વિનયવાન છે, ધર્મ, અર્થ, કામના વેત્તા છે, કોમળ હૃદયવાળા છે, સૌમ્ય છે, વક્રતારહિત
છે, સત્યવાદી મહાધીરવીર છે, તે મારું વચન માનશે અને તમને રામ પાસે મોકલી દેશે.
એની કીર્તિ અત્યંત નિર્મળ પૃથ્વી પર પ્રસિદ્ધ છે અને એ લોકાપવાદથી ડરે છે. ત્યારે
સીતા હર્ષિત થઈને હનુમાનને કહેવા લાગી, હે કપિધ્વજ! તારા જેવા પરાક્રમી ધીરવીર
વિનયી મારા પતિની પાસે કેટલાક છે? ત્યારે મંદોદરી કહેવા લાગી, હે જાનકી? મેં જે
કહ્યું છે તે સમજીને કહ્યું છે. તું એને ઓળખતી નથી તેથી આમ પૂછે છે. આના જેવા
ભરતક્ષેત્રમાં કોણ છે? આ ક્ષેત્રમાં એ એક જ છે. આ મહાસુભટ યુદ્ધમાં કેટલીય વાર
રાવણનો સહાયક થયો છે. એ પવનનો અને અંજનાનો પુત્ર રાવણનો ભાણેજ જમાઈ છે,
ચંદ્રનખાની પુત્રી અનંગકુસુમાને પરણ્યો છે, આણે એકે અનેકને જીત્યા છે, લોકો સદા તેને
જોવા ઇચ્છે છે. તેની કીર્તિ ચંદ્રમાનાં કિરણો પેઠે જગતમાં ફેલાઈ ગઈ છે. લંકાનો ધણી
એને ભાઈઓથી પણ અધિક ગણે છે. આ હનુમાન પૃથ્વી પર પ્રસિદ્ધ ગુણોથી ભરેલો છે,
પરંતુ એ મોટું આશ્ચર્ય છે કે ભૂમિગોચરીઓનો દૂત થઈને આવ્યો છે. ત્યારે હનુમાને કહ્યું
કે તમે રાજા મયની પુત્રી અને રાવણની પટરાણી દૂતી બનીને આવ્યા છો. જે પતિની
કૃપાથી દેવો સરખા સુખ ભોગવ્યાં, તેને અકાર્યમાં પ્રવર્તતા રોકતા નથી અને આવા
કાર્યની અનુમોદના કરે છો. પોતાનો વલ્લભ વિષભરેલું ભોજન કરે છે તેને અટકાવતા
નથી, જે પોતાનું ભલુબૂરું ન જાણે તેનું જીવન પશુ સમાન છે. અને તમારા સૌભાગ્યરૂપ,
સૌથી અધિક અને પતિ પરસ્ત્રીરત થયા છે તેનું દૂતીપણું કરો છો. તમે સર્વ વાતોમાં
પ્રવીણ, પરમ બુદ્ધિમતી હતા તે સામાન્ય જીવોની પેઠે અવિધિનું કાર્ય કરો છો. તમે
અર્ધચક્રીની પટરાણી છો હવે હું તમને ભેંસ સમાન માનું છું. હનુમાનના મુખથી આ
વચન સાંભળી મંદોદરી ક્રોધથી બોલી, અહો તું દોષરૂપ છે! તારું વાચાળપણું નિરર્થક છે.
જો કદાચ રાવણ જાણશે કે એ રામનો દૂત થઈને સીતા પાસે આવ્યો છે તો જે કોઈની
સાથે નથી કર્યું એવું તારી સાથે કરશે. અને જેણે રાવણના બનેવી ચંદ્રનખાના પતિને
માર્યો તેના સુગ્રીવાદિક સેવક થયા, રાવણની સેવા છોડી દીધી તેથી એ બધા મંદબુદ્ધિ છે,
રંક શું કરવાના? એમનું મૃત્યુ નજીક આવ્યું છે તેથી ભૂમિગોચરીના સેવક થયા છે. તે
અતિ મૂઢ, નિર્લજ્જ, તુચ્છ વૃત્તિવાળા, કૃતઘ્ની વૃથા ગર્વરૂપ થઈને મૃત્યુની સમીપમાં બેઠા
છે. મંદોદરીનાં આ વચન સાંભળી સીતા ગુસ્સે થઈ બોલી, હે મંદોદરી! તું મંદબુદ્ધિ છે
તેથી આમ વૃથા બકે છે. મારા પતિ અદ્ભુત પરાક્રમના ધણી છે તે શું તેં નથી સાંભળ્યું?
શૂરવીર અને પંડિતોની ગોષ્ઠીમાં મારા પતિની મુખ્ય ગણના થાય છે. જેના વજ્રાવર્ત
ધનુષનો ટંકાર યુદ્ધમાં સાંભળીને મહાન રણવીર યોદ્ધા પણ ધૈર્ય રાખી શકતા નથી,
ભયથી કંપી દૂર ભાગે છે, જેનો નાનો ભાઈ લક્ષ્મણ લક્ષ્મીનો નિવાસ, શત્રુઓનો ક્ષય
કરવામાં સમર્થ, જેને દેખતાં જ શત્રુ દૂર ભાગી જાય છે. ઘણું કહેવાથી શું? મારા પતિ
રામ લક્ષ્મણ સાથે સમુદ્ર ઓળંગીને શીઘ્ર જ આવશે અને યુદ્ધમાં થોડા જ દિવસોમાં તું
તારા પતિને