Padmapuran (Gujarati). Parva 91 - Shatrughnana purvabhav aney Mathurama anek janma dharan karvathi atianurag.

< Previous Page   Next Page >


Page 529 of 660
PDF/HTML Page 550 of 681

 

background image
પદ્મપુરાણ એકાણુંમું પર્વ પર૯
પોતાનો શૂરવીર ભાઈ જીત મેળવીને આવ્યો હોવાથી બળભદ્ર-નારાયણ ખૂબ હર્ષ પામ્યા.
શત્રુઘ્નની માતા સુપ્રભાએ ભગવાનની અદ્ભુત પૂજા કરાવી, દુઃખી જીવોને કરુણાથી અને
ધર્માત્મા જીવોને અતિ વિનયથી અનેક પ્રકારનાં દાન આપ્યાં. જોકે અયોધ્યા અતિ સુંદર
છે, સુવર્ણરત્નોના મહેલોથી મંડિત છે, કામધેનુ સમાન સર્વ કામના પૂરનારી દેવપુરી
સમાન છે, તો પણ શત્રુઘ્નનો જીવ મથુરામાં અતિઆસક્ત છે, તેને અયોધ્યામાં અનુરાગ
ન થયો. જેમ રામ સીતા વિના કેટલાક દિવસ ઉદાસ રહ્યા હતા તેમ શત્રુઘ્ન મથુરા વિના
અયોધ્યામાં ઉદાસપણે રહ્યો. જીવોને સુંદર વસ્તુનો સંયોગ સ્વપ્ન સમાન ક્ષણભંગુર છે,
પરમ દાહ ઉપજાવે છે, જેઠ મહિનાના સૂર્યથી પણ અધિક આતાપ કરે છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં મથુરાના લોકોને અસુરેન્દ્રકૃત
ઉપસર્ગ વર્ણવનાર નેવુમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકાણુંમું પર્વ
(શત્રુઘ્નના પૂર્વભવ અને મથુરામાં અનેક જન્મ ધારણ કરવાથી અતિઅનુરાગ)
પછી રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે ભગવાન! શા માટે શત્રુઘ્ન
મથુરાની જ માગણી કરતો રહ્યો? અયોધ્યા કરતાં પણ મથુરાનો નિવાસ તેને કેમ રુચતો
હતો? સ્વર્ગલોક સમાન અનેક રાજધાની તેણે ન યાચી અને મથુરાની જ ઇચ્છા કરી,
એથી મથુરા પ્રત્યે તેને કેમ પ્રીતિ થઈ? ત્યારે જ્ઞાનસમુદ્ર ગૌતમ સ્વામીએ કહ્યું કે હે
શ્રેણિક! આ શત્રુઘ્નના અનેક ભવ મથુરામાં થયા છે તેથી તેને મધુપુરી પ્રત્યે અધિક સ્નેહ
થયો. આ જીવ કર્મોના સંબંધથી અનાદિકાળથી સંસારસાગરમાં વસે છે અને અનંત ભવ
કરે છે. આ શત્રુઘ્નનો જીવ અનંત ભવભ્રમણ કરી મથુરામાં એક યમનદેવ નામનો અતિક્રૂર
ધર્મથી વિમુખ મનુષ્ય થયો. તે મરીને ભૂંડ, ગધેડો, કાગડો એવા જન્મ ધરીને અજપુત્ર
થયો. તે અગ્નિમાં બળી મર્યો પછી પખાલીનો પાડો થયો, તે છ વાર પાડો થઈને દુઃખથી
મર્યો, નીચ કુળમાં નિર્ધન મનુષ્ય થયો. હે શ્રેણિક અત્યંત પાપી જીવ નરકમાં જાય છે,
પુણ્યવાન જીવ સ્વર્ગમાં જાય છે અને શુભાશુભમિશ્રિત ભાવથી મનુષ્ય થાય છે. પછી એ
કુલંધર નામનો બ્રાહ્મણ થયો, રૂપાળો પણ શીલ વિનાનો. એક વખતે તે નગરનો રાજા
દિગ્વિજય નિમિત્તે દેશાંતરે ગયો, તેની લલિતા નામની રાણી મહેલના ઝરૂખામાં બેઠી
હતી. તેણે આ દુરાચારી વિપ્રને જોયો અને કામબાણથી વીંધાઈ ગઈ. તેણે એને મહેલમાં
બોલાવ્યો. રાણી અને તે એક આસન પર બેસી રહેતા. એક દિવસ આ પ્રમાણે બેઠાં હતાં
તે જ વખતે રાજા દૂરથી આવેલો અચાનક ત્યાં દાખલ થયો. તેને આમ બેઠેલો જોયો.
રાણીએ કપટથી કહ્યું કે એ ભિક્ષુક છે તો પણ રાજાએ ન માન્યું. રાજાના નોકરો