Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 494 of 660
PDF/HTML Page 515 of 681

 

background image
૪૯૪ એંસીમું પર્વ પદ્મપુરાણ
બધા લોકો આનંદથી રહ્યા. રામ, લક્ષ્મણ, સીતા અને વિભીષણની કથા પૃથ્વી પર ફેલાઈ ગઈ.
(રામ–લક્ષ્મણનો લંકામાં છ વર્ષ સુધી સુખપૂર્વક નિવાસ)
પછી વિભિષણાદિક બધા વિદ્યાધરો રામ-લક્ષ્મણનો અભિષેક કરવા વિનયપૂર્વક
તૈયાર થયા. ત્યારે શ્રી રામે કહ્યું કે અયોધ્યામાં અમારા પિતાએ ભાઈ ભરતનો અભિષેક
કરાવ્યો છે, તેથી ભરત જ અમારા પ્રભુ છે. તો બધાએ કહ્યું કે આપને એ જ યોગ્ય છે,
પરંતુ હવે આપ ત્રિખંડી થયા છો, તેથી આ મંગળ સ્નાન યોગ્ય જ છે, આમાં શો દોષ
છે? અને એવું સાંભળવામાં આવે છે કે ભરત મહાધીર છે અને મનવચનકાયાથી આપની
સેવામાં પ્રવર્તે છે, વિક્રિયા પામતા નથી. આમ કહીને બધાએ રામ-લક્ષ્મણનો અભિષેક
કર્યો. જગતમાં બળભદ્ર અને નારાયણની અત્યંત પ્રશંસા થઈ. જેમ સ્વર્ગમાં ઇન્દ્રનો
મહિમા થાય તેમ લંકામાં રામ-લક્ષ્મણનો મહિમા થયો. ઇન્દ્રના નગર સમાન તે નગર
ભોગોથી પૂર્ણ છે. ત્યાં રામ-લક્ષ્મણની આજ્ઞાથી વિભીષણ રાજ્ય કરે છે. નદી-સરોવરના
તીરે અને દેશ, પુર, ગ્રામાદિમાં વિદ્યાધરો રામ-લક્ષ્મણનો જ યશ ગાવા લાગ્યા. વિદ્યાધરો
સાથે અદ્ભુત વસ્ત્ર-આભૂષણ પહેરી તેની સાથે ક્રીડા કરતા, જેમ દેવ ક્રીડા કરે છે. શ્રી
રામચંદ્ર સીતાનું પ્રફુલ્લિત મુખકમળ જોતાં તૃપ્ત થતા નહિ, લક્ષ્મણ વિશલ્યા સહિત
રમણીય ભૂમિમાં રમતા હતા. મનવાંછિત સકળ વસ્તુઓનો તેમને સમાગમ હોવાથી બન્ને
ભાઈઓના ઘણા દિવસો સુખમાં એક દિવસની જેમ પસાર થઈ ગયા.
એક દિવસ લક્ષ્મણે વિરાધિતને પોતાની અગાઉ પરણેલી સ્ત્રીઓને તેડવા માટે પત્ર
લખીને મોકલ્યો. તેણે જઈને કન્યાઓના પિતાને પત્ર આપ્યો. માતાપિતાએ ઘણા આનંદથી
કન્યાઓને મોકલી. દશાંગનગરના સ્વામી વજ્રકર્ણની પુત્રી, કુંવરસ્થાનના રાજા
વાલિખિલ્યની પુત્રી કલ્યાણમાલા, પૃથ્વીપુર નગરના રાજા પૃથ્વીધરની પુત્રી વનમાલા,
ખેમાંજલિના રાજા જિતશત્રુની પુત્રી જિતપદ્મા, ઉજ્જૈન નગરીના રાજા સિંહોદરની પુત્રી,
એ બધીને વિરાધિત લક્ષ્મણ પાસે લાવ્યો. જન્માંતરના પૂર્ણ પુણ્યથી અને દયા, દાન, શીલ,
સંયમ, ગુરુભક્તિ, ઉત્તમ તપ, ઇન્દ્રિયજય વગેરે શુભ કર્મોથી તેમને લક્ષ્મણ જેવો પતિ
મળ્‌યો. આ પતિવ્રતાઓએ પૂર્વે મહાન તપ કર્યું હતું. રાત્રિભોજન ત્યાગ્યું હતું, ચતુર્વિધ
સંઘની સેવા કરી હતી તેથી વાસુદેવ પતિ મળ્‌યા. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે
રાજન્! જગતમાં કોઈ એવી સંપદા, શોભા, લીલા, કળા નહોતી, જે એમને ન મળી હોય.
રામ-લક્ષ્મણ અને તેમની રાણીઓની કથા કેટલી કહીએ? અને ક્યાં કમળ અને ક્યાં ચંદ્ર
એમનાં મુખની ઉપમા પામે, તથા ક્યાં લક્ષ્મી અને ક્યાં રતિ, જે એમની રાણીની ઉપમા
પામે? રામ-લક્ષ્મણની આવી સંપદા જોઈ વિદ્યાધરોને પરમ આશ્ચર્ય થતું. ચંદ્રવર્ધની પુત્રી
અને બીજા અનેક રાજાઓની કન્યાઓ સાથે શ્રી રામ-લક્ષ્મણના અતિઉત્સાહથી વિવાહ
થયા. સર્વ લોકને આનંદ આપનાર તે બન્ને ભાઈઓ મનવાંછિત સુખ ભોગવતા હતા.
ઇન્દ્રપ્રતીન્દ્ર સમાન આનંદથી પૂર્ણ લંકામાં રમતા હતા. આ પ્રમાણે તેમણે લંકામાં છ વર્ષ
ગાળ્‌યાં, સુખના સાગરમાં મગ્ન, સુંદર ચેષ્ટાના ધારક રામચંદ્ર સકળ દુઃખ ભૂલી ગયાં.