Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 320 of 660
PDF/HTML Page 341 of 681

 

background image
૩૨૦ છત્રીસમું પર્વ પદ્મપુરાણ
છે, કૈકેયીના વચનથી ભરતને રાજ્ય આપ્યું છે, રામ અને લક્ષ્મણ પરદેશ જવા નીકળ્‌યા
છે ત્યારે તેના પિતાએ કન્યા ઇન્દ્રનગરના રાજાના પુત્ર બાલમિત્રને આપવાનો વિચાર
કર્યો. આ વાત વનમાલાએ સાંભળી. તેના હૃદયમાં તો લક્ષ્મણ બિરાજે છે. તેણે મનમાં
વિચાર્યું કે ભલે ગળે ફાંસો દે, મરવું સારું, પણ અન્ય પુરુષનો સંબંધ શુભ નથી. તે આ
વિચાર જાણે કે સૂર્યને સંભળાવતી હતી કે હે સૂર્ય! તમે અસ્ત થઈ જાવ, શીઘ્ર રાત્રિને
મોકલો. હવે દિવસની એક ક્ષણ મને વર્ષ સમાન લાગે છે. જાણે કે એના ચિંતવનથી જ
સૂર્ય અસ્ત થઈ ગયો. કન્યાએ ઉપવાસ કર્યો છે, સંધ્યાસમયે તે માતાપિતાની આજ્ઞા લઈ
શ્રેષ્ઠ રથમાં બેસી, વનયાત્રાનું બહાનું કાઢી રાત્રે જ્યાં રામ-લક્ષ્મણ રહ્યા હતા તે વનમાં
આવીને જાગરણ કર્યું. જ્યારે બધા લોકો સૂઈ ગયા ત્યારે તે મંદ પગલે ચાલતી, વનની
મૃગલીની જેમ તંબૂમાંથી બહાર નીકળી વનમાં ચાલી. તે મહાસતી પદ્મિની હતી, તેના
શરીરની સુગંધથી વન સુગંધિત બની ગયું. લક્ષ્મણ વિચારવા લાગ્યા કે આ કોઈ શ્રેષ્ઠ
રાજકુમારી જાણે કે પ્રકાશની મૂર્તિ છે, તેનું મન અત્યંત શોકના ભારથી પિડાય છે અને
એ આપઘાત કરીને મરવા જતી જણાય છે. હું છુપાઈને એની ચેષ્ટા જોઈશ. આમ
વિચારીને છૂપાઈને તે વડના વૃક્ષ નીચે બેઠા, જાણે કે કૌતુકયુક્ત દેવ કલ્પવૃક્ષ નીચે બેઠા
હોય. હંસ જેવી ચાલવાળી, ચંદ્રમા જેવા વદનવાળી, કોમલાંગી વનમાલા તે જ વડ નીચે
આવી, વસ્ત્ર જળમાં ભીંજવીને ફાંસી બનાવી અને મધુર વાણીમાં કહેવા લાગી. હે આ
વૃક્ષના નિવાસી દેવ! કૃપા કરીને મારી વાત સાંભળો. કદાચ વનમાં વિચરતા લક્ષ્મણ
આવે તો તમે એને એમ કહેજો કે તમારા વિરહથી અત્યંત દુઃખી વનમાલા તમારામાં
પોતાનું ચિત્ત જોડીને વડના વૃક્ષ પર વસ્ત્રની ફાંસી લગાવીને મરણ પામી છે, અમે એને
જોઈ છે અને તમને આ સંદેશો કહ્યો છે કે આ ભવમાં તો તમારો સંયોગ મને ન થયો,
હવે પરભવમાં તમે જ મારા પતિ થજો. આમ બોલીને વૃક્ષની ડાળી સાથે ગાળિયો
નાખીને પોતે ગળે ફાંસો ખાવા જાય છે તે જ વખતે લક્ષ્મણ કહેવા લાગ્યોઃ હે મુગ્ધે!
મારી ભુજામાં આલિંગન લેવા યોગ્ય તારા ગળામાં ફાંસી શા માટે નાખે છે? હે
સુંદરવદની, પરમસુંદરી! હું લક્ષ્મણ છું. જે તારા સાંભળવામાં આવ્યું છે તે જો અને
પ્રતીતિ ન આવે તો નિશ્ચય કરી લે. આમ કહીને હાથ વડે ફાંસી લઈ લીધી. ત્યારે તે
લજ્જાયુક્ત પ્રેમની દ્રષ્ટિથી લક્ષ્મણને જોઈને મોહિત થઈ. લક્ષ્મણનું રૂપ જગતના નેત્રને
હરનારું છે. તે ખૂબ આશ્ચર્ય પામીને મનમાં વિચારવા લાગી કે આ મારા ઉપર કોઈ દેવે
ઉપકાર કર્યો, મારી અવસ્થા જોઈને દયાળુ બન્યા, જેવું મેં સાંભળ્‌યું હતું તે પ્રમાણે
દૈવયોગથી આ નાથ મળ્‌યા, જેમણે મારા પ્રાણ બચાવ્યા. આમ વિચારતી વનમાલા
લક્ષ્મણના મેળાપથી અત્યંત અનુરાગ પામી.
પછી અત્યંત સુગંધી, કોમળ પથારીમાં શ્રી રામચંદ્ર સૂતા હતા તે જાગ્યા. તેમણે
લક્ષ્મણને ન જોયા એટલે જાનકીને પૂછયું, હે દેવી! અહીં લક્ષ્મણ દેખાતા નથી રાત્રે મારા
માટે પુષ્પ અને પલ્લવોની કોમળ શય્યા બનાવીને પોતે અહીં જ બેઠા હતા તે અત્યારે
દેખાતા નથી.