Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 424 of 660
PDF/HTML Page 445 of 681

 

background image
૪ર૪ સત્તાવનમું પર્વ પદ્મપુરાણ
કહે કે હું આગળ રહીશ અને આ કહે હું આગળ રહીશ. તેમની બુદ્ધિ શત્રુઓનો નાશ
કરવામાં પ્રવૃત્ત થઈ છે. વિદ્યાકૌશિક, વિદ્યાવિખ્યાત, સર્પબાહુ, મહાદ્યુતિ, શંખ, પ્રશંખ,
રાજભિન્ન, અંજનપ્રભ, પુષ્પચૂડ, મહારક્ત, ઘટાસ્ત્ર, પુષ્પખેચર, અનંગકુસુમ, કામ,
કામાવર્ત, સ્મરાયણ, કામાગ્નિ, કામરાશિ, કનકપ્રભ, શિલીમુખ, સૌમ્યવકત્ર, મહાકામ,
હેમગોર આ બધા પવન જેવા ઝડપી અશ્વોના રથ પર ચઢીને નીકળ્‌યા. અને કદંબ,
વિટપ, ભીમ ભીમનાદ, ભયાનક, શાદૂલસિંહ, ચલાંગ, વિદ્યુદંશ, લ્હાદન, ચપળ, ચોલ,
ચંચળ ઈત્યાદિ હાથીઓના રથ પર ચઢીને નીકળ્‌યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે
કે હે મગધાધિપતિ! સામંતોના નામ કેટલાંક કહીએ. સૌમાં અગ્રેસર અઢી કરોડ
નિર્મળવંશમાં ઉત્પન્ન થયેલા રાક્ષસોના કુમારો દેવકુમાર તુલ્ય પરાક્રમી, જેમનો યશ
પ્રસિદ્ધ છે એવા યુદ્ધ માટે નીકળ્‌યા. મહાબળવાન મેઘવાહન કુમાર, ઇન્દ્ર જેવો રાવણપુત્ર
અતિપ્રિય ઇન્દ્રજિત પણ નીકળ્‌યો. જયંત સમાન વીરબુદ્ધિ કુંભકુર્ણ સૂર્યના વિમાન જેવા
જ્યોતિપ્રભવ નામના વિમાનમાં આરૂઢ થઈ, ત્રિશૂળનું આયુધ લઈને નીકળ્‌યો. રાવણ પણ
સુમેરુના શિખર સમાન પુષ્પક નામના પોતાના વિમાનમાં બેઠો. જેનું પરાક્રમ ઇન્દ્રતુલ્ય છે,
સેના વડે આકાશ અને પૃથ્વીને ઢાંકી દેતો, દેદીપ્યમાન આયુધો ધારણ કરી, સૂર્ય સમાન
જેની જ્યોતિ છે તે પણ અનેક સામંતો સહિત લંકાની બહાર નીકળ્‌યો. તે સામંતો
શીઘ્રગામી, અનેકરૂપ ધારણ કરનારાં વાહનો ઉપર ચડયા. કેટલાકના રથ, કેટલાકના
તુરંગ, કેટલાકના હાથી, કેટલાકના સિંહ તથા સાબર, બળદ, પાડા, ઊંટ, મેંઢા, મૃગ,
અષ્ટાપદ, ઈત્યાદિ સ્થલચર જીવો અને મગરમચ્છ આદિ અનેક જળના જીવો અને
જાતજાતના પક્ષીઓ, તેમનું રૂપ બદલાવીને દેવરૂપી વાહન પર ચડયા, રાવણના સાથી
અનેક યોદ્ધા નીકળ્‌યા. ભામંડળ અને સુગ્રીવ પર રાવણને ખૂબ ક્રોધ હતો તેથી રાક્ષસવંશી
તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. રાવણના પ્રયાણ સમયે અનેક અપશુકન થયા.
જમણી તરફ શલ્ય એટલે કે શેઢી ટોળામાં ભયાનક અવાજ કરતી પ્રયાણને રોકે છે અને
ગીધ ભયંકર અપશબ્દ કાઢતો આકાશમાં ભમે છે જાણે કે રાવણનો ક્ષય જ કહે છે, બીજા
પણ અનેક અપશુકન થયા. સ્થળના જીવ, આકાશના જીવ અત્યંત વ્યાકુળ થયા. ક્રૂર
અવાજ કરતા રુદન કરવા લાગ્યા. જોકે રાક્ષસોના સમૂહમાં બધા જ પંડિત છે, શાસ્ત્રનો
વિચાર જાણે છે તો પણ શૂરવીરતાના ગર્વથી મૂઢ થઈને મોટી સેના સહિત યુદ્ધ કરવા
નીકળ્‌યા. કર્મના ઉદયથી જીવોનો જ્યારે કાળ આવે છે ત્યારે અવશ્ય આવું જ કારણ બને
છે. કાળને રોકવા ઇન્દ્ર પણ શક્તિમાન નથી, બીજાઓની તો શી વાત? આ રાક્ષસવંશી
યોદ્ધા મહાબળવાન, યુદ્ધમાં ચિત્તવાળા, અનેક વાહનો પર બેસી, નાના પ્રકારનાં આયુધો
લઈને અનેક અપશુકનો થયા તો પણ તેમને ગણકાર્યા વિના, નિર્ભય થઈને રામની સેના
સન્મુખ આવ્યા.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત, ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની સેના યુદ્ધ માટે લંકામાંથી
નીકળી તેનું વર્ણન કરનાર સત્તાવનમું પર્વ પૂર્ણ થયું