એકલી મૂકીને આવ્યા? આ વન અનેક વિગ્રહથી ભરેલું છે. ત્યારે રામે કહ્યું કે હું તારો
સિંહનાદ સાંભળીને તરત જ આવ્યો છું. લક્ષ્મણે કહ્યું કે આપે આ સારું નથી કર્યું, હવે
શીઘ્ર જ્યાં જાનકી છે ત્યાં જાવ, ત્યારે રામે જાણ્યું કે લક્ષ્મણ ભાઈ તો મહાધીર છે. એને
શત્રુનો ભય નથી અને તેને કહ્યું તે તું પરમ ઉત્સાહરૂપ છે, તું બળવાન વેરીને જીત, એમ
કહીને પોતે જેને સીતા વિશે શંકા ઉપજી છે તે ચંચળચિત્ત બનીને જાનકીની દિશા તરફ
ચાલ્યા. ક્ષણમાત્રમાં આવીને જોયું તો જાનકી નહોતાં. તેમણે પ્રથમ તો વિચાર્યું કે કદાચ
સ્થળનું ધ્યાન રહ્યું નથી. પછી નક્ક્ી કરીને જોયું તો સીતા ન મળે. ત્યારે તે ‘હે સીતા!’
એમ બોલી મૂર્ચ્છા ખાઈને ધરતી પર પડી ગયા. પછી તે જાગ્રત થઈ, વૃક્ષો તરફ દ્રષ્ટિ
કરી પ્રેમથી ભરેલા તે ખૂબ વ્યાકુળ બનીને બોલવા લાગ્યા, હે દેવી! તું ક્યાં ગઈ? કેમ
બોલતી નથી? બહુ જ મશ્કરી કરવાથી શો ફાયદો? વૃક્ષોની પાછળ બેઠી હો તો તરત જ
આવતી રહે, ક્રોધ કરવાથી શો લાભ છે? હું તો તારી પાસે શીઘ્ર જ આવી ગયો છું. હે
પ્રાણ વલ્લભે! આ તારો ગુસ્સો અમને સુખનું કારણ નથી. આ પ્રમાણે વિલાપ કરતા ફરે
છે. ત્યાં એક નીચાણવાળી જગ્યામાં જટાયુને મરવાની અણી પર જોયો. પોતે પક્ષીને
જોઈને અત્યંત ખેદખિન્ન થઈ, તેની સમીપે બેસીને તેને નવકારમંત્ર સંભળાવ્યો અને
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર આરાધના સંભળાવી, અરિહંત, સિદ્ધ, સાધુ અને
કેવળીપ્રણીત ધર્મનું શરણ લેવરાવ્યું. પક્ષી, જેણે શ્રાવકનાં વ્રત લીધાં હતાં તે શ્રી રામના
અનુગ્રહથી સમાધિમરણ કરીને સ્વર્ગમાં દેવ થયો અને પરંપરાએ મોક્ષે જશે. પક્ષીના
મરણ પછી જોકે પોતે જ્ઞાની હોવા છતાં ચારિત્રમોહને વશ થઈને ખૂબ શોક કરતાં એકલા
વનમાં પ્રિયાના વિયોગના દાહથી મૂર્ચ્છા ખાઈને પડયા. પછી સચેત થઈ અત્યંત વ્યાકુળ
બની મહાસીતાને ગોતતાં ફરવા લાગ્યા, નિરાશ થયા અને દીન વચન બોલવા લાગ્યા,
જેમ ભૂતાવેશથી યુક્ત પુરુષ વૃથા આલાપ કરે છે. લાગ જોઈને ભયંકર વનમાં કોઈ
પાપીએ જાનકીનું હરણ કર્યું, તે બહુ વિપરીત કર્યું છે, મને મારી નાખ્યો. હવે જે કોઈ
મને પ્રિયાનો મેળાપ કરાવે અને મારો શોક દૂર કરે તેના જેવો મારો પરમ બાંધવ કોઈ
નથી. હે વનનાં વૃક્ષો! તમે જનકસુતાને જોઈ? ચંપાના પુષ્પ જેવો તેનો રંગ છે, કમળદળ
જેવાં લોચન છે, સુકુમાર ચરણ છે, નિર્મળ સ્વભાવ છે, ઉત્તમ ચાલ છે, ચિત્તનો ઉત્સવ
કરનારી છે, કમળના મકરંદ સમાન મુખનો સુગંધી શ્વાસ છે, સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે. આવી
સીતાને તમે પહેલાં ક્યાંય જોઈ હોય તો કહો. આ પ્રમાણે તે વનનાં વૃક્ષોને પૂછે છે, પણ
તે એકેન્દ્રિય વૃક્ષ શો ઉત્તર આપે? ત્યારે સીતાના ગુણોથી જેનું મન હરાયું છે એવા રામ
ફરી વાર મૂર્ચ્છા ખાઈને ધરતી પર પડયા, પાછા જાગ્રત થઈને અત્યંત ક્રોધાયમાન થઈ
વજ્રાવર્ત ધનુષ હાથમાં લીધું, પણછ ચડાવી, ટંકાર કર્યો. આથી દશે દિશાઓ અવાજથી
ભરાઈ ગઈ. સિંહોને ભય ઉપજાવનાર નરસિંહે ધનુષનો નાદ કર્યો અને સિંહ ભાગી ગયા,
હાથીઓનો મદ ઊતરી ગયો. વળી ધનુષ ઉતારી, અત્યંત વિષાદ પામી, બેસીને પોતાની