મહાસતી સુતારાએ પોતાના સેવકને કહ્યું કે આ કોઈ દુષ્ટ વિદ્યાધર વિદ્યાથી મારા પતિનું
રૂપ બનાવીને આવે છે, તે પાપથી પૂર્ણ છે, માટે કોઈ એનો આદરસત્કાર કરશો નહિ. તે
પાપી નિઃશંકપણે જઈને સુગ્રીવના સિંહાસન પર બેઠો અને તે જ સમયે સુગ્રીવ પણ
આવ્યો અને પોતાના માણસોને ચિંતાવાળા જોયા ત્યારે વિચાર કર્યો કે મારા ઘરમાં શેનો
વિષાદ છે? લોકો મલિન મુખે ઠેરઠેર ભેગા થઈ ગયા કદાચ, અંગત મેરુનાં ચૈત્યાલયોની
વંદના માટે સુમેરુ પર્વત પર ગયો હતો તે પાછો ન આવ્યો હોય અથવા રાણીએ કોઈના
ઉપર રોષ કર્યો હોય અથવા જન્મ-જરા-મરણથી ભયભીત વિભીષણ વૈરાગ્ય પામ્યો હોય
અને એનો વિષાદ હોય, આમ વિચારીને તે દરવાજા પાસે આવ્યો, રત્નમયી દ્વાર ગીત-
સંગીત વિનાનું જોયું, લોકોને સચિંત જોયા. તેણે મનમાં વિચાર્યું કે આ માણસો કોઈ
બીજા જ થઈ ગયા છે. મહેલમાં સ્ત્રીઓની વચ્ચે પોતાના જેવું રૂપ બનાવીને બેઠેલા દુષ્ટ
વિદ્યાધરને જોયો. તેણે સુંદર હાર પહેર્યા હતા, દિવ્ય વસ્ત્રો મુગટની કાંતિમાં પ્રકાશરૂપ
જણાતાં હતાં. ત્યારે સુગ્રીવ વર્ષાકાળનો મેઘ ગાજે તેમ ક્રોધથી ગર્જ્યો અને નેત્રોની
લાલશથી દશે દિશાઓ સંધ્યા ખીલે તેમ લાલ થઈ ગઈ. ત્યારે પેલો પાપી કૃત્રિમ સુગ્રીવ
પણ ગર્જ્યો અને જેમ મદમસ્ત હાથી મદથી વિહ્વળ થઈને ગર્જે તેમ કામથી વિહ્વળ થઈ
સુગ્રીવ સાથે લડવા માટે ઊઠયો, બન્ને હોઠ કરડતા, ભ્રુકુટિ ચડાવીને યુદ્ધ કરવા તૈયાર
થયા. ત્યારે શ્રીચંદ્ર આદિ મંત્રીઓએ તેમને રોક્યા અને પટરાણી સુતારા પ્રગટપણે કહેવા
લાગી કે આ કોઈ દુષ્ટ વિદ્યાધર મારા પતિનું રૂપ લઈને આવ્યો છે. દેહ, બળ અને
વચનોની કાંતિથી સમાન બન્યો છે. પરંતુ માર પતિમાં મહાપુરુષોનાં લક્ષણો છે તે
આનામાં નથી; જેમ ઘોડા અને ગધેડાની સમાનતા હોતી નથી તેમ મારા પતિ અને
આની વચ્ચે સમાનતા નથી. રાણી સુતારાના આ પ્રકારનાં વચનો સાંભળીને પણ કેટલાક
મંત્રીઓએ જેમ નિર્ધનની વાત ધનવાન ન માને તેમ તેની વાત માની નહિ. સરખું રૂપ
જોઈને જેમનું ચિત્ર હરાઈ ગયું છે એવા તે બધા મંત્રીઓએ ભેગા થઈને સલાહ કરી કે
પંડિતોએ આટલાનાં વચનોનો વિશ્વાસ ન કરવો-બાળક, અતિવૃદ્ધ, સ્ત્રી, દારૂડિયો,
વેશ્યાસક્ત, એમનાં વચન પ્રમાણ ન હોય. અને સ્ત્રીઓએ શીલની શુદ્ધિ રાખવી, શીલની
શુદ્ધિ વિના ગોત્રની શુદ્ધિ નથી, સ્ત્રીઓને શીલનું જ પ્રયોજન છે માટે રાજકુટુંબમાં
બન્નેએ ન જવું, બહાર જ રહેવું. ત્યારે એમનો પુત્ર અંગ તો માતાનાં વચનથી એમના
પક્ષમાં આવ્યો અને જાંબુનંદ કહે છે કે અમે પણ એમની સાથે જ રહ્યા. એ એમનો બીજો
પુત્ર અંગત કૃત્રિમ સુગ્રીવના પક્ષમાં છે, સાત અક્ષૌહિણી સેના આમના તરફ છે અને
સાત પેલાની તરફ છે. નગરની દક્ષિણ તરફ તે રહ્યો છે અને ઉપર તરફ આ રહ્યો છે
અને વાલીના પુત્ર ચંદ્રરશ્મિએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે સુતારાના મહેલમાં આવશે,
તેને હું ખડ્ગથી મારી નાખીશ. હવે આ સાચો સુગ્રીવ સ્ત્રીના વિરહથી વ્યાકુળ શોક
મટાડવા માટે ખરદૂષણ પાસે ગયો, પણ ખરદૂષણ તો લક્ષ્મણના ખડ્ગથી હણાઈ ગયો.