છે તેમના સુખ જેવું બીજું સુખ નથી. જેમનાં દર્શનજ્ઞાન લોકાલોકને દેખે-જાણે તેમના
જેવો સૂર્ય ક્યાં? સૂર્ય તો ઉદય-અસ્ત પામે છે, સકળ પ્રકાશક નથી. તે ભગવાન સિદ્ધ
પરમેષ્ઠી હથેળીમાં આંભલાની પેઠે સકળ વસ્તુને દેખે-જાણે છે. છદ્મસ્થ પુરુષનું જ્ઞાન
તેમના જેવું નથી. જોકે અવધિજ્ઞાની મનઃપર્યયજ્ઞાની મુનિ અવિભાગી પરમાણું પર્યંત દેખે
છે અને જીવોના અસંખ્યાત ભવ જાણે છે તો પણ અરૂપી પદાર્થોને જાણતા નથી અને
અનંતકાળનું જાણતા નથી, કેવળી જ તે જાણે છે, કેવળજ્ઞાન કેવળદર્શનયુક્ત જે છે તેમના
સમાન બીજા નથી. સિદ્ધોને જ્ઞાન અનંત, દર્શન અનંત અને સંસારી જીવોને અલ્પજ્ઞાન,
અલ્પદર્શન, સિદ્ધોને અનંતસુખ, અનંતવીર્ય અને સંસારીઓને અલ્પસુખ, અલ્પવીર્ય હોય
છે. એ નિશ્ચયથી જાણો કે સિદ્ધોનાં સુખનો મહિમા કેવળજ્ઞાની જ જાણે, ચાર જ્ઞાનના
ધારક પણ પૂર્ણ ન જાણે. આ સિદ્ધપદ અભવ્યોને મળતું નથી. નિકટભવ્ય જ આ પદ
પામે. અભવ્ય અનંતકાળ કાયકલેશ કરી અનેક યત્ન કરે તો પણ ન પામે. અનાદિકાળનું
જે અજ્ઞાન તે રૂપ સ્ત્રીનો વિરહ અભવ્યોને થતો નથી, તે સદા અવિદ્યા સાથે ભવવનમાં
શયન કરે છે, અને મુક્તિરૂપી સ્ત્રીના મિલનની વાંછામાં તત્પર ભવ્ય જીવો કેટલોક કાળ
સંસારમાં રહે છે તે સંસારમાં રાજી નથી, તપમાં રહેતા તેઓ મોક્ષના જ અભિલાષી છે.
જેમનામાં સિદ્ધ થવાની શક્તિ નથી તેમને અભવ્ય કહે છે. જે હોનહાર સિદ્ધ છે તેમને
ભવ્ય કહીએ. કેવળી કહે છે હે રઘુનંદન! જિનશાસન વિના બીજો કોઈ મોક્ષનો ઉપાય
નથી. સમ્યક્ત્વ વિના કર્મોનો ક્ષય થતો નથી. અજ્ઞાની જીવ કરોડો ભવોમાં જે કર્મ ન
ખપાવી શકે તે જ્ઞાની ત્રણ ગુપ્તિ ધારણ કરીને એક મુહૂર્તમાં ખપાવે છે. સિદ્ધ ભગવાન
પરમાત્મા પ્રસિદ્ધ છે, સર્વ જગતના લોકો તેમને જાણે છે કે તે ભગવાન છે. કેવળી
સિવાય તેમને કોઈ પ્રત્યક્ષ દેખી જાણી શકતું નથી, કેવળજ્ઞાનીઓ જ સિદ્ધોને દેખે જાણે
છે. આ જીવે સંસારનું કારણ એવો મિથ્યાત્વનો માર્ગ અનંતભવમાં ધારણ કર્યો છે. તમે
નિકટભવ્ય છો, પરમાર્થની પ્રાપ્તિ અર્થે જિનશાસનની અખંડ શ્રદ્ધા રાખો. હે શ્રેણિક!
સકળભૂષણ કેવળીનાં આ વચન સાંભળી શ્રી રામચંદ્રે પ્રણામ કરી કહ્યું હે નાથ! મને આ
સંસારસમુદ્રથી તારો, હે ભગવાન! આ પ્રાણી કયા ઉપાયથી સંસારના વાસથી છૂટે છે?
કેવળી ભગવાને કહ્યું હે રામ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર મોક્ષનો માર્ગ છે, જિનશાસનમાં
તત્ત્વના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. તત્ત્વ અનંત ગુણ પર્યાયરૂપ છે. તેના બે ભેદ છે.
એક ચેતન અને બીજો અચેતન જીવ ચેતન છે, બીજા બધા અચેતન. સમ્યગ્દર્શન બે
પ્રકારે ઉપજે છે-એક નિસર્ગ, બીજો અધિગમ, જે સ્વતઃ સ્વભાવથી ઉપજે તે નિસર્ગ અને
ગુરુના ઉપદેશથી ઉપજે તે અધિગમ. સમ્યગ્દ્રષ્ટિ જીવ જિનધર્મમાં રત છે. સમ્યક્ત્વના
અતિચાર પાંચ છે-શંકા એટલે જિનધર્મમાં સંદેહ, કાંક્ષા એટલે ભોગોની અભિલાષા,
વિચિકિત્સા એટલે મહામુનિને જોઈ ગ્લાનિ કરવી, અન્યદ્રષ્ટિ પ્રશંસા એટલે મિથ્યાદ્રષ્ટિને
મનમાં ભલા માનવા અને સંસ્તવ એટલે વચનથી મિથ્યાદ્રષ્ટિની સ્તુતિ કરવી.