Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 405 of 660
PDF/HTML Page 426 of 681

 

background image
પદ્મપુરાણ ત્રેપનમું પર્વ ૪૦પ
મહાસતી, નિર્ધૂમ અગ્નિ સમાન, જેની આંખો આંસુથી ભરી છે, શોકાતુર મુખે હાથ
અડાડીને બેઠી છે, શિરના કેશ વિખરાઈ ગયા છે, શરીર કૃશ છે. એ જોઈને વિચારવા
લાગ્યા કે આ માતાનું રૂપ ધન્ય છે. લોકમાં જેણે સર્વ લોકને જીતી લીધાં છે, જાણે એ
કમળમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી જ વિરાજે છે, દુઃખના સમુદ્રમાં ડૂબેલી છે તોપણ એના
જેવી બીજી કોઈ નારી નથી. હું જે રીતે બને તે રીતે એનો શ્રી રામ સાથે મેળાપ કરાવું.
આના અને રામના કાર્ય માટે મારું શરીર આપું, આનો અને રામનો વિરહ નહિ દેખું,
આમ ચિંતવન કરી પોતાનું રૂપ બદલી ધીમે પગલે આગળ જઈ હનુમાને શ્રી રામની
મુદ્રિકા સીતાની પાસે નાખી. તેને જોતાંવેંત તેના રોમાંચ ખડા થઈ ગયા અને મોઢું કાંઈક
આનંદિત લાગ્યું. ત્યારે તેની સમીપમાં જે સ્ત્રી બેઠી હતી તે જઈને એની પ્રસન્નતાના
સમાચાર રાવણને આપવા લાગી તેથી રાવણે ખુશ થઈને એને વસ્ત્ર, રત્નાદિક આપ્યાં.
અને સીતાને પ્રસન્નવદન જાણીને કાર્યની સિદ્ધિના વિચાર કરતો મંદોદરીને આખા
અંતઃપુર સહિત સીતા પાસે મોકલી. પોતાના નાથનાં વચનથી તે સર્વ અંતઃપુર સહિત
સીતા પાસે આવી અને સીતાને કહેવા લાગી-હે બાલે! આજે તું પ્રસન્ન થઈ છે એમ
સાંભળ્‌યું છે તેથી તેં અમારા ઉપર મહાન કૃપા કરી છે. હવે લોકના સ્વામી રાવણને
અંગીકાર કરીને દેવલોકની લક્ષ્મી ઈન્દ્રને ભજે તેમ રાવણને તું ભજ. આ વચન સાંભળી
સીતા ગુસ્સો કરીને મંદોદરીને કહેવા લાગી કે હે ખેચરી! આજે મારા પતિના સમાચાર
આવ્યા છે, મારા પતિ આનંદમાં છે તેથી મને હર્ષ ઉપજ્યો છે. મંદોદરીએ જાણ્યું કે આને
અન્નજળ લીધા અગિયાર દિવસ થઈ ગયા છે તેથી વાયુ થઈ ગયું છે અને તેથી બકે છે.
પછી સીતા મુદ્રિકા લાવનારને કહેવા લાગી કે હે ભાઈ! હું આ સમુદ્રના અંતર્દ્વીપમાં
ભયાનક વનમાં પડી છું તેથી મારા ભાઈ સમાન અત્યંત વાત્સલ્ય ધરનાર કોઈ ઉત્તમ
જીવ મારા પતિની મુદ્રિકા લઈને આવ્યો છે તે મને પ્રગટ દર્શન દો. ત્યારે અતિભવ્ય
હનુમાન સીતાનો અભિપ્રાય સમજી મનમાં વિચારવા લાગ્યા કે પહેલાં બીજાનો ઉપકાર
કરવાનું વિચારે અને પછી કાયર થઈને છુપાઈ રહે તે અધમ પુરુષ છે અને જે અન્ય
જીવને આપદામાં ખેદ-ખિન્ન જોઈને અન્યની સહાય કરે તે દયાળુનો જન્મ સફળ છે.
ત્યારે રાવણની મંદોદરી આદિ બધી સ્ત્રીઓના દેખતાં દૂરથી જ તેમણે સીતાને જોઈ હાથ
જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા. હનુમાન અત્યંત નિર્ભય, કાંતિથી ચંદ્રમા સમાન,
દીપ્તિથી સૂર્ય સમાન, વસ્ત્રાભરણમંડિત, મુકુટમાં વાનરનું ચિહ્ન જેનાં સર્વ અંગ ચંદનથી
ચર્ચિત, અત્યંત બળવાન, વજ્રવૃષભનારાચસંહનન, સુંદર કેશ, લાલ હોઠ, કુંડળનાઉદ્યોતથી
પ્રકાશિત મનોહર મુખ, ગુણવાન અને પ્રતાપસંયુક્ત સીતાની સન્મુખ આવતાં જાણે કે
સીતાનો ભાઈ ભામંડળ તેને લેવા આવતો હોય તેવા શોભતા હતા. તેમણે પ્રથમ જ
પોતાનું કુળ, ગોત્ર, માતાપિતાનું નામ કહીને પોતાનું નામ કહ્યું. પછી શ્રી રામે જે કહ્યું
હતું તે બધું કહ્યું અને હાથ જોડી વિનંતી કરી કે હે સાધ્વી! સ્વર્ગ વિમાન સમાન
મહેલોમાં શ્રી રામ બિરાજે છે, પરંતુ તમારા વિરહરૂપ સમુદ્રમાં ડૂબેલા તેમને ક્યાંય રતિ
ઉપજતી નથી. સમસ્ત ભોગોપભોગ છોડીને,