યજ્ઞદત્તે પૂછયું કે હે સ્વામી! એ મારી માતા કેવી રીતે છે? ત્યારે મુનિએ કહ્યું કે સાંભળ.
એક મૃત્યકાવતી નગરમાં કણિક નામના વણિકને ધૂ નામની સ્ત્રીથી થયેલ બંધુદત્ત
નામનો પુત્ર હતો. તે બંધુદત્ત લતાદત્તની પુત્રી મિત્રવતી, જે પોતાની પત્ની હતી તેને
ગુપ્ત રીતે ગર્ભ રાખી પોતે જહાજમાં બેસી દેશાંતર ગયો. તેના ગયા પછી તેની સ્ત્રીને
ગર્ભ જાણી સાસુસસરાએ તેને દુરાચારિણી માની ઘરમાંથી કાઢી મૂકી. તે ઉત્પલકા નામની
દાસીને સાથે લઈ મોટા સારથિ જોડે પિતાને ઘેર ચાલી ગઈ. હવે તે ઉત્પલકાને વનમાં
સર્પ કરડયો અને તે મૃત્યુ પામી. આ મિત્રવતી શીલમાત્ર જ જેનો સહાયક એવી
ક્રૌંચપુરમાં આવી. તે ખૂબ શોકમાં હતી. તેને ઉપવનમાં પુત્રનો જન્મ થયો. ત્યારે તે તો
સરોવરમાં વસ્ત્ર ધોવા ગઈ અને પુત્રરત્નને કામળીમાં વીંટાળી દીધું. પાછળ એક કૂતરો
કામળી સહિત પુત્રને લઈ ગયો ત્યાં રસ્તામાં કોઈએ છોડાવ્યો અને રાજા યક્ષને આપ્યો.
તેની રાણી રાજિલતાને પુત્ર નહોતો તેથી રાજાએ પુત્ર રાણીને સોંપ્યો અને તેનું નામ
યક્ષદત્ત પાડયું તે તું છો. આ તરફ તારી માતા વસ્ત્ર ધોઈને આવી તે પુત્રને ન જોવાથી
વિલાપ કરવા લાગી. એક દેવપૂજારીએ દયા લાવીને તેને આશ્વાસન આપ્યું કે તું મારી
બહેન છે, આમ કહીને રાખી. તે આ મિત્રવતી છે. તે સહાયરહિત હોવાથી અપકીર્તિના
ભયથી પોતાના પિતાને ઘેર ન ગઈ. તે અત્યંત શીલવાન છે, જિનધર્મમાં તત્પર છે,
ગરીબની ઝૂંપડીમાં રહે છે, તેં ભ્રમણ કરતાં તેને જોઈને કુભાવ કર્યો. એનો પતિ બંધદત્ત
એને રત્નકામળી આપી ગયો હતો, તેમાં તને વીંટાળીને એ સરોવરે ગઈ હતી, તે
રત્નકામળી રાજાના ઘરમાં છે અને એ બાળક તું છો. આ મુનિએ કહ્યું. પછી એ નમસ્કાર
કરી ખડ્ગ હાથમાં લઈ રાજા યક્ષ પાસે ગયો અને કહેવા લાગ્યો કે આ ખડ્ગથી તારું
શિર કાપીશ નહિતર મારા જન્મનો વૃત્તાંત કહે. પછી રાજા યક્ષે જેવો હતો તેવો વૃત્તાંત
કહ્યો અને તે રત્નકામળી પણ દેખાડી. પછી યક્ષદત્ત તે લઈને પોતાની માતા, જે ઝૂંપડીમાં
બેઠી હતી તેને મળ્યો અને પોતાના પિતા બંધુદત્તને બોલાવ્યા. મોટો ઉત્સવ કરીને અને
મહાન વૈભવ સહિત માતાપિતાને મળ્યો. આ યક્ષદત્તની કથા ગૌતમ સ્વામીએ રાજા
શ્રેણિકને કહી. જેમ યક્ષદત્તને મુનિએ માતાનો વૃત્તાંત કહ્યો તેમ લક્ષ્મણે સુગ્રીવને તે જે
પ્રતિજ્ઞા ભૂલી ગયો હતો તેની યાદ અપાવી. સુગ્રીવ લક્ષ્મણ સાથે શીઘ્ર રામચંદ્ર પાસે
આવ્યો, નમસ્કાર કર્યા અને પોતાના મહાન કુળમાં ઉત્પન્ન થયેલા બધા વિદ્યાધર સેવકોને
બોલાવ્યા. તે આ વૃત્તાંત જાણતા હતા ને પોતાના સ્વામીના કાર્યમાં તત્પર હતા. તેમને
સમજાવીને કહ્યું કે બધાય સાંભળો-રામે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, હવે સીતાના
સમાચાર એમને લાવી દો. તમે બધી દિશાઓમાં જાવ અને સીતા ક્યાં છે એ સમાચાર
લાવો. આખી પૃથ્વી પર જળ, સ્થળ અને આકાશમાં તપાસ કરો. જંબુદ્વીપ, લવણ સમુદ્ર,
ધાતકીખંડ, કુણાચલ, વન, મેરુ, જુદા જુદા પ્રકારનાં વિદ્યાધરોનાં નગર, સર્વ સ્થળો, સર્વ
દિશાઓમાં તપાસ કરો.