્યો. તેમને નમસ્કાર કરી સ્વયંપ્રભ
નામનો હાર ભેટ આપ્યો, લક્ષ્મણને અદ્ભુત મણિકુંડળ સૂર્યચંદ્ર જેવા ભેટ આપ્યાં અને
સીતાને કલ્યાણ નામનો અત્યંત દેદીપ્યમાન ચૂડામણિ આપ્યો, તેમ જ અત્યંત મનોહર
મનવાંછિત નાદ કરનારી દેવોપુનિત વીણા આપી. તેઓ પોતાની ઇચ્છાથી ચાલ્યા. યક્ષરાજે
પુરી સંકોચી લીધી અને એમના જવાથી ખૂબ દુઃખી થયો. શ્રી રામચંદ્ર યક્ષની સેવાથી
અત્યંત પ્રસન્ન થઈને આગળ ચાલ્યા. દેવોની જેમ આનંદ કરતાં, નાના પ્રકારની કથામાં
આસક્ત, જાતજાતનાં ફળોના રસ પીતાં, પોતાની ઇચ્છાનુસાર પૃથ્વી પર ભ્રમણ કરતાં,
મૃગરાજ અને ગજરાજથી ભરેલા મહાભયાનક વનને પાર કરી તેઓ વિજયપુર નામના
નગરમાં પહોંચ્યા. તે સમયે સૂર્યાસ્ત થયો હતો, અંધકાર ફેલાયો હતો, આકાશમાં નક્ષત્રો
પ્રગટયાં હતાં. ત્યારે તેઓ નગરની ઉત્તર દિશામાં આવેલા ન બહુ દૂર કે ન અતિ નિકટ,
કાયર લોકોને ભયાનક જણાતા ઉદ્યાનમાં બિરાજ્યા.
તે નગરના રાજા પૃથ્વીધરની રાણી ઇન્દ્રાણીની પુત્રી વનમાલા બાલ્યાવસ્થાથી જ
લક્ષ્મણના ગુણ સાંભળીને તેના પ્રત્યે આકર્ષાણી હતી. જ્યારે સાંભળ્‌યું કે દશરથે દીક્ષા લીધી