Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 493 of 660
PDF/HTML Page 514 of 681

 

background image
પદ્મપુરાણ એંસીમું પર્વ ૪૯૩
વિભીષણના ઘરે આવ્યા. ગૌતમસ્વામી કહે છે-હે શ્રેણિક! તે સમયની વિભૂતિનું વર્ણન ન
થઈ શકે. વિભીષણે અર્ધપાદ્ય કર્યા, શોભા કરી. શ્રી શાંતિનાથના મંદિરથી લઈને પોતાના
મહેલ સુધી મનોજ્ઞ તાંડવનૃત્ય કર્યાં. શ્રી રામ હાથી પરથી ઊતરીને સીતા અને લક્ષ્મણ
સહિત વિભીષણના ઘરમાં પ્રવેશ્યા. વિભીષણના મહેલની મધ્યમાં પદ્મપ્રભુ જિનેન્દ્રનું
મંદિર છે, રત્નોનાં તોરણો શોભે છે, તેની ચારેતરફ અનેક જૈનમંદિરો છે, જેમ પર્વતોની
મધ્યમાં સુમેરુ શોભે છે તેમ પદ્મપ્રભુનું મંદિર શોભે છે. સોનાના સ્તંભ, નાના પ્રકારનાં
મણિઓથી મંડિત અનેક રચનાવાળું, સુંદર પદ્મરાગમણિથી તે શોભે છે. પદ્મપ્રભુ
જિનેન્દ્રની પ્રતિમા અનુપમ છે, તેની કાંતિથી મણિરત્નની ભૂમિ પર જાણે કે કમળોનાં વન
ખીલેલાં હોય તેવું લાગે છે. રામ, લક્ષ્મણ, સીતાએ વંદના કરી, સ્તુતિ કરી અને
યથાયોગ્ય આસન લીધું.
પછી વિદ્યાધરોની સ્ત્રીઓએ રામ, લક્ષ્મણ, સીતાના સ્નાનની તૈયારી કરી. અનેક
પ્રકારનાં સુગંધી તેલનો લેપ કર્યો, જે નાસિકા અને દેહને અનુકૂળ હતો. પૂર્વ દિશા તરફ
મુખ રાખીને સ્નાનના બાજોઠ પર બિરાજ્યા. મહાન ઋદ્ધિથી સ્નાનક્રિયા થઈ. સુવર્ણના,
મરકતમણિના, હીરાના, સ્ફટિકમણિના, ઇન્દ્રનીલમણિના સુગંધી જળભરેલા કળશોથી
સ્નાન થયું. નાના પ્રકારનાં વાજિંત્રો વાગ્યાં, ગીતો ગવાયાં. સ્નાન થયા બાદ પવિત્ર
વસ્ત્ર-આભૂષણ પહેરી ફરીથી પદ્મપ્રભુના ચૈત્યાલયમાં જઈને વંદના કરી. વિભીષણે
રામની મહેમાનગતિ કરી તેનું વર્ણન કેટલું કરીએ? દૂધ, દહી, ઘી, શરબતની વાવો
ભરાવી, અન્નના પર્વત કર્યા. જે અદ્ભુત વસ્તુઓ નંદનાદિ વનમાં મળે તે મંગાવી. મન,
નાસિકા, નેત્રોને પ્રિય, અતિસ્વાદિષ્ટ, જીભને પ્રિય ષટ્રસ ભોજનની તૈયારી કરી. સામગ્રી
તો સુંદર હતી જ, અને સીતાના મિલનથી રામને અતિ પ્રિય લાગી. જ્યારે ઇષ્ટનો સંયોગ
થાય ત્યારે પાંચેય ઇન્દ્રિયોને બધા જ ભોગ પ્રિય લાગે છે, નહિતર નહિ. જ્યારે પોતાના
પ્રીતમનો સંયોગ થાય ત્યારે ભોજન સારી રીતે રુચે છે, વસ્ત્ર સુંદર લાગે છે, રાગ
સાંભળવા ગમે છે, કોમળ સ્પર્શ રુચે છે. મિત્રના સંયોગથી બધુંય મનોહર લાગે અને
મિત્રનો વિયોગ હોય ત્યારે બધું સ્વર્ગતુલ્ય હોય તે પણ નરકતુલ્ય લાગે છે. પ્રિયના
સમાગમમાં વિષમ વન સ્વર્ગતુલ્ય ભાસે છે. વિભીષણે અમૃતસરખા રસ અને અનેક
વર્ણનાં અદ્ભુત ભક્ષ્યોથી રામ, લક્ષ્મણ, સીતાને ખૂબ તૃપ્ત કર્યાં. વિદ્યાધર, ભૂમિગોચરી
સૌને પરિવાર સહિત અત્યંત સન્માનથી જમાડયા, ચંદનાદિ સુગંધના લેપ કર્યા, ભદ્રશાલ,
નંદનાદિક વનનાં પુષ્પોથી શોભિત કર્યા, કોમળ, ઝીણાં વસ્ત્રો પહેરાવ્યાં, નાના પ્રકારનાં
રત્નોનાં આભૂષણો આપ્યાં, તેનાં રત્નોની જ્યોતિથી દશે દિશામાં પ્રકાશ થઈ ગયો.
રામની સેનાના જેટલા માણસો હતા તે બધાનું સન્માન કરીને વિભીષણે તેમને પ્રસન્ન
કર્યા, સૌના મનોરથ પૂર્ણ કર્યા. બધા રાતદિવસ વિભીષણની પ્રશંસા કરે છે. અહો, આ
વિભીષણ રાક્ષસવંશનું આભૂષણ છે, જેણે રામ-લક્ષ્મણની ઘણી સેવા કરી અને તે
પ્રશંસવાયોગ્ય છે. તે મોટા પુરુષ છે, જેમના ઘેર રામ-લક્ષ્મણ પધારે તે જગતમાં મહાન
પ્રભાવ અને યશ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે વિદ્યાધરોએ વિભીષણના ગુણ ગ્રહણ કર્યા.