ચક્રપુર, રથનૂપુર, બહુરવ, શ્રીમલય, શ્રીગૃહ, અરિંજ્ય, ભાસ્કરપ્રભ, જ્યોતિપુર, ચંદ્રપુર,
ગંધાર, મલય, સિંહપુર, શ્રીવિજયપુર, ભદ્રપુર, યક્ષપુર, તિલકસ્થાનક ઈત્યાદિ મોટાં મોટાં
નગર તે બધાં રામે તથા લક્ષ્મણે વશ કર્યાં. આખી પૃથ્વી જીતીને સાત રત્ન સહિત
લક્ષ્મણ નારાયણપદના ભોક્તા થયા. સાત રત્નોનાં નામ-ચક્ર, શંખ, ધનુષ્ય, શક્તિ, ગદા,
ખડ્ગ, કૌસ્તુભમણિ. રામનાં ચાર રત્નો હળ, મૂશળ, રત્નમાળા અને ગદા. આ પ્રમાણે
બન્ને ભાઈ અભેદભાવથી પૃથ્વીનું રાજ્ય કરે છે.
લક્ષ્મણના પુત્રોનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. ગૌતમ સ્વામીએ કહ્યું હે રાજન્! રામ-
લક્ષ્મણ જગતમાં પ્રધાનપુરુષ બન્યા, નિષ્કંટક રાજ્ય ભોગવતાં તેમને દિવસ, પક્ષ, માસ
અને વર્ષ સુખમાં વીતે છે. લક્ષ્મણને ઊંચા કુળમાં જન્મેલી દેવાંગના સમાન સોળ હજાર
રાણીઓ હતી. તેમાં આઠ પટરાણી કીર્તિ સમાન, લક્ષ્મી સમાન, રતિ સમાન, ગુણવંતી,
શીલવંતી, અનેક કળામાં નિપુણ, અતિસૌમ્ય હતી. તેમનાં નામ-પ્રથમ રાજા દ્રોણમેઘની
પુત્રી વિશલ્યા, બીજી રૂપમતી, ત્રીજી વનમાલા, ચોથી કલ્યાણમાલા, પાંચમી રતિમાલા,
છઠ્ઠી જિતપદ્મા, સાતમી ભગવતી અને આઠમી મનોરમા. રામને આઠ હજાર રાણી હતી
તેમાં ચાર પટરાણી હતી. પ્રથમ જાનકી, બીજી પ્રભાવતી, ત્રીજી રતિપ્રભા અને ચોથી
શ્રીદામા. આ બધામાં સીતા તારાઓ મધ્યે ચંદ્રકળાની પેઠે શોભતી. લક્ષ્મણને અઢીસો
પુત્રો હતા તેમાંથી કેટલાંકના નામ-વૃષભ, ધારણ, ચંદ્ર, શરમ, મકરધ્વજ, ધારણ,
હરિનાગ, શ્રીધર, મદન, અચ્યુત. એ બધા સુંદર ચેષ્ટાના ધારક હતા અનેક ગુણોથી બધા
લોકોના મનને અનુરાગ ઉપજાવતા. વિશલ્યાનો પુત્ર શ્રીધર અયોધ્યામાં આકાશમાં ચંદ્રની
પેઠે શોભતો. રૂપમતીનો પુત્ર પૃથ્વીતિલક, કલ્યાણમાલાનો પુત્ર મંગળ, પદ્માવતીનો પુત્ર
વિમળપ્રભ, વનમાલાનો પુત્ર અર્જુનવૃક્ષ, અતિવીર્યની પુત્રીનો પુત્ર શ્રીકેશી, ભગવતીનો
પુત્ર સત્યકેશી, મનોરમાનો પુત્ર સુપાર્શ્વકીર્તિ, આ બધા જ અતિબળવાન, પરાક્રમી, શસ્ત્ર
અને શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતાં. આ બધા ભાઈઓમાં પરસ્પર અધિક પ્રીતિ હતી. જેમ
નખ માંસ સાથે મજબૂત ચોંટેલા હોય છે, કદી જુદા થતા નથી તેમ આ ભાઈઓ જુદા
પડતા નહિ. સુયોગ્ય ચેષ્ટાવાળા, પરસ્પર પ્રેમથી ભરેલા આ તેના હૃદયમાં અને તે આના
હૃદયમાં અને જેમ સ્વર્ગમાં દેવ રમે તેમ આ કુમારો અયોધ્યાપુરીમાં રમતા. જે પ્રાણી
પુણ્યના અધિકારી છે, શુભ ચિત્તવાળા છે તેમને જન્મથી માંડીને બધી મનોહર વસ્તુઓ
આપોઆપ જ આવી મળે છે. રઘુવંશીઓના સાડાચાર કરોડ કુમારો મહામનોજ્ઞ ચેષ્ટાના
ધારક નગરના વન-ઉપવનાદિમાં દેવોની જેમ રમતા હતા. સોળ હજાર મુગટબંધ સૂર્યથી
અધિક તેજસ્વી રાજાઓ રામ-લક્ષ્મણના સેવક થયા હતા.