નકામા જઈને પ્રિયાને ખોઈ. જેમ મૂઢ જીવ કુશ્રુતનું શ્રવણ કરી, વિશ્વાસ લાવી અવિવેકી
થઈ શુભગતિને ખોવે છે તે મૂઢને ખોવાનું તો આશ્ચર્ય નથી, પરંતુ હું ધર્મબુદ્ધિવાળો,
વીતરાગના માર્ગનો શ્રદ્ધાની, સમજણ ગુમાવી અસુરની માયાથી મોહિત થયો, એ
આશ્ચર્યની વાત છે. જેમ આ ભવવનમાં અત્યંત દુર્લભ મનુષ્યનો દેહ મહાન પુણ્ય કર્મથી
મળે છે તેને વૃથા ગુમાવે તે ફરી ક્યારે મેળવે? ત્રણ લોકમાં દુર્લભ મહાન રત્નને
સમુદ્રમાં ફેંકી દે, પછી ક્યાંથી મેળવે? તેમ પત્નીરૂપી અમૃત મારા હાથમાંથી ગયું છે. હવે
કયા ઉપાયથી મળે? આ નિર્જન વનમાં કોને દોષ આપું? હું તેને છોડીને ભાઈ પાસે
ગયો તેથી કદાચ ગુસ્સે થઈને આર્યિકા થઈ ગઈ હોય. વનમાં કોઈ મનુષ્ય નથી, કોને
જઈને પૂછું, કે જે મને મારી સ્ત્રીની વાત કરે. એવો કોઈ આ લોકમાં દયાળું શ્રેષ્ઠ પુરુષ
છે, જે મને સીતા દેખાડે. તે મહાસતી, શીલવાન, સર્વ પાપરહિત મારા હૃદયને પ્રિય એવી
તેના વિરહથી મારું મનરૂપ મંદિર અગ્નિની પેઠે જલે છે, તેની વાર્તારૂપી જળનું દાન કરી
મને કોણ ઠારે? એમ કહી અત્યંત ઉદાસ, ધરતી તરફ જેમની દ્રષ્ટિ છે, વારંવાર કંઈક
વિચાર કરીને નિશ્ચળ થઈને બેઠા. પાસે જ એક ચકવીનો અવાજ સાંભળ્યો, તે સાંભળી
તેની તરફ જોયું. પછી વિચાર્યું કે આ ગિરિનો તટ અત્યંત સુગંધી થઈ રહ્યો છે તેથી તે
તરફ જ ગઈ હશે અથવા આ કમળનું વન છે ત્યાં કુતૂહલથી ગઈ હોય. પહેલાં તેણે આ
વન જોયું હતું. તે સ્થાનક મનોહર છે, જાતજાતનાં પુષ્પોથી ભરેલું છે, કદાચ ત્યાં ક્ષણવાર
ગઈ હોય એમ વિચારીને પોતે ત્યાં ગયા. ત્યાં પણ સીતાને ન જોઈ, ચકવીને જોઈ ત્યારે
વિચાર કર્યો કે તે પતિવ્રતા મારા વિના એકલી ક્યાં જાય? પછી વ્યાકુળતા પામી પર્વતને
પૂછવા લાગ્યા કે હે ગિરિરાજ! તું અનેક ધાતુઓથી ભરેલો છો, હું રાજા દશરથનો પુત્ર
રામચંદ્ર તને પૂછું છું. જેના કમળ જેવાં નેત્ર છે તે સીતા મારા મનને પ્યારી, હંસગામિની,
સુંદર સ્તનના ભારથી જેનું અંગ નમેલું છે, બિંબફળ જેવા અધર, સુંદર નિતંબ એવી તેને
તે ક્યાં જોઈ? તે ક્યાં છે? પણ પહાડ શો જવાબ આપે? એના શબ્દનો પડઘો માત્ર
પડયો. ત્યારે તેમણે જાણ્યું કે આણે કાંઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો, લાગે છે કે એણે જોઈ
નથી. તે મહાસતી કાળધર્મ પામી હશે? આ નદી પ્રચંડ તરંગોવાળી, અત્યંત વેગથી વહે
છે, અવિવેકી તેણે મારી સ્ત્રીનું હરણ કર્યું હશે, જેમ પાપની ઇચ્છા વિદ્યાને હરે છે અથવા
કોઈ ક્રૂર સિંહ ભૂખથી આતુર બની તેને ખાઈ ગયો હોય. તે ધર્માત્મા સાધુઓની સેવા
કરનાર સિંહાદિકને દેખતાં જ નખાદિના સ્પર્શ વિના જ પ્રાણ છોડે એવી છે. મારો ભાઈ
ભયાનક યુદ્ધમાં લડી રહ્યો છે તેના જીવવાનો પણ સંશય જ છે. આ સંસાર અસાર છે
અને સર્વ જીવરાશિ સંશયરૂપ જ છે. અહો! આ મોટું આશ્ચર્ય છે કે હું સંસારનું સ્વરૂપ
જાણું છું અને દુઃખમય થઇ ગયો છું. એક દુઃખ પૂરું થતું નથી અને બીજું આવી જાય છે.
તેથી લાગે છે કે આ સંસાર દુઃખનો સાગર જ છે. જેમ લંગડા પગને કાપવો, બળી
મરેલાને ભસ્મ કરવો અને પડતાને ખાડામાં નાખવો. રામચંદ્રજીએ