Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 533 of 660
PDF/HTML Page 554 of 681

 

background image
પદ્મપુરાણ બાણુંમું પર્વ પ૩૩
ચારણઋદ્ધિના પ્રભાવથી તેમના અંગથી જીવોને બાધા થતી નથી.
પછી કાર્તિકી પૂનમ નજીક જાણી શેઠ અર્હદત્ત મહાન સમ્યગ્દ્રષ્ટિ, રાજા જેવી જેની
વિભૂતિ છે તે અયોધ્યાથી સર્વકુટુંબ સહિત સપ્તર્ષિના પૂજન નિમિત્તે મથુરા ચાલ્યા. જે
મુનિઓનું માહાત્મય જાણે છે અને પોતાની વારંવાર નિંદા કરે છે. રથ, હાથી, પ્યાદાં,
તુરંગના સવાર ઇત્યાદિ મોટી સેના સાથે યોગીશ્વરોની પૂજા માટે શીઘ્ર ચાલ્યો. મહાન
વૈભવ સાથે શુભધ્યાનમાં તત્પર કાર્તિક સુદ સાતમના દિવસે મુનિઓનાં ચરણોમાં જઈ
પહોંચ્યો. ઉત્તમ સમ્યક્ત્વના ધારક તેમણે વિધિપૂર્વક મુનિવંદના કરીને મથુરામાં ખૂબ
શોભા કરાવી. મથુરા સ્વર્ગ સમાન શોભી ઊઠયું. આ સમાચાર સાંભળી શત્રુઘ્ન તરત જ
અશ્વારૂઢ થઈ સપ્તઋષિની પાસે આવ્યો. શત્રુઘ્નની માતા સુપ્રભા પણ મુનિઓની ભક્તિથી
પુત્રની પાછળ જ આવી. શત્રુઘ્ને નમસ્કાર કરી મુનિઓના મુખે ધર્મનું શ્રવણ કર્યું.
મુનિરાજે કહ્યું હે નૃપ! આ સંસાર અસાર છે, વીતરાગનો માર્ગ સાર છે. તેમાં શ્રાવકનાં
બાર વ્રત કહ્યાં છે, મુનિના અઠ્ઠાવીસ મૂળ ગુણ કહ્યા છે. મુનિઓએ નિર્દોષ આહાર લેવો.
અકૃત, અકારિત, રાગરહિત પ્રાસુક આહાર વિધિપૂર્વક લેવાથી યોગીશ્વરોને તપની વૃદ્ધિ
થાય છે. ત્યારે શત્રુઘ્ને કહ્યું કે હે દેવ! આપના પધારવાથી આ નગરમાંથી મરી ગઈ, રોગ
ગયા, દુર્ભિક્ષ દૂર થયો, બધાં વિઘ્નો મટયાં, સુભિક્ષ થયો, બધાને શાતા થઈ, પ્રજાનાં દુઃખ
ગયાં, બધી જ સમૃદ્ધિ થઈ, જેમ સૂર્યના ઉદયથી કમલિની ખીલે. આપ થોડા દિવસ અહીં
જ બિરાજો. મુનિઓએ કહ્યુંઃ હે શત્રુઘ્ન! જિનાજ્ઞા સિવાય અધિક રહેવું ઉચિત નથી, આ
ચોથો કાળ ધર્મના ઉદ્યોતનું કારણ છે, આમાં મુનિન્દ્રનો ધર્મ ભવ્ય જીવ ધારણ કરે છે,
જિન-આજ્ઞા પાળે છે, મહામુનિને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાન મુનિસુવ્રતનાથ તો
મુક્ત થયા; હવે નમિ, નેમિ, પાર્શ્વ અને મહાવીર આ ચાર તીર્થંકરો બીજા થશે. વળી
પંચમકાળ જેને દુઃખકાળ કહે છે તેથી ધર્મની ન્યૂનતારૂપ પ્રવર્તશે. તે સમયમાં પાખંડી
જીવો દ્વારા જિનશાસન અતિ ઊંચું હોવા છતાં આચ્છાદિત થશે, જેમ રજકણથી સૂર્યનું
બિંબ આચ્છાદિત થાય છે. પાખંડીઓ દયાધર્મનો લોપ કરી હિંસાનો માર્ગ પ્રવર્તાવશે. તે
સમયે ગ્રામ મસાણ જેવાં અને લોકો પ્રેત જેવા કુચેષ્ટા કરનારા થશે. કુધર્મમાં પ્રવીણ, ક્રૂર,
ચોર, દુષ્ટ જીવોથી ધરતી પીડા પામશે, ખેડૂતો દુઃખી થશે, પ્રજા નિર્ધન થશે, હિંસક જીવો
પરજીવોના ઘાતક થશે, નિરંતર હિંસાની વૃદ્ધિ થશે, પુત્ર માતાપિતાની આજ્ઞાથી
વિમુખ
થશે, માતાપિતા પણ સ્નેહરહિત થશે. કળિકાળમાં રાજા લૂટારા થશે, કોઈ સુખી નહિ
દેખાય. કહેવાના સુખી, તે પાપી વિચારવાળા દુર્ગતિમાં લઈ જનારી કુકથા કરી પરસ્પર
પાપ ઉપજાવશે. હે શત્રુઘ્ન! કળિકાળમાં કષાયની બહુલતા થશે અને સમસ્ત અતિશયોનો
નાશ થશે. ચારણ મુનિઓ, દેવ, વિદ્યાધરોનું આગમન નહિ થાય. અજ્ઞાની લોકો
નગ્નમુદ્રાના ધારક મુનિઓને જોઈને નિંદા કરશે, મલિન ચિત્તવાળ મૂઢજનો અયોગ્યને
યોગ્ય માનશે. જેમ પતંગિયું દીપકની જ્યોત પર પડે તેમ અજ્ઞાની પાપપંથમાં પડી
દુર્ગતિનાં દુઃખ ભોગવશે. જે શાંત સ્વભાવવાળા હશે, દુષ્ટો તેમની નિંદા કરશે, વિષયી
જીવોને ભક્તિથી પૂજશે.