પતિને જોઈને પ્રસન્ન થાય તેમ શોભવા લાગી. તે મહામુનિ રસપરિત્યાગાદિ તપ અને
બેલા, તેલા પક્ષોપવાસાદિ અનેક તપ ચોમાસાના ચાર મહિનામાં કરતા. તે મથુરાના
વનમાં રહેતા અને ચારણઋદ્ધિના પ્રભાવથી ચાહે ત્યાં આહાર કરી આવતા. એક
નિમિષમાત્રમાં આકાશમાર્ગે જઈ પોદનાપુર પારણું કરી આવે તો કોઈ વાર વિજયપુર કરી
આવે. ઉત્તમ શ્રાવકના ઘેર પાત્રભોજન કરી સંયમ નિમિત્તે શરીરને રાખતા. કર્મ
ખપાવવાના ઉદ્યમી એક દિવસે ધોંસરી પ્રમાણ ધરતી નીરખતા અને વિહાર કરતા, ઇર્યા
સમિતિનું પાલન કરતાં, આહારના સમયે અયોધ્યા આવ્યા. શુદ્ધાહાર લેનાર, જેમની ભુજા
પલંબિત છે, તે અર્હદત્ત શેઠને ઘેર આવી ચડયા. અર્હદત્તે વિચાર્યું કે વર્ષાકાળમાં મુનિનો
વિહાર હોતો નથી, આ ચોમાસા પહેલાં તો અહીં આવ્યા નથી અને અહીં જે જે સાધુ
ગુફામાં, નદીને તીરે, વૃક્ષ તળે, શૂન્ય સ્થાનકોમાં, વનનાં ચૈત્યાલયોમાં ચાતુર્માસ કરીને
રહ્યા છે તે સર્વની મેં વંદના કરી છે. આમને તો અત્યાર સુધી જોયા નથી. માટે લાગે છે
કે આ આચારાંગ સૂત્રની આજ્ઞાથી પરાઙમુખ ઇચ્છાવિહારી છે, વર્ષાકાળમાં પણ વિહાર
કરતા રહે છે, જિનઆજ્ઞાથી પરાઙમુખ, જ્ઞાનરહિત, આચાર્યોની આમ્નાયથી રહિત છે. જો
તે જિનાજ્ઞાપાલક હોય તો વર્ષામાં વિહાર કેમ કરે? તેથી તેઓ તો ઊભા થઈ ગયા અને
તેમની પુત્રવધૂએ અત્યંત ભક્તિથી પ્રાસુક આહાર આપ્યો. તે મુનિ આહાર લઈને
ભગવાનના ચૈત્યાલયમાં આવ્યા, જ્યાં દ્યુતિભટ્ટારક બિરાજતા હતા. આ સપ્તર્ષિ ઋદ્ધિના
પ્રભાવથી ધરતીથી ચાર આંગળ ઊંચે રહીને ચાલ્યા અને ચૈત્યાલયમાં ધરતી પર પગ
મૂકીને આવ્યા. આચાર્ય ઊઠીને ઊભા થયા. અતિ આદરથી તેમને નમસ્કાર કર્યા. અને જે
દ્યુતિભટ્ટારકના શિષ્યો હતા તે બધાએ નમસ્કાર કર્યા. પછી આ સપ્તર્ષિ તો જિનવંદના કરી
આકાશના માર્ગે મથુરા ગયા. એમના ગયા પછી અર્હદત્ત શેઠ ચૈત્યાલયમાં આવ્યા ત્યારે
દ્યુતિભટ્ટારકે કહ્યું કે મહાયોગીશ્વર સપ્તમહર્ષિ અહીં આવ્યા હતા. તમે પણ તેમને વંદ્યા? તે
મહાપુરુષ મહાન તપના ધારક છે. ચાતુર્માસ મથુરામાં કર્યું છે અને ચાહે ત્યાં આહાર લઈ
આવે છે. આજે અયોધ્યામાં આહાર લીધો, ચૈત્યાલયમાં દર્શન કરીને ગયા, અમારી સાથે
ધર્મની ચર્ચા કરી. તે મહાતપોધન ગગનગામી શુભ ચેષ્ટાના ધારક તે મુનિ વંદવાયોગ્ય
છે. ત્યારે શ્રાવકોમાં અગ્રણી અર્હદત્ત શેઠ આચાર્યના મુખેથી ચારણ મુનિઓનો મહિમા
સાંભળી ખેદખિન્ન થઈ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ધિક્કાર છે મને! હું સમ્યગ્દર્શનરહિત
વસ્તુનું સ્વરૂપ ન ઓળખી શક્યો. હું અત્યાચારી મિથ્યાદ્રષ્ટિ છું. મારા જેવો બીજો અધર્મી
કોણ હોય? તે મહામુનિ મારે ઘેર આહાર માટે પધાર્યા હતા અને મેં નવધા ભક્તિથી
તેમને આહાર ન આપ્યો. જે સાધુને જોઈને સન્માન ન કરે અને ભક્તિથી અન્નજળ ન
આપે તે મિથ્યાદ્રષ્ટિ છે. હું પાપનું ભાજન, અતિનિંદ્ય, મારા જેવો બીજો અજ્ઞાની કોણ? હું
જિનવાણીથી વિમુખ છું, હવે હું જ્યાં સુધી તેમના દર્શન નહિ કરું ત્યાં સુધી મારા મનની
બળતરા મટશે નહિ. ચારણ મુનિઓની એ જ રીત છે કે ચોમાસાનો નિવાસ તો એક
સ્થાનમાં કરે અને આહાર અનેક નગરીમાં કરી આવે.