મધુના મરણના સમાચાર ચમરેન્દ્રને કહેવા લાગ્યા. મધુ સાથે તેથી ગાઢ મૈત્રી હતી તેથી
તે પાતાળમાંથી નીકળી અત્યંત ગુસ્સે થઈને મથુરામાં આવવા તૈયાર થયા. તે વખતે
ગરુડેન્દ્રે અસુરેન્દ્રની પાસે આવી પૂછયું હે દૈત્યેન્દ્ર? કઈ તરફ જવા તૈયાર થયા છો?
ત્યારે ચમરેન્દ્રે કહ્યું, જેણે મારા મિત્ર મધુને માર્યો છે તેને કષ્ટ દેવા તૈયાર થયો છું ત્યારે
ગરુડેન્દ્રે કહ્યું કે શું તમે વિશલ્યાનું માહાત્મ્ય સાંભળ્યું નથી? ત્યારે ચમરેન્દ્રે કહ્યું કે તે
અદ્ભુત અવસ્થા વિશલ્યાની કૌમાર અવસ્થામાં જ હતી, હવે તો તે નિર્વિષ ભુજંગી
સમાન છે. જ્યાં સુધી વિશલ્યાએ વાસુદેવનો આશ્રય લીધો નહોતો ત્યાં સુધી બ્રહ્મચર્યના
પ્રસાદથી તેનામાં અસાધારણ શક્તિ હતી, હવે તેનામાં તે શક્તિ નથી. જે નિરતિચાર
બાળબ્રહ્મચર્ય પાળે તેના ગુણનો મહિમા કથનમાં ન આવે, શીલના પ્રસાદથી સુર-અસુર-
પિશાચાદિ બધા ડરે. જ્યાં સુધી શીલરૂપી ખડ્ગ ધાર્યું હોય ત્યાં સુધી કોઈથી જીતી ન
શકાય. હવે વિશલ્યા પતિવ્રતા છે, પણ બ્રહ્મચારિણી નથી, માટે તેનામાં તે શક્તિ નથી.
મદ્ય, માંસ, મૈથુન એ મહાપાપ છે, એના સેવનથી શક્તિનો નાશ થાય છે. જેમના વ્રત-
શીલ-નિયમરૂપ કોટનો ભંગ થયો ન હોય તેમને કોઈ વિઘ્ન કરવાને સમર્થ નથી. એક
કાલાગ્નિ નામનો મહાભયંકર રુદ્ર થયો તે હે ગરુડેન્દ્ર! તમે સાંભળ્યું જ હશે. પછી તે સ્ત્રી
પ્રત્યે આસક્ત થઈ નાશ પામ્યો. તેથી વિષયનું સેવન વિષ કરતાં પણ વિષમ છે. પરમ
આશ્ચર્યનું કારણ એક અખંડ બ્રહ્મચર્ય છે. હવે હું મારા મિત્રના શત્રુ ઉપર ચડીશ, તમે
તમારા સ્થાનકે જાવ. ગરુડેન્દ્રને આમ કહીને ચમરેન્દ્ર મથુરા આવ્યા. મિત્રના મરણથી
ક્રોધે ભરાયેલા તેણે મથુરામાં તેવો જ ઉત્સવ જોયો, જેવો મધુના સમયે હતો. અસુરેન્દ્રે
વિચાર્યું કે આ લોકો મહાદુષ્ટ કૃતઘ્ન છે, દેશનો સ્વામી પુત્રસહિત મરી ગયો છે અને બીજો
આવીને બેઠો છે તો એમને શોક થવો જોઈએ કે હર્ષ? જેના બાહુની છાયા પામીને ઘણા
કાળ સુધી જે સુખમાં રહ્યા તે મધુના મૃત્યુંનું દુઃખ એમને કેમ ન થયું? આ મહાકૃતઘ્ન છે,
માટે કૃતઘ્નનું મુખ પણ ન જોવું. લોકો વડે શૂરવીર સેવવા યોગ્ય છે. અને શુરવીર વડે
પંડિત સેવવા યોગ્ય છે. પંડિત કોણ કહેવાય? જે પારકાનાં ગુણ માને તે તો કૃતઘ્ન
મહામૂર્ખ છે, આમ વિચારીને મથુરાના લોકો પર ચમરેન્દ્ર કોપ્યો, આ લોકોનો નાશ કરું,
આ દેશ સહિત મથુરાપુરીનો નાશ કરું. આમ અત્યંત ક્રોધે ભરાઈને અસુરેન્દ્રે લોકો પર
દુસ્સહ ઉપસર્ગ કર્યો, લોકોને અનેક રોગ થયા, પ્રલયકાળના અગ્નિ સમાન નિર્દય થઈને
લોકરૂપ વનને ભસ્મ કરવા તૈયાર થયો. જે જ્યાં ઊભા હતા તે ત્યાં જ મરી ગયા, જે
બેઠા હતા તે બેઠેલા જ રહી ગયા, સૂતા હતા તે સૂતા જ રહી ગયા, મરી ફેલાઈ ગઈ.
લોકો ઉપર ઉપસર્ગ જોઈને મિત્ર કુળદેવતાના ભયથી શત્રુઘ્ન અયોધ્યા આવ્યો.