હે વનના રક્ષક! તમે કેમ પ્રમાદરૂપ થઈ ગયા છો, ઉદ્યાનમાં કોઈ દુષ્ટ વિદ્યાધર આવ્યો છે,
તેને તરત જ મારવાનો અથવા પકડવાનો છે, એ અત્યંત અવિનયી છે. તે કોણ છે? ક્યાં
છે? હનુમાને આ સાંભળ્યું અને ધનુષ, શક્તિ, ગદા, ખડ્ગ, બરછી ધારણ કરેલા અનેક
લોકોને આવતા જોયા. પછી સિંહથીયે અધિક પરાક્રમી, જેના મુગટમાં રત્નજડિત વાનરનું
ચિહ્ન છે, જેનાથી આકાશમાં પ્રકાશ થયો છે, એવા પવનપુત્રે તેમના ઉગતા સૂર્ય સમાન
ક્રોધથી હોઠ કરડતા અને લાલ આંખોવાળું પોતાનું રૂપ દેખાડયું. તેના ભયથી બધા કિંકરો
ભાગી ગયા. અને બીજા વધારે ક્રૂર સુભટો આવ્યા. તે શક્તિ, તોમર, ખડ્ગ, ચક્ર, ગદા,
ધનુષ ઇત્યાદિ આયુધો હાથમાં લઈને ચલાવતા આવ્યા. અંજનાનો પુત્ર શસ્ત્રરહિત હતો.
તેણે વનનાં ઊંચાં ઊંચા વૃક્ષો ઉપાડયાં અને પર્વતોની શિલા ઉપાડી અને રાવણના સુભટો
પર પોતાના હાથથી ફેંકી જાણે કે કાળ જ મોકલ્યો તેથી ઘણાં સામંતો મરી ગયા.
હનુમાનની ભુજાનો આકાર મહા ભયંકર સર્પની ફેણ સમાન છે. તેણે શાલ, પીપળો, વડ,
ચંપા, અશોક, કદંબ, કુંદ, નાગં, અર્જુન, આમ્રવૃક્ષ, લોધ, કટહલનાં મોટાં મોટાં વૃક્ષો
ઉખાડીને તેના વડે અનેક યોદ્ધાઓને મારી નાખ્યા, કેટલાકને શિલાઓથી માર્યા, કેટલાકને
મુક્કા અને લાતોથી પીસી નાખ્યા, રાવણની સમુદ્ર જેવડી સેનાને ક્ષણમાત્રમાં વિખેરી
નાખી, કેટલાક મરી ગયા, કેટલાક ભાગી ગયા. હે શ્રેણિક! હરણોને જીતવા માટે સિંહને
કોની સહાય જોઈએ? અને શરીર બળહીન હોય તો ઘણાની મદદ હોય તોય શું કામની?
તે વનના બધા મહેલો, વાપિકા, વિમાન જેવા ઉત્તમ મહેલો બધું ચૂરેચૂરા કરી નાખ્યું,
માત્ર સપાટ જમીન રહી ગઈ. વનનાં મકાનો અને વૃક્ષોનો નાશ કર્યો તેથી જેમ સમુદ્ર
સુકાઈ જાય અને માર્ગ થઈ જાય તેમ માર્ગ થઈ ગયો. દુકાનો તોડી પાડી, અનેક કિંકરોને
મારી નાખ્યા તેથી બજાર સંગ્રામની ભૂમિ જેવી થઈ ગઈ. ઊંચાં તોરણો અને ધજાઓની
પંક્તિ પડી ગઈ. આકાશમાંથી જાણે ઇન્દ્રધનુષ પડયું હોય અને પોતાના પગ વડે અનેક
વર્ણનાં રત્નોના મહેલો ઢાળી દીધા તેથી અનેક વર્ણનાં રત્નોની રજથી જાણે આકાશમાં
હજારો ઇન્દ્રધનુષ રચાયાં છે, પગની લાતોથી પર્વત સમાન ઊંચાં ઘર તોડી પાડયાં તેનો
ભયાનક અવાજ થયો. કેટલાકને તો હાથથી અને ખભાથી માર્યા, કેટલાકને પગથી અને
છાતીથી માર્યા. આ પ્રમાણે રાવણના હજારો સુભટોને મારી નાખ્યા એટલે નગરમાં
હાહાકાર થઈ ગયો અને રત્નોના મહેલ તૂટી પડયા તેનો અવાજ થયો. હાથીઓના પગ
ઉખાડી નાખ્યા, ઘોડા પવનની જેમ ઊડવા લાગ્યા, વાવો તોડી નાખી તેથી કીચડ રહી
ગયો, જાણે ચાકડે ચડાવી હોય તેમ આખી લંકા વ્યાકુળ થઈ ગઈ. લંકારૂપ સરોવર
રાક્ષસરૂપ માછલાઓથી ભરેલું હતું તે હનુમાનરૂપ હાથીએ ડખોળી નાખ્યું. પછી મેઘવાહન
બખ્તર પહેરીને મોટી ફોજ લઈને આવ્યો તેની પાછળ ઇન્દ્રજિત આવ્યો એટલે હનુમાન
તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. લંકાની બહારની ભૂમિ ઉપર યુદ્ધ થયું, જેવું ખરદુષણ
અને લક્ષ્મણ વચ્ચે થયું હતું. હનુમાન ચાર ઘોડાના રથ પર બેસીને ધનુષબાણ લઈને
રાક્ષસોની સેના તરફ ધસ્યા.