મારું રૂપ લઈને કોઈ પાપી મારા ઘરમાં બેઠો છે તે મને મોટી બાધારૂપ છે, જઈને એને
મારો. સુગ્રીવનાં વચન સાંભળીને હનુમાન વડવાનળ સમાન ક્રોધથી પ્રજ્વલિત થઈ,
પોતાના મંત્રીઓ સહિત અપ્રતિઘાત નામના વિમાનમાં બેસીને કિહકંધાપુર આવ્યો.
હનુમાનને આવેલો સાંભળીને પેલો માયામયી સુગ્રીવ હાથી ઉપર ચડીને લડવા આવ્યો.
હનુમાન બન્નેનું સરખું રૂપ જોઈને આશ્ચર્ય પામ્યો, મનમાં વિચારવા લાગ્યો કે આ બન્ને
સરખા રૂપવાળા સુગ્રીવ જ છે, એમનામાંથી કોને મારું, કાંઈ તફાવત જણાતો નથી.
જાણ્યા વિના સુગ્રીવને જ મારું તો મહાન અનર્થ થઈ જાય. થોડીવાર પોતાના મંત્રીઓ
સાથે વિચારણા કરીને ઉદાસીન થઈ હનુમાન પાછા પોતાના નગરમાં ચાલ્યા ગયા.
હનુમાનના ચાલ્યા જવાથી સુગ્રીવને ખૂબ આકુળતા થઈ, મનમાં વિચારવા લાગ્યા કે
હજારો વિદ્યા અને માયાથી મંડિત મહા બળવાન, મહાપ્રતાપી વાયુપુત્ર પણ સંદેહ પામ્યા
તે ઘણું કષ્ટદાયક છે, હવે મને કોણ મદદ કરશે? અત્યંત વ્યાકુળ બનીને, દુઃખ મટાડવા
માટે સ્ત્રીના વિયોગરૂપ દાવાનળથી તપ્ત થયેલ આપના શરણે આવ્યો છે, આપ
શરણાગતનું રક્ષણ કરનાર છો. આ સુગ્રીવ અનેક ગુણોથી શોભિત છે. હે રઘુનાથ!
પ્રસન્ન થાવ, આને આપનો બનાવો. તમારા જેવા પુરુષોનાં શરીર બીજાઓનાં દુઃખનો
નાશ કરે છે. જાંબુનદના આવાં વચન સાંભળીને રામ-લક્ષ્મણ અને વિરાધિત કહેવા
લાગ્યા, ધિક્કર હો પરસ્ત્રીના લંપટ પાપી જીવોને! રામે વિચાર્યું કે મારું ને આનું દુઃખ
સમાન છે એટલે આ મારો મિત્ર થશે; હું એનો ઉપકાર કરીશ પછી એ મારો ઉપકાર
કરશે, નહિ તો હું નિર્ગ્રંથ મુનિ બની મોક્ષનું સાધન કરીશ. આમ વિચારીને રામ સુગ્રીવને
કહેવા લાગ્યા, હે સુગ્રીવ! મેં તને સર્વથા મિત્ર બનાવ્યો છે, જે તારું સ્વરૂપ બનાવીને
આવ્યો છે તેને જીતીને તારું રાજ્ય હું તને નિષ્કંટક કરાવી દઈશ અને તારી સ્ત્રી પણ
તને મેળવી આપીશ. તારું કામ થઈ જાય પછી તું અમને સીતાની ભાળ કાઢી આપશે કે
તે ક્યાં છે. ત્યારે સુગ્રીવ કહેવા લાગ્યો કે હે પ્રભો! મારું કાર્ય થયા પછી જો સાત
દિવસમાં હું સીતાનું ઠેકાણું ન શોધી લાવું તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ. આ વાત સાંભળી
રામ પ્રસન્ન થયા, જેમ ચંદ્રમાનાં કિરણોથી કુમુદ પ્રફુલ્લિત થાય છે તેમ. રામનું મુખકમળ
ખીલી ગયું, સુગ્રીવનાં અમૃતરૂપ વચનો સાંભળીને રોમાંચ ખડા થઈ ગયા. જિનરાજના
ચૈત્યાલયમાં બન્ને પરમ મિત્ર થયા અને એવી પ્રતિજ્ઞા કરી કે પરસ્પર કોઈએ દ્રોહ ન
કરવો. પછી રામ-લક્ષ્મણ રથ પર ચડી અનેક સામંતો સહિત સુગ્રીવની સાથે કિહકંધાપુર
આવ્યા. નગરની સમીપે પડાવ નાખીને સુગ્રીવે માયામયી સુગ્રીવની પાસે દૂત મોકલ્યો. તે
દૂતને તેણે અપમાનિત કર્યો અને માયમયી સુગ્રીવ રથમાં બેસી મોટી સેના સહિત યુદ્ધના
નિમિત્તે નીકળ્યો. બન્ને સુગ્રીવ પરસ્પર લડયા. માયામયી સુગ્રીવ અને સાચા સુગ્રીવ
વચ્ચે આયુધો વડે અનેક પ્રકારનું યુદ્ધ થયું, અંધકાર થઈ ગયો, બન્નેય ખેદ પામ્યા,
ભયંકર વેરથી માયામયી સુગ્રીવે સાચા સુગ્રીવ પર ગદાનો પ્રહાર કર્યો અને તે ઢળી
પડયો. તે માયામયી સુગ્રીવ એને મરેલો જાણી આનંદ પામી નગરમાં ગયો