છે તેમ મહાકામી રાજા મોહિત થઈને વિષયોના બંધનમાં પડયો છે. આજે છ દિવસથી
સર્વ રાજ્ય કાર્ય છોડી પ્રમાદને વશ થઈ વનમાં રહે છે, કામાન્ધ મૂર્ખ તમારા આગમનને
જાણતો નથી. તમે તેને જીતવાનો નિશ્ચય કર્યો છે તેની તેને ખબર નથી. મંત્રીઓએ તેને
ખૂબ સમજાવ્યો પણ કોઈની વાત કાને ધરતો નથી, જેમ મૂઢ રોગી વૈદ્યનું ઔષધ લેતો
નથી. આ સમયે મથુરા હાથમાં આવે તો આવે અને જો કદાચ મધુ નગરમાં આવી ગયો
તો સમુદ્ર સમાન અથાહ છે. ગુપ્તચરોના મુખેથી આ વચન સાંભળી કાર્યમાં પ્રવીણ શત્રુઘ્ન
તે જ સમયે બળવાન યોદ્ધાઓ સાથે મથુરામાં ધસી ગયો. અર્ધરાત્રિના સમયે બધા લોકો
પ્રમાદમાં હતા, નગરી રાજા વિનાની હતી તેથી શત્રુઘ્ન દરવાજો તોડીને મથુરામાં પ્રવેશ્યો.
મથુરા મનોજ્ઞ છે. બંદીજનોના અવાજ આવ્યા કે રાજા દશરથના પુત્ર શત્રુઘ્ન જયવંત હો.
આ શબ્દો સાંભળી નગરીના લોકો પરચક્રનું આગમન જાણી અત્યંત વ્યાકુળ થયા. જેમ
લંકા અંગદના પ્રવેશથી અત્યંત વ્યાકુળ થઈ હતી તેમ મથુરામાં વ્યાકુળતા ફેલાણી. કેટલીક
બીકણ હૃદયવાળી સ્ત્રીઓને ગર્ભપાત થઈ ગયો, કેટલાક શૂરવીરો કકળાટના શબ્દ સાંભળી
તત્કાળ સિંહની પેઠે ઊઠયા. શત્રુઘ્ન રાજમહેલમાં ગયો, આયુધશાળા પોતાના કબજામાં લઈ
લીધી અને સ્ત્રી-બાળકો વગેરે નગરજનો ત્રાસ પામ્યાં હતાં તેમને મધુર વચનોથી ધીરજ
આપી કે આ શ્રી રામનું રાજ્ય છે, અહીં કોઇને દુઃખ નહિ પડે. આથી નગરીના લોકો
નિર્ભય થયા. શત્રુઘ્ન મથુરામાં આવ્યો છે એ સાંભળીને રાજા મધુ અતિ કોપ કરી
ઉપવનમાંથી નગરમાં આવ્યો, પણ શત્રુઘ્નના સુભટોનું રક્ષણ હોવાથી મથુરામાં દાખલ ન
થઈ શક્યો. જેમ મુનિના હૃદયમાં મોહ પ્રવેશી શકતો નથી. જાતજાતના ઉપાયો કરવા છતાં
તે પ્રવેશી ન શક્યો અને ત્રિશૂળરહિત થયો તો પણ અભિમાની મધુએ શત્રુઘ્ન સાથે સંધિ
ન કરી, લડવા માટે તૈયાર થયો. તેથી શત્રુઘ્નના યોદ્ધા યુદ્ધ કરવા નીકળ્યા, બન્નેની સમુદ્ર
જેવડી સેના વચ્ચે પરસ્પર યુદ્ધ થયું. રથ, હાથી, ઘોડાના સવારો પરસ્પર યુદ્ધ કરવા
લાગ્યા. જાતજાતનાં આયુધો ધારણ કરી સમર્થ યોદ્ધાઓ લડવા લાગ્યા. તે વખતે
પરસેનાના ગર્વને ન સહન કરી શકવાથી કૃતાંતવક્ર સેનાપતિ શત્રુની સેનામાં પેઠો અને
સ્વયંભૂ રમણ ઉદ્યાનમાં ઇન્દ્ર ક્રીડા કરે તેમ રણક્રીડા કરવા લાગ્યો. તેને જોઈને મધુનો
પુત્ર લવણાર્ણવકુમાર યુદ્ધ કરવા સામે આવ્યો, પોતાના બાણરૂપ મેઘથી કૃતાંતવક્રરૂપ
પર્વતને આચ્છાદિત કરવા લાગ્યો. કૃતાંતવક્ર પણ આશીવિષ તુલ્ય બાણોથી તેના બાણને
છેદતો રહ્યો અને ધરતી તથા આકાશને પોતાનાં બાણોથી ઢાંકવા લાગ્યો. બન્ને યોદ્ધા સિંહ
સમાન બળવાન હતા. આણે તેને રથરહિત કર્યો અને તેણે આને. પછી કૃતાંતવક્રે
લવણાર્ણવની છાતીમાં બાણ માર્યું અને તેનું બખ્તર ભેદ્યું. લવણાર્ણવે કૃતાંતવક્ર ઉપર તોમર
ચલાવ્યું. બન્ને ઘાયલ થયા હતા, બન્નેની આંખો ક્રોધથી લાલ હતી, બન્નેનાં વસ્ત્ર
રુધિરથી રંગાયા હતા, બન્ને કેસુડાના વૃક્ષ સમાન શોભતા હતા. ગદા, ખડ્ગ, ચક્ર ઇત્યાદિ અનેક