રામ, રામ એવો અવાજ કર્યો. ત્યારે રામે જાણ્યું કે આ સિંહનાદ લક્ષ્મણે કર્યો છે, એમ
જાણીને તેમના ચિત્તમાં વ્યાકુળતા થઈ, એમને લાગ્યું કે ભાઈને ભીડ પડી છે. પછી રામે
જાનકીને કહ્યું કે હે પ્રિયે! ભય ન પામીશ, થોડી વાર રહે. આમ કહીને તેને નિર્મળ
ફૂલોમાં છુપાવી દીધી અને જટાયુને કહ્યું કે હે મિત્ર! આ સ્ત્રી અબળા જાતિ છે, એની
રક્ષા કરજે. તું અમારો મિત્ર છો, સહધર્મી છો. આમ કહીને પોતે ધનુષબાણ લઈને
ચાલ્યા. તે વખતે અપશુકન થયા, તેને પણ ગણકાર્યા નહિ. મહાસતીને એકલી વનમાં
મૂકીને તરત જ ભાઈ પાસે ગયા. મહારણમાં ભાઈની આગળ જઈને ઊભા રહ્યા. તે
વખતે રાવણ સીતાને ઉપાડી જવા માટે આવ્યો, જેમ મદમસ્ત હાથી કમલિનીને લેવા
આવે. કામરૂપ અગ્નિથી જેનું મન પ્રજ્વલિત છે, જેની બુદ્ધિ ધર્મની બધી રીત ભૂલી ગઈ
છે એવો તે સીતાને ઉપાડી પુષ્પક વિમાનમાં મૂકવા લાગ્યો ત્યારે જટાયુ પક્ષી સ્વામીની
પત્નીને તેને હરી જતો જોઈને ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થઈ ગયો. તે ઊડીને અત્યંત વેગથી
રાવણ પર પડયો, તીક્ષ્ણ નખની અણી અને ચાંચથી રાવણની છાતી રુધિરમય કરી નાખી
અને પોતાની કઠોર પાંખથી રાવણનાં વસ્ત્ર ફાડી નાખ્યાં, રાવણનું આખું શરીર ખેદખિન્ન
થઈ ગયું. રાવણને લાગ્યું કે આ સીતાને છોડાવશે અને મુશ્કેલી ઊભી કરશે એટલામાં
આનો ધણી આવી પહોંચશે. તેથી એને મનોહર વસ્તુનો અવરોધ જાણીને અત્યંત ક્રોધથી
હાથની ઝપટ મારી. અતિકઠોર હાથના પ્રહારથી પક્ષી વિહ્વળ થઈ પોકાર કરતું પૃથ્વી પર
પડયું અને મૂર્ચ્છિત બની ગયું. પછી રાવણ જનકસુતાને પુષ્પક વિમાનમાં મૂકીને પોતાના
સ્થાન પર લઈને ચાલ્યો ગયો. હે શ્રેણિક! જોકે રાવણ જાણે છે કે આ કાર્ય યોગ્ય નથી
તો પણ કામને વશ થયેલો સર્વ વિચાર ભૂલી ગયો. મહાસતી સીતા પોતાને પરપુરુષ
દ્વારા હરાયેલી જાણીને, રામના અનુરાગથી જેનું ચિત્ત ભીંજાયેલું છે તે અત્યંત શોક પામી,
દુઃખરૂપ વિલાપ કરવા લાગી. રાવણ તેને પોતાના પતિમાં અનુરક્ત જાણી અને રુદન
કરતી જોઈને કંઈક ઉદાસ થઈને વિચારવા લાગ્યો કે આ સતત રડયા કરે છે અને
વિરહથી વ્યાકુળ છે, પોતાના પતિના જ ગુણ ગાય છે, એને અન્ય પુરુષના સંયોગની
અભિલાષા નથી તેવી સ્ત્રી અવધ્ય છે તેથી હું એને મારી શકીશ નહિ અને કોઈ મારી
આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો હું તેને મારું. મેં સાધુ પાસે વ્રત લીધું હતું કે જો પરસ્ત્રી મને ન
ઇચ્છે તો તેને હું સેવીશ નહિ માટે મારે વ્રત દ્રઢ રાખવું જોઈએ. આને જ કોઈ ઉપાયથી
પ્રસન્ન કરું. ઉપાય કરવાથી તે પ્રસન્ન થશે. જેમ ક્રોધી રાજાને તરત જ પ્રસન્ન ન કરી
શકાય તેમ હઠીલી સ્ત્રીને પણ વશ ન કરી શકાય. દરેક વસ્તુ યત્નથી સિદ્ધ થાય છે.
મનવાંછિત વિદ્યા, પરલોકની ક્રિયા અને મનગમતી સ્ત્રી યત્નથી સિદ્ધ થાય છે એમ
વિચારીને રાવણ સીતાને પ્રસન્ન કરવાનો સમય શોધવા લાગ્યો. કેવો છે રાવણ? જેનું
મરણ નજીક આવ્યું છે એવો.